મૌલાના અબુલ કલામ આઝાદ અને આચાર્ય કૃપલાણીને તેમની જન્મજ્યંતિએ સ્મરણાંજલિ
પ્રિય મિત્રો,
આજના દિવસે આપણે આઝાદી પહેલા અને બાદ ભારતના ઈતિહાસમાં અત્યંત અગત્યનું યોગદાન આપનાર બે પ્રેરણાદાયી સપૂતોને યાદ કરીએ. મૌલાના અબુલ કલામ આઝાદ અને આચાર્ય જે.બી.કૃપલાણીને તેમની ૧૨૫મી જન્મજ્યંતિ પર શ્રધ્ધાંજલિ પાઠવીએ. એક જ વર્ષે જન્મેલા આ બંને મહાપુરુષોએ તેમનું સમગ્ર જીવન દેશની સેવા કાજે ખર્ચી કાઢ્યુ.
મૌલાના અબુલ કલામ આઝાદને પરિચયની જરૂર નથી. નિયતીએ કદાચ જીવનના શરૂઆતના વર્ષોથી જ તેઓ ક્રાંતિકારી કાર્યોને અંજામ આપે એમ નિર્ધારિત કર્યું હતુ. ૧૯૧૨ માં તેમણે અલ-હિલાલ અખબાર શરૂ કર્યું, જેમાં કોઈ ખચકાટ રાખ્યા વિના સામ્રાજ્યવાદી શાસકોનો વિરોધ કરવામાં આવ્યો. મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ તેમણે કોંગ્રેસમાં મહત્વના પદ સંભાળ્યા. ૧૯૪૦ ના દાયકાની મધ્યના નિર્ણાયક વર્ષો દરમ્યાન તેમણે પક્ષ પ્રમુખનો હોદ્દો સંભાળ્યો. તેમણે ભારતના સૌપ્રથમ શિક્ષણમંત્રી તરીકે સેવાઓ આપી અને તેમના કાર્યકાળ દરમ્યાન જ ખડગપુરમાં પહેલી આઈઆઈટીનું ઉદઘાટન કરવામાં આવ્યું. ભારતના ભાગલાના તેમના અડગ વિરોધને કારણે પણ તેમને યાદ કરવામાં આવે છે.
ગરીબમાં ગરીબ લોકોની સેવા માટે કાયમ કટિબધ્ધ અને કડક સિધ્ધાંતોના માણસ એવા આચાર્ય કૃપલાણીએ મહાત્મા ગાંધીની આગેવાનીમાં ચંપારણ સત્યાગ્રહમાં ઝંપલાવ્યુ, અને ત્યારબાદ તેમણે પણ કોંગ્રેસમાં મહત્વની ભુમિકા ભજવી. આઝાદી બાદ તેમણે કોંગ્રેસ છોડીને કિસાન મજદૂર પ્રજા પાર્ટીની સ્થાપના કરી, જે આગળ જતા સોશિઅલિસ્ટ પાર્ટી સાથે ભળી ગઈ અને પ્રજા સોશિઅલિસ્ટ પાર્ટીનું નિર્માણ થયું.
૧૯૬૩ માં પંડિત જવાહરલાલ નહેરુની સરકાર સામે સૌપ્રથમ અવિશ્વાસની દરખાસ્ત મૂકીને આચાર્ય કૃપલાણીએ ઈતિહાસ સર્જી દીધો. ચીન સામે ભારતની અપમાનજનક હાર થઈ હતી, જે માટે દેશના પ્રથમ વડાપ્રધાન ઉપરાંત તત્કાલિન સંરક્ષણમંત્રી શ્રી વી.કે.મેનનના ખોટા આદર્શવાદ અને તૈયારીનો અભાવ જેવા કારણો ગણાવાયા હતા. આ કારણસર તેમણે અવિશ્વાસની દરખાસ્ત મૂકી. આચાર્ય કૃપલાણી લોકસભામાં પણ ઘણા પ્રસંગોએ કૃષ્ણ મેનન સામે ટીકાત્મક રહ્યા હતા. ૧૯૬૨ માં તેમણે સામ્યવાદીઓને બાદ કરતા અન્ય તમામ વિરોધ પક્ષોના સંયુક્ત ઉમેદવાર તરીકે ઉત્તર બોમ્બેથી કૃષ્ણ મેનનને લડત આપી. તેઓ કટોકટીના પણ કટ્ટર વિરોધી રહ્યા. ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ સાથે પણ આચાર્ય કૃપલાણી નજદીકથી જોડાયેલા રહ્યા.
આવા ઐતિહાસિક વ્યક્તિત્વોને ક્યાં તો સદંતર અવગણી દેવામાં આવ્યા છે, કે પછી ઈતિહાસના પુસ્તકોમાં તેમને પૂરતુ મહત્વ આપવામાં આવ્યુ નથી. આવા મહાન વ્યક્તિત્વોને યાદ કરવાના અમારા પ્રયાસોથી અન્ય લોકો પણ ચર્ચામાં શામેલ થઈ જશે. આ બ્લોગ વાંચ્યા પછી તમને કદાચ ટેલીવિઝન ઉપર કે સોશિયલ મીડિયા ઉપર એવી ટિપ્પણીઓ પણ થતી જોવા મળે કે ‘મોદી અને આ લોકો વચ્ચે શું સામ્યતા છે’ કે પછી ‘પણ આ લોકો મોદીની પાર્ટીના તો નહોતા’, વગેરે.
મિત્રો, આપણે આ જ માનસિકતાને બદલવાની જરૂર છે.
