આજે ઓપિનિયન પોલ, અને કાલે?
પ્રિય મિત્રો,
આશા છે કે તમારા પરિવાર અને સ્વજનો સાથે દિવાળી ઘણી સરસ પસાર થઈ હશે.
કોંગ્રેસના મિત્રો ઓપિનિયન પોલ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી રહ્યા છે. આ અંગેના લેખ હું છેલ્લા થોડા દિવસોથી અખબારોમાં, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર વાંચી રહ્યો છું. આ અંગેની બે ટ્વીટ્સે મારુ ધ્યાન ખેંચ્યુ. બીજેડીના જય પંડ્યાએ આ અંગે પ્રતિભાવ આપતા લખ્યુ, “હવે પછીનુ પગલું – ઓપિનિયન(અભિપ્રાય) ઉપર પ્રતિબંધ”. ચેતન ભગતે ટ્વીટ કર્યું, “ઓપિનિયન પોલ ઉપર પ્રતિબંધથી વધુ સારુ છે ઓપિનિયન ઉપર જ પ્રતિબંધ મૂકી દો અને એથીય વધુ સારુ તો એ રહેશે કે પોલ (ચૂંટણી) ઉપર જ પ્રતિબંધ મૂકી દો.”
Next step: curb opinions ;-) ? "@the_hindu: Yes, curb opinion polls: Congress https://t.co/VW32KuENyS" — Baijayant Jay Panda (@Panda_Jay) November 2, 2013
Ban opinion polls. Better ban opinions. Or best, ban polls. — Chetan Bhagat (@chetan_bhagat) November 4, 2013
મિત્રો, આ કટાક્ષમાં ગહેરો અર્થ રહેલો છે.
જે લોકોએ આઝાદી બાદ ભારતીય રાજકારણ અને કોંગ્રેસની રીતરસમોનો થોડો ઘણો અભ્યાસ કર્યો છે તેમને કોંગ્રેસની આવી માંગણીથી આશ્ચર્ય નહિ થાય. બંધારણીય સંસ્થાનોને કચડી નાખવાની કોંગ્રેસની વૃત્તિ અને સત્તાના મદમાં રાચીને નાગરિકોના વાણીસ્વાતંત્ર્ય અને તેમને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા રોકવાની આ મુરાદને અત્યંત કમનસીબ કહી શકાય.
હજી એ વાતને લાંબો સમય નથી થયો જ્યારે યુપીએ સરકારે ટ્વીટર હેન્ડલ સસ્પેન્ડ કરી દીધા હતા. આમ કરીને સરકારે સોશિયલ મીડિયા પર થતી ટીકાઓ પ્રત્યે પોતે કેટલી અસહનશીલ છે તેનો પરિચય આપી દીધો હતો. તે સમયે સોશિયલ મીડિયા ઉપર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની તરફેણ કરતા લોકોની લાગણીમાં મારી સહમતિના પ્રતિકરૂપે મેં મારા ટ્વીટરના ડીસ્પ્લે પિક્ચર ઉપર કાળો પટ્ટો મૂક્યો હતો. ૨૦૧૧ માં બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે ઘણા કેન્દ્રિય મંત્રીઓએ સોશિયલ મીડિયા ઉપર નિયંત્રણ મૂકવાની વાત કરી હતી. વક્રતા પણ તે દિવસે સો વાર લાજી મરી હશે! થોડા મહિના પહેલા મુંબઈની એક રેસ્ટોરાંએ સર્જનાત્મક રીતે પોતાની રીસિપ્ટમાં યુપીએની નીતિઓની વિરુધ્ધમાં અભિપ્રાય વ્યક્ત કર્યો તો તેને ધાકધમકીઓ આપવામાં આવી.
વડાપ્રધાનના ૧૫ ઓગષ્ટના સ્વાતંત્ર્ય દિવસના ભાષણના ટેલિવિઝન કવરેજ અંગે એક કેન્દ્રિય મંત્રાલય દ્વારા મીડિયાકર્મીઓને લખવામાં આવ્યું, અને તે પણ બે મહિના બાદ. આજે જ્યારે દેશ મોંઘવારીથી ત્રસ્ત છે અને બેરોજગારી વધી રહી છે ત્યારે પણ આવો બેશરમ નજારો જોવો પડી રહ્યો છે. યુપીએ સ્પષ્ટ રીતે સાવ ખોટી બાબતોને પ્રાધાન્ય આપી રહી છે. રાષ્ટ્રિય મહત્વ ધરાવતા તાકીદના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આ સરકાર બિલકુલ ગંભીર ન હોય તેવી બાબતોમાં ઊર્જા વેડફી રહી છે.
