પ્રિય મિત્રો,
સિવિલ સર્વિસ ડેનાં અવસરે તમામ સિવિલ સર્વન્ટ્સને શુભેચ્છાઓ પાઠવું છું. આઝાદ ભારતમાં ફેડરલ સિવિલ સર્વિસીઝ સ્થાપવાનું શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને ફાળે જાય છે. તેમણે દેશની એકતા અને અખંડિતતાને જાળવવા માટે ફેડરલ સિવિલ સર્વિસીઝની રચના કરવાની હિમાયત કરી હતી. તેમના સમયમાં રાષ્ટ્રની વહીવટી વ્યવસ્થામાં એકસૂત્રતા લાવવાની મુખ્ય જરૂરિયાત હતી. જોકે, ‘સિવિલ સર્વન્ટ’ શબ્દની વ્યાખ્યા અનુસાર જાહેર સેવકોએ સમાજની સેવાની ભુમિકા પણ ભજવવાની હોય છે. દેશને અખંડ બનાવવાનું કામ તો સરદાર પટેલે એક ઝાટકે જ કરી દીધુ. સિવિલ સર્વિસીઝ દ્વારા આ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવવામાં આવી. ઓલ ઈન્ડિયા સર્વિસીઝનાં માધ્યમથી સમગ્ર દેશમાં રાષ્ટ્રિય વહીવટી વ્યસ્થાનું એકસૂત્રીય માળખુ અસ્તિત્વમાં આવ્યુ.
જોકે, સરદાર પટેલનું સ્વપ્ન આ સેવાઓને ફેડરલ સ્વરૂપ આપવાનું હતું જે સિધ્ધ ન થઈ શક્યું. તેનું કારણ એ હતુ કે પછીથી દેશનાં શાસકો આ સેવાઓ પર પોતાનું નિયંત્રણ રાખવા માંગતા હતા અને આ રાષ્ટ્રીય વહીવટી વ્યવસ્થાને પોતાની મનમરજી મુજબ ચલાવવા માંગતા હતા. આ સમસ્યા અત્યારે યુપીએ સરકારનાં શાસનમાં તો હદ પાર કરી ગઈ છે. આપણે યાદ રાખવું જોઈએ કે બ્રિટિશ સમયની સિવિલ સર્વિસીઝ અને પ્રજાસત્તાક ભારતની સિવિલ સર્વિસીઝ વચ્ચે તફાવત છે.
બ્રિટિશરોએ ભારતમાં પોતાની સત્તા જાળવવા અને મજબુત બનાવવા માટે ઈન્ડિયન સિવિલ સર્વિસીઝની સ્થાપના કરી હતી, જ્યારે આઝાદ ભારતમાં જે સિવિલ સર્વિસીઝની સ્થાપના કરવામાં આવી છે તેનો હેતુ વહીવટનાં લોકશાહી માળખામાં રહીને લોકોની સેવા કરવાનો છે. આથી જરૂરી છે કે આપણી સિવિલ સર્વિસ દેશનાં બંધારણને વફાદાર રહીને કામ કરે, નહિ કે વર્તમાન સરકારને. આનો એક અર્થ એમ પણ થાય કે આપણી સિવિલ સર્વિસે તેના દ્વારા થતા જાહેર કાર્યોની જવાબદારી લેવી જોઈએ. કમનસીબે, રાષ્ટ્રનાં સામાજિક-આર્થિક એકીકરણ માટે સિવિલ સર્વિસિઝને નવુ સ્વરૂપ આપવાનો સમય સરદાર પટેલને મળ્યો નહિ. સિવિલ સર્વિસે જોકે તેને સોંપવામાં આવેલ ભુમિકા મહદ અંશે ભજવી બતાવી છે, પણ આ કામ હજીય બાકી રહી ગયુ છે. દેશની સુરક્ષા અને અખંડિતતાનો મુદ્દો પણ એટલો જ મહત્વનો છે, પણ કાર્યદક્ષ રીતે વિકાસલક્ષી વહીવટ થાય એ આજના સમયની મુખ્ય માંગ છે.
સિવિલ સર્વન્ટ્સે યાદ રાખવું જોઈએ કે તેઓ માત્ર તેમની નોકરી રહ્યા છે એવું નથી. આ એક સેવા છે, સામાન્ય માણસની સેવા. લોકો પોતાના પ્રશ્નોનાં નિરાકરણ માટે સિવિલ સર્વન્ટ્સ પાસે આશા રાખતા હોય છે. ઘણા કાર્યો એવા હોય છે, જેના પરિણામોને આપણે માપી શકીએ. એજ રીતે સિવિલ સર્વન્ટ્સ પણ તેમના કાર્યોના ‘આઉટપુટ’ અને ‘આઉટકમ’ માટે જવાબદાર હોવા જોઈએ. ગુજરાતમાં મારા અનુભવનાં આધારે હું કહી શકુ કે જો સાચી રાજકિય ઈચ્છાશક્તિ, દિશા અને દરમ્યાનગીરીનું વાતાવરણ હોય તો આ જ સિવિલ સર્વિસ જાહેર સેવાનાં મામલે શ્રેષ્ઠ પ્રદર્શન કરી બતાવે.
સિવિલ સર્વન્ટ્સને મારી શુભેચ્છાઓ છે કે તેઓ રાષ્ટ્રનાં વિકાસમાં સ્થાનિક લોકોની ભાગીદારી અને વૈશ્વિક નવીન અભિગમોનો વિનિયોગ કરી શકે કારણકે દેશની અખંડિતતા માટે આજે આ બાબતો અત્યંત જરૂરી બની ગઈ છે.
હું આપણા સિવિલ સર્વન્ટ્સને દેશ અને દેશવાસીઓની ઉત્તમ સેવા કરી શકે એવી શુભેચ્છાઓ પાઠવુ છું.
આપનો,
નરેન્દ્ર મોદી