ઉજ્જવળ આવતીકાલ તરફ પ્રયાણ!
પ્રિય મિત્રો,સ્વાતંત્ર્ય દિવસના આ વિશેષ પર્વ પર આપ સર્વેને મારા હૃદયપૂર્વકના અભિનંદન અને સલામ. આ ઐતિહાસિક દિવસે સમગ્ર વિદેશમાં વસવાટ કરનારા ભારતીયોને પણ હું હાર્દિક અભિનંદન પાઠવીશ.
આજે એવા અનેક લોકો હશે જેમનો જ્ન્મ 1947 બાદ થયો હોવાને કારણે કે પછી તે સમયે તેઓ ખૂબ જ નાનાં હોઇ તેમણે સ્વાતંત્ર્યની લડતને નિકટથી નિહાળી નહીં હોય. હું તેમનામાંથી એક છું.પરંતુ, જ્યારે મેં સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા દાખવેલી હિંમત અંગે સાંભળ્યું, ત્યારે હું ગર્વની ભાવના અને કર્તવ્યપરાયણતાના વિચારોમાં ગરકાવ થયો. આજે, આપણા રાષ્ટ્રની સ્વતંત્રતા પાછળ શહીદી વહોરવા પ્રત્યે આપણે આદરનો અનુભવ કરીએ છીએ, પરંતુ આપણી પાસે રાષ્ટ્ર માટે જીવવાની તેમજ આપણા પૂર્વજોના સ્વપ્નોને રૂપાંતરિત કરવાની એક સોનેરી તક છે. આજે તે તમામ પરાક્રમી લોકો કે જેમણે રાષ્ટ્રના સ્વાતંત્ર્ય માટે જન્મભૂમિ ખાતર તેમની શહીદી વહોરવાના સંકલ્પ સહિત તેમના બહુમૂલ્ય જીવન સમર્પિત કરી દીધાં તેમના પ્રત્યે આપણે સર્વે આદરનો અનુભવ કરીએ છીએ.
જ્યારે હું તાજેતરની ઘટનાઓ તરફ દ્રષ્ટિપાત કરૂં છું, ત્યારે મારા માનસમાં ઉંડા દુ:ખની લાગણીનો અનુભવ કરૂં છું. આપણા બહાદુર સૈનિકો વારંવાર માર્યા જતાં હોય છે, છતાં છેલ્લા 9 વર્ષોથી ગહન નિંદ્રામાં પોઢેલી આપણી સરકાર સફાળી જાગતી નથી. આપણા સશસ્ત્ર દળો આપણું ગર્વ છે અને આ દેશનો એકપણ નાગરિક એવો નહીં હોય કે છેલ્લા થોડા મહિનાઓથી બની રહેલી આ ઘટનાઓનો સ્વીકાર કરી શકે. તેમ છતાં તે ખૂબ જ પીડાદાયક છે. સતતપણે વધી રહેલી મોંઘવારીને કારણે રાજ્યના અર્થતંત્રને આરામનો અનુભવ થતો નથી.ડૉલર સાપેક્ષ રૂપિયાની કિંમતે તેના જ રેકોર્ડને તોડ્યો છે. શું આ બધું ગરીબ કે નવીન મધ્યમવર્ગ, કે જેમણે ઉજ્જવળ આવતીકાલ માટે ઉંચી આશાઓ સેવી છે, તેમને સહાયક બની શકે છે? શું આપણા યુવાનોને જરૂરિયાત અનુસારની રોજગારી પ્રાપ્ત થઇ છે? આ આપણા રાષ્ટ્રના ઇતિહાસનો એક ખૂબ જ તોફાની તબક્કો છે અને તેને કારણે ઘેરા અવિશ્વાસ, વિષાદ અને નિરાશાવાદનું વાતાવરણ સર્જાયું છે. અને આવા સમયે, જેઓ તેમના વચનમાં ચંદ્ર દેખાડતા હતાં અને કશું જ આપી શક્યાં નહીં, તેમના પ્રત્યે આપણે ખૂબ જ જાગૃતિ કેળવવાની જરૂરિયાત છે. આપણે અનુભવી રહેલી મુશ્કેલીઓ પ્રત્યે માત્ર ઔપચારિક્તા દાખવવી એ જ તેનો ઉકેલ નથી – હવે કામ કરવાનો સમય આવી ગયો છે! છેલ્લા 65 વર્ષોથી એવા અનેક વિભાજનો થયાં કે જેનાથી આપણે આગળ વધવામાં અસમર્થ બન્યાં.
