વ્હાલા મિત્રો,
આજે આપણે ૬૫માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યાં છીએ. ૬૪ વર્ષ પહેલાં આજ દિવસે આપણે વિધિવત રીતે પ્રજાસત્તાક બન્યા હતાં અને આપણે આપણા બંધારણને સ્વિકાર્યું હતું. આજે રાષ્ટ્રની મજબૂતાઇ અને આત્મ વિશ્વાસનો દિવસ છે.
પ્રજાસત્તાક દિવસ અંગે દરેક લોકોના મનમાં મજબૂત ભાવનાઓ રહેલી છે. તે ભારતની મજબૂત સૈન્યની શક્તિ અને ભવ્યતા દર્શાવતી પરેડનું ચિત્ર મનમાં તાજું કરે છે. યુનિફોર્મમાં સજ્જ પુરુષો અને મહિલાઓના સમર્પણ અને દેશભક્તિને આજે આપણે સલામ કરીએ છીએ. બહાદુરી અને વીરતા પુરસ્કારથી સન્માનિત સૈનિકોથી આપણને પ્રેરણા મળે છે.
આજે આપણા ભવ્ય ભુતકાળના દિવસો તરફ વધુ એક વખત જોવાનો દિવસ છે. સ્વાતંત્ર્યની ચળવળમાં ભાગ લેનાર તમામ મહિલાઓ અને પુરુષો તેમજ કાયદા ઘડનારાઓને યાદ કરીએ છીએ. આજે આપણે બંધારણના ઘડવૈયાઓને યાદ કરીએ છીએ, જેમણે આપણને બંધારણ આપ્યું, અને તેના પર આપણને ખુબજ ગર્વ છે. આ એ જ દિવસ છે કે જ્યારે આપણે અત્યંત પવિત્ર દસ્તાવેજ