ચૂંટણીમાં મતદારો તમામ ઉમેદવારોને નકારી શકે તે માટે નેગેટિવ વોટિંગના વિકલ્પનો સમાવેશ કરવાનો નિર્દેશ આજે સવારે નામદાર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આપ્યો છે.
હું આ ચૂકાદાને હૃદયપૂર્વક આવકારૂં છું. મને એ બાબતની ખાતરી છે કે આની આપણા રાજ્યવ્યવસ્થાતંત્ર પર લાંબાગાળાની અસરો થશે અને લોકશાહીને વધુ વાયબ્રન્ટ બનાવવા માટે ચૂંટણી સુધારાની દિશામાં આ એક મજબૂત પગલું છે.
મિત્રો, ઘણા લાંબા સમયથી મેં ચૂંટણીઓમાં રાઇટ ટુ રિજેક્ટની જોગવાઇ લાગુ કરવા માટે અવાજ ઉઠાવ્યો હતો. તેના વગર આપણા વ્યવસ્થા તંત્રમાં કંઇક ખૂટી રહ્યું હોવાનો અહેસાસ થતો હતો. હાલમાં, જો એક બેઠક માટે દસ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં હોય, તો આપણે મતદારોને તે દસ ઉમેદવારોમાંથી કોઇ એક પર પસંદગી ઢોળવા મજબૂર કરીએ છીએ. કોર્ટના આ ચૂકાદાથી મતદારો તેમનો રોષ વ્યક્ત કરવા અને એવા તમામ ઉમેદવારોને નકાર આપવા બાબતે વધુ વિકલ્પ મળ્યો છે. હવે મતદારો એવો સંદેશો પાઠવી શક્શે કે, અમને ઉમેદવાર કે ઉમેદવારોની પાર્ટી અથવા પાર્ટીની નીતિઓ પસંદ નથી. તેનાથી રાજકીય પાર્ટીઓને એક મજબૂત સંદેશો મળશે- શા માટે લોકો તેમનો સ્વીકાર કરતાં નથી: તે બાબતનો વિચાર કરવા માટે પાર્ટીઓ મજબૂર બનશે. તેનાથી પાર્ટીઓ વધુ જવાબદાર બની રહેશે.
આવનારી ચૂંટણીઓમાં રાઇટ ટુ રિજેક્ટ આવી રહ્યું છે, તે બાબતથી અમુક રાજકીય પાર્ટીઓના મારા મિત્રો પીછેહટ કરવા લાગ્યા છે. અલબત્ત, હું તેનાથી વિસ્મય પામતો નથી. આપણે ફરજિયાત મતદાન અંગેનું એક વિધેયક પણ પ્રસ્તુત કર્યું હતું, અને રાઇટ ટુ રિજેક્ટમાં તેનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેનો નખશિખ વિરોધ કર્યો હતો. આ બિલ વર્ષ 2008 અને વર્ષ 2009માં એમ બે વખત મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તેને નામદાર રાજ્યપાલ દ્વારા અટકાવી રાખવામાં આવ્યું હતું.
ફરજિયાત મતદાનથી પણ અનેક લાભ થતાં હોય છે, અને તેનાથી આપણી લોકશાહી વધુ મજબૂત બની શકે છે. તેનાથી ચૂંટણીમાં નાણાંકીય શક્તિના થતા પ્રદર્શન પ્રત્યે પણ ઘટાડો લાવવાનો ડર ઉભો થશે. અનેક નાગરિકો ચૂંટણી દરમ્યાન કરવામાં આવતા અઢળક ખર્ચને કારણે અશાંતિનો અનુભવ કરતા હોય છે. અલબત્ત, ફરજિયાત મતદાનને લાવીને સૌમ્યતા અને એક મતદારને ચૂંટણી બૂથ સુધી ગમે તેમ કરીને પહોંચાડવા માટે ચૂંટણીમાં કરવામાં આવતા વધુ પડતા ખર્ચ થઇ શક્શે નહીં અને મતદાર તેના કે તેણીના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરી શક્શે.
