તાનારીરી મહોત્સવ : ભારતીય શાસ્ત્રીય સંગીત મહોત્સવ
પ્રિય મિત્રો,
ગઈકાલે મને પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજ તથા પંડિત રાજન-સાજન મિશ્રાને પંડિત ઓમકારનાથ ઠાકુર સન્માન એનાયત કરવાની તક મળી હતી. મેં કિશોરી અમોનકર તથા બેગમ પરવિન સુલ્તાનાને પણ તાનારીરી એવોર્ડ એનાયત કર્યા. આ મહાન સંગીતકારોનું આપણી વચ્ચે હોવું અને ગુજરાતની જનતા વતી તેમનું સન્માન કરવું એ એક અદભૂત બાબત રહી.
ભારતીય સંગીત અદ્વિતીય છે અને તેણે તેની ઓળખ સમગ્ર વિશ્વમાં ઊભી કરી છે. આપણા ઐતિહાસિક લખાણો તથા પ્રાચીન કાર્યો ભારતીય શાસ્ત્રીય સંગીત માટેના સમૃદ્ધ સ્ત્રોત છે. આપણા શાસ્ત્રીય ગાયકોથી લઈને બોલીવુડના વિશ્વ વિખ્યાત ઇન્સ્ટ્રુમેન્ટલિસ્ટ્સની ધૂનો સુધીની આપણા સંગીતની વિશાળતાની વિશ્વને ઓળખ થઈ ચૂકી છે.
હું ચોક્કસપણે માનું છું કે સાંસ્કૃતિક અને કલાત્મક સ્વતંત્રતા એ ગતિશીલ સમાજના પાયાના સિદ્ધાંતો છે. કોઈ પણ સમાજ પોતાને વિકસિત કહી શકે નહીં, જો તે પોતાના સર્જનાત્મક વિચારોને પોતાની સર્જનાત્મકતા વ્યક્ત કરવા માટેની સંપૂર્ણ સ્વતંત્રતા ન આપતો હોય.
કલા અને સાહિત્ય રાજ્ય પર નિર્ભર હોવાં જોઈએ નહીં. સરકાર તરીકે અમારી ભૂમિકા કલા અને સાહિત્યને પ્રોત્સાહન આપવાની અને લોકપ્રિય બનાવવાની છે, તેનું કદ ઘટાડવાની કે તેને પ્રભાવિત કરવાની નથી.
આપણે એક એવા ગુજરાતની કલ્પના કરીએ છીએ કે જે સાંસ્કૃતિક ક્ષેત્રમાં અત્યંત જીવંત હોય. આપણા શાસ્ત્રીય સંગીતથી લઈને નૃત્ય તથા પેઇન્ટિંગ સુધીની કલા, સંગીત અને સંસ્કૃતિનાં તમામ સ્વરૂપોને લોકપ્રિય બનાવવા માટે અમે સતત પ્રયત્નો કરીએ છીએ. આ એક કૌશલ્ય હોવા ઉપરાંત, આ આપણા યશસ્વી ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેની મહત્વપૂર્ણ કડીઓ છે.
આપણો આવો જ એક પ્રયાસ એટલે તાનારીરી મહોત્સવ, જે ગઈકાલે 11 નવેમ્બર, 2013 ના રોજ શરૂ થયેલ છે. આ ઉત્સવ ભારતીય અને ગુજરાતી બંને પ્રકારનાં શાસ્ત્રીય સંગીતની ઉજવણી કરે છે. તે વડનગરમાં યોજવામાં આવે છે, એક એવી ભૂમિ કે જેનું સંગીત સાથે ખૂબ જ મજબૂત જોડાણ છે.
તાનારીરી મહોત્સવ વડનગરની બે બહેનો, તાના અને રીરીના સન્માનમાં યોજવામાં આવે છે. એવું કહેવાય છે કે સુપ્રસિદ્ધ સંગીતકાર તાનસેનને દિપક રાગ (અગ્નિ દેવને સમર્પિત રાગ) ના વ્યાપક ગાયનના કારણે શરીરમાં દાહ લાગ્યો, ત્યારે તાના અને રીરીએ રાગ મલ્હાર (વરસાદ લાવનાર મેઘ પર સમર્પિત એક રાગ) ગાયો અને તેમના ગાયનને કારણે તાનસેનને શાતા વળી.
તાનારીરી મહોત્સવ કારતક માસની નોમના દિવસે ઉજવવામાં આવે છે (દિવાળી પછીનો પ્રથમ મહિનો). સિદ્ધહસ્ત ગુજરાતી શાસ્ત્રીય ગાયકો સહિતના ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયકોને આમંત્રિત કરવામાં આવે છે અને તે સંગીત પ્રેમીઓ માટેની એક સુંદર મહેફિલ બની રહે છે.
આપને જાણીને આનંદ થશે કે આ મહોત્સવે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું જ્યારે 2010 ના તાનારીરી મહોત્સવમાં શાસ્ત્રીય ગાયિકા ધારી ‘પંચમદા’ એ સતત 101 કલાક અને 23 મિનીટ સુધી ગાવાનો એક રેકોર્ડ સ્થાપ્યો હતો, જે યોગાનુયોગે ગુજરાતનું સ્વર્ણીમ જયંતી વર્ષ પણ હતું. આ જ મહોત્સ્વ દરમ્યાન એક અન્ય રેકોર્ડ પણ પ્રસ્થાપિત થયેલ જ્યારે તેણે તાનારીરી મહોત્સવમાં 214 રાગો તથા 271 બંદિશો રજૂ કરેલ.
ગુજરાત હંમેશથી જ સંગીતકારો તથા કલાકારોને સન્માનવા માટે પ્રતિબદ્ધ રહેલ છે કે જેમણે પોતાની સર્જનાત્મક શક્તિ દ્વારા વિશ્વને પ્રભાવિત કરેલ છે અને તેથી જ સ્વર્ણીમ જયંતીની ઉજવણી દરમ્યાન આપણે પંડિત ઓમકારનાથ ઠાકુર સન્માન તથા તાનારીરી એવોર્ડની શરૂઆત કરી. પંડિત ઓમકારનાથ ઠાકુર ભારત સંગીતના ઇતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેઓ ભરૂચના હતા તથા સુરતમાં સંગીતની સાધના કરેલ. લોકો આજે પણ તેમણે ગાયેલ ‘વંદે માતરમ’ ને અત્યંત ગૌરવ અને આદર સાથે યાદ કરે છે. આપણે ગૌરવ પુરસ્કારની શ્રેણીમાં લોક સંગીતનો પણ સમાવેશ કરેલ છે.
હું અમારા આ પ્રયત્નોમાં આપનો સાથ ઇચ્છું છું જેથી ગુજરાત સાંસ્કૃતિક ક્ષેત્રમાં હજી વધુ સારો દેખાવ કરી શકે.
આપનો,
નરેન્દ્ર મોદી