હવે આ પ્રકારના વિભાજનો અને લોકો માટેની, વિશેષ રીતે ગરીબથી પણ ગરીબ લોકો માટેની હાનિકારક પ્રક્રિયાઓ વિરૂદ્ધ ઉભા થવાનો સમય આવી ગયો છે. તાજેતરમાં હૈદરાબાદ ખાતે યોજાયેલી સાર્વજનિક સભામાં મેં જણાવ્યું હતું કે, સરકારનો એક જ ધર્મ હોય છે અને તે છે ઇન્ડિયા ફર્સ્ટ અને તેનો માત્ર એક જ ધર્મગ્રંથ હોય છે અને તે છે ભારતનું બંધારણ! માત્ર એક જ ભક્તિ છે- તેને ભારત ભક્તિ સાથે સાંકળી શકાય અને જનશક્તિ એકમાત્ર એવી શક્તિ છે જેને વળગીને રહેવું જોઇએ. સરકારનો પવિત્ર ધર્મ 125 કરોડ ભારતીયોનું કલ્યાણ જ હોવો જોઇએ અને ‘સબકા સાથ સબકા વિકાસ’ની તેની એક જ કાર્યપદ્ધતિ હોવી જોઇએ. જ્યારે આપણે મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ અને સરદાર પટેલ જેના મહાપુરૂષોના સ્વપ્નોને સાકાર કરીશું ત્યારે જ શક્ય બનશે.
15મી ઑગષ્ટ 1947ના રોજ પ્રાપ્ત કરેલા સ્વરાજ્યથી જ આપણું કામ અટકી જતું નથી, તે યાત્રાનો વધુ મુશ્કેલીસભર ભાગ હજુ બાકી છે અને તે સુરાજ્યને હાંસલ કરવા અંગેનો છે.
ચાલો આપણે સર્વે સુરાજ્ય પ્રાપ્તિની વિરાટ ચળવળની મશાલ ઝડપી લઇએ. અને વાઇબ્રન્ટ તેમજ ઉદારમતયુક્ત લોકશાહીના નાગરિક તરીકે, સુરાજ્ય પ્રાપ્તિની આ ચળવળ પ્રત્યેના સશક્ત માર્ગની નાગરિક્તા શક્તિ બનીએ. આ જવાબદારીની શરૂઆત મતદાર તરીકેની નોંધણી સાથે થાય છે. હું મારા યુવાન મિત્રોને મતદાર તરીકે નોંધણી કરાવવા તેમજ તેમની આસપાસના અન્ય 10 લોકોને પણ તેમના પરિવારો, મિત્રો તેમજ પડોશીઓ સહિત તમામ લોકોને મતદાર તરીકે નોંધણી કરાવવાની અરજ કરૂં છું, ચાલો, કોઇપણ યુનિવર્સિટીનો એકપણ વિદ્યાર્થી મતદાર તરીકેની નોંધણી કરાવ્યા વિનાનો ન હોય, તેની ખાતરી કરીએ! હકીકતમાં, આ મહાન રાષ્ટ્રના નાગરિક હોવાને નાતે નોંધણી પામેલા મતદાર તરીકે આપણને ગર્વનો અનુભવ થવો જોઇએ.
હું આઇએનએસ સિંધુરક્ષક મંડળના બહાદુર નેવી કર્મચારીઓના દુ:ખદ મૃત્યુ બદલ હું હૃદયપૂર્વક પ્રાર્થના કરૂં છું. તેમના પરિવારોને મારી ઉંડી સહાનુભૂતિ દર્શાવું છું. તેમના આત્માને શાંતિ મળે તેવી અભ્યર્થના.
સ્વાતંત્ર્ય દિવસના આ પ્રસંગે હું ફરી એક વખત હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આવનારા વર્ષોમાં આપણો દેશ નવી ઉંચાઇઓ આંબે એવી અભ્યર્થના. હું મારા સ્વાતંત્ર્ય દિવસના સંદેશ સાથે એક વિડીયો પણ શેર કરૂં છું તેની સાથે મતદાર નોંધણી અંગેની જરૂરિયાત અંગેનો એક વિડીયો પણ ઉપલબ્ધ છે.
વંદે માતરમ! જય હિંદ
નરેન્દ્ર મોદી