આપણામાંથી અનેક લોકોને પોતાને એવો પ્રશ્ન થતો હશે કે રાઇટ ટુ રિજેક્ટ અને ફરજિયાત મતદાન જેવા પગલાં આપણી અભિવ્યક્તિ રજૂ કરવાના અધિકારનો ભંગ કરે છે? ના, તે અંગે હું જણાવીશ કે આ તમારી અભિવ્યક્તિ પ્રસ્તુત કરવાની દિશામાં આ એક મજબૂત તક છે. હાલમાં તમે તમારી પસંદગીના વ્યક્તિ કે પાર્ટી પર પસંદગી ઉતારીને આપની અભિવ્યક્તિ રજૂ કરવા અંગેનો અધિકાર માત્ર અડધો જ ભોગવી રહ્યાં છો. ભવિષ્યમાં તમે ઉમેદવારોને નકારીને પણ તમારી સંપૂર્ણ અભિવ્યક્તિ રજૂ કરી શક્શો.
અને તેનાથી મતદારો પાસેથી કંઇક છીનવાઇ જવાનું નથી. જો બાળકોનું ફરજિયાત શાળાએ જવા અંગે આપ સમર્થન આપી રહ્યાં હોય, તો શું આપ એમ કહેશો કે અમે તેની કે તેણીની બાલ્યાવસ્થાનો ઇનકાર કરીએ છીએ?
એક વખત કોઇએ મહાત્મા ગાંધીને પુછ્યું હતું કે લોકોના મૂળભૂત અધિકારો શું-શું છે? તેના જવાબમાં ગાંધીજીએ જણાવ્યું હતું કે તે માત્ર લોકોના મૂળભૂત અધિકારો જ નથી, પણ તે લોકોની મૂળભૂત ફરજો છે. જ્યારે આપણે યથાયોગ્ય રીતે આપણી ફરજો અદા કરીશું, તે સમયે આપણા અધિકારોનું આપોઆપ જ રક્ષણ થશે અને જો આપણે આપણી ફરજો યોગ્ય રીતે નિભાવીશું, તો આપણી લોકશાહીનું રક્ષણ થશે.
પરંતુ મિત્રો, રાઇટ ટુ રિજેક્ટ અને ફરજિયાત મતદાન અંગે ચર્ચા કરવી સારી છે, પણ જો આપે મતદાર તરીકે નોંધણી ન કરાવી હોય, તો આ વાદ-વિવાદ અર્થહીન છે! મને એમ જણાવવામાં આવ્યું છે કે બહોળી સંખ્યા ધરાવતા 18થી 24 વર્ષના નવયુવાનોએ મતદાર તરીકેની તેમની નોંધણી કરાવી જ નથી. આનાથી વધુ બદનસીબ બીજું કંઇ ન કહેવાય. ચૂંટણી પંચ દ્વારા દેશના તમામ રાજ્યોમાં મતદારોની નોંધણી માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી છે અને આપ સર્વેને મારી અરજ છે કે આ ઝુંબેશના ઉપયોગથી મતદાર તરીકેની આપની નોંધણી અવશ્ય કરાવો. તે પણ એક સમાન હકીકત છે કે આપણા અનેક એનઆરઆઇ મિત્રો કે જેઓ તેમનો ભારતીય પાસપોર્ટ ધરાવે તો છે, પરંતુ તેઓ તે બાબતથી વાકેફ નથી કે ચૂંટણીમાં તેઓ પણ મતદાન કરી શકે છે. તેથી, એનઆરઆઇ મિત્રોને ચૂંટણી પંચની વેબસાઇટ પર ચકાસણી કરવા અને મતદાર તરીકે નોંધણી કરાવવા અંગે મારી નમ્ર અરજ છે.
લોકશાહી આપણા સર્વે દ્વારા જ વધુ સશક્ત બની શકે છે! સુપ્રિમ કોર્ટનો આ નિર્દેશ એક અદભૂત પગલું છે, પણ હવે આપણે સુસંગઠિત થવાની જરૂરિયાત છે, તેને પ્રસ્થાપિત કરો અને આપણી લોકશાહીને મજબૂત બનાવો. જથી કરીને આવનારા વર્ષોમાં આપણો દેશ ઝળકી શકે!
નરેન્દ્ર મોદી