આપણા કેટલાક મિત્રોએ આઝાદીની લડતના આવા દિગ્ગજોને માત્ર અમુક-તમુક વિચારધારા સાથે સાંકળીને તેમને સિમિત બનાવી રાખ્યા છે તે જોઈને મને ભારે દુ:ખ થાય છે. આવા દિગ્ગજોને રાજકીય પક્ષાપક્ષીની સંકુચિત દ્રષ્ટિથી જોવા એથી વધુ આપણા ઈતિહાસની કુસેવા બીજી કોઈ નથી.
નાત, જાત કે પક્ષના સીમાડાઓમાં સિમિત ન રહેલા આવા આગેવાનોના યોગદાનને આપણે સમજએ તેનો સમય આવી ગયો છે. તેમના આદર્શો અને વારસો માત્ર કોઈ એક પાર્ટી પૂરતા મર્યાદિત નથી, પણ સમગ્ર દેશ તેમાંથી પ્રેરણા લઈ શકે તે માટે છે.
મહાન વ્યક્તિઓએ શું કહ્યું હતુ અને શું કર્યુ હતુ તે નક્કી કરવાની સત્તા કેટલાક જાણિતા ઈતિહાસકારો પોતાના હાથમાં લઈને અનુમાનો લગાવ્યા કરે એવું અડસટ્ટે ઈતિહાસ લખવાનું વલણ પણ એટલું જ ચિંતાજનક છે.
સરદાર વલ્લભભાઇ પટેલ અને મૌલાના અબુલ કલામ આઝાદના સંબંધોની જ વાત કરીએ તો બંને વચ્ચે કેટલાક મુદ્દાને લઇને મતમતાંતર હતા તે સત્ય હકીકત છે. પરંતુ તેની સાથે સાથે એ પણ સત્ય છે કે બંને રાષ્ટ્ર પરત્વે પ્રતિબદ્ધ હતા અને કેટલાક પ્રસંગોમાં મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ બંનેએ એકસાથે કામ કર્યું હતું. આખરે ચર્ચા-વિચારણા અને મતમતાંતર એ લોકશાહીનો જ એક ભાગ છે. પૌરાણિક ગ્રંથો કહે છે કે શિખવું તે નિરંતર ચાલતી પ્રક્રિયા છે. જ્ઞાન અને સમજશક્તિ સમય સાથે વિકસવી જ જોઇએ અને તે કાળની કોટડીઓમાં પૂરાઇને ન રહેવા જોઇએ.
મૌલાના આઝાદે પોતાના પુસ્તક ‘ઇન્ડિયા વીન્સ ફ્રિડમ’માં સરદાર વલ્લભભાઇ પટેલ વિશે કહ્યું છે તે અહીં ફરી કહેવા માંગુ છું. પોતે કોંગ્રેસ અધ્યક્ષપદ માટે સ્પર્ધામાં ન ઉતર્યા તે તેમની પ્રથમ ભૂલ હોવાનું મૌલાના આઝાદે આ પુસ્તકમાં જણાવ્યું છે. જ્યારે બીજી ભૂલ વિશે તમણે લખ્યું છે કેઃ “મારી બીજી ભૂલ એ હતી કે મેં સરદાર પટેલને ટેકો ન આપ્યો. અમારી વચ્ચે કેટલાય મુદ્દે મતમતાંતર હતા પરંતુ મને વિશ્વાસ હતો કે તેઓ કેબિનેટ મિશન પ્લાનના સફળતાપૂર્વકના અમલીકરણની નોંધ જરૂર લેશે. જવાહરલાલ નહેરૂએ મી.જીન્નાહને આખી યોજનાને ઉંધી વાળવાને જે તક આપી તે સરદાર વલ્લભભાઇ પટેલે આપી જ ન હોત. હું મારી જાતને ક્યારેય માફ કરી શકીશ નહીં. જો આ ભૂલો મેં કરી જ ન હોત તો છેલ્લા દસકાનો ઈતિહાસ કઇક અલગ જ હોત.”
સાથે સાથે એ પણ સત્ય છે કે તેઓ એક ખાસ પરિવારના સદસ્ય ન હોવાના કારણે એક ઐતિહાસીક હસ્તીનું નામ જનમાનસના મગજમાંથી ભૂંસી નંખાયું છે. અસંખ્ય પુરૂષો અને મહિલાઓની રાષ્ટ્રની સ્વતંત્ર્યતા માટેની જીવનભરની લડત એટલે ભારતનો ઈતિહાસ.
શું આ મહાનુભાવો કોઈ ખાસ પરિવારમાંથી આવતા નહોતા માત્ર એ જ કારણસર તેમનું અસ્તિત્વ જનમાનસમાંથી ભૂંસી કાઢવું જોઈએ અને તેમને ઓછા યાદ કરાવા જોઈએ?
મૌલાના આઝાદના જીવનની ઝાંખી કરાવતા ઓનલાઇન પોર્ટલને કેન્દ્ર દ્વારા આજે લોંચ કરાયું છે. આ એક આવકારદાયક પગલું છે, પરંતુ આટલા દાયકા સુધી તેમના પ્રદાનને માત્ર શાબ્દિક અંજલિ જ કેમ આપવામાં આવતી હતી તેવો પ્રશ્ન કોઇને પણ થઇ શકે છે ? શું ઓનલાઇન પોર્ટલ જેવું પગલું વહેલું લેવાની જરૂર ન હતી?
ભારતના સાર્વભોમત્વ માટે તેઓ અને તેમના જેવા કેટલાય સ્વાતંત્ર્યવીરોના સ્વપ્ન સમાન ભારતના નિર્માણ માટે પ્રાર્થનાની સાથે-સાથે મૌલાના આઝાદ અને આચાર્ય કૃપલાણીને સર્વશ્રેષ્ઠ અંજલિ આપીને હું અહીં જ વિરામ લઉં છું.
નરેન્દ્ર મોદી