હું મીડિયાના મિત્રોને પૂછવા માંગુ છું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર તરાપ મારતા આ પ્રસ્તાવ સામે તેઓ ચૂપ કેમ છે?
ઓપિનિયન પોલ માટે મને કોઈ વિશેષ પ્રેમ છે એવુ નથી. તેની મર્યાદાથી હું સારી રીતે પરિચિત છું. આ જ્ઞાની વિશ્લેષકોએ એવી તો ખાતરીથી કહેલું કે ૨૦૦૨ ની ચૂંટણીઓમાં ગુજરાતની જનતા ભાજપની વિરુધ્ધમાં મતદાન કરશે. ૨૦૦૭ અને ૨૦૧૨ માં પણ તેમણે આવુ જ કહ્યું હતું. પણ જનતાએ તેમને ખોટા પાડ્યા.
પણ એક અગત્યનો સિધ્ધાંત દરેક પક્ષ અને સરકાર માટે સાચો છે. મહાભારતમાં ભિષ્મથી લઈને અર્થશાસ્ત્રના કૌટિલ્ય સુધી આપણને શીખવવામાં આવ્યુ છે કે પ્રજાના મત સાથે સૂમેળ સાધવો કેટલો જરૂરી છે. જે સરકાર પ્રજાના અભિપ્રાયની અવગણના કરે છે તે ચોક્કસ સત્તાથી ફેંકાઈ જાય છે.
ભારતમાં ઓપિનિયન પોલનુ પ્રદર્શન મિશ્ર પ્રકારનુ રહ્યુ છે. ક્યારેક તેમની આગાહી સાચી પડે છે, તો ક્યારેક ખોટી. ઓપિનિયન પોલના તારણોનુ શું કરવું તે અમારા રાજકીય પક્ષોએ નક્કી કરવાનુ હોય છે.
જો તારણ અમારા પક્ષે હોય તો આત્મસંતુષ્ટ થઈને બેસી રહેવામાં અમને કોઈ રોકવાનુ નથી, કે પછી અતિવિશ્વાસમાં રાચ્યા વિના પ્રયાસો ચાલુ રાખવા માટે પણ અમે સ્વતંત્ર છીએ.
તે જ રીતે જો તે અમારી તરફેણમા ન હોય તો આંકડાઓને નકારી કાઢતા પણ અમને કોઈ રોકશે નહિ, કે પછી અમારી ભૂલો સુધારીને જરૂરી પ્રયત્નો કરવા પણ અમે સ્વતંત્ર છીએ.
ઓપિનિયન પોલના તારણમા આપણને જે સાંભળવુ હોય એ સાંભળવા ન મળે એટલે સાવ અંતિમવાદી પગલાઓ ભરવા તે સાવ બાલિશ હરકત છે.
મારી ચિંતા ઓપિનિયન પોલ ઉપર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પૂરતી સિમિત નથી. કાલે ઉઠીને આ જ તર્કને આધારે કોંગ્રેસ ચૂંટણી સમયે કટારલેખ, તંત્રીલેખ અને બ્લોગ ઉપર પણ પ્રતિબંધ લગાવી શકે. જો તેઓ ચૂંટણી હારી જાય તો ચૂંટણીપંચ ઉપર પ્રતિબંધ મૂકવા માંગશે અને જો કોર્ટ તેમને સહકાર ન આપે તો કહેશે કે કોર્ટ ઉપર પણ પ્રતિબંધ મૂકી દો! આખરે તો આ એ જ પાર્ટી છે જેણે કોર્ટના એક કડવા ચૂકાદાને કારણે દેશ ઉપર કટોકટી લાદી દીધી હતી.
મને ખુશી છે કે મારા સાથી અરુણ જેટલીએ પોતાના એક લેખમા પણ આ જ મુદ્દા ઉઠાવ્યા છે.મને પૂછો તો આનો ઉકેલ ઘણો સરળ છે. કોંગ્રેસની આવી આપખુદી અને વિધ્વંસકારી ચાલાકીઓનો સામનો કરવાને બદલે સારુ તો એ છે કે આ લોકશાહી-વિરોધી કોંગ્રેસ પક્ષને ઓપિનિયન પોલમાં તો જાકારો આપીએ જ, પણ જેનું ખરુ મૂલ્ય છે તેવા પોલિંગ બૂથમાં પણ તેને જાકારો આપી દઈએ.
લોકો જ શ્રેષ્ઠ ન્યાયકર્તા છે!
નરેન્દ્ર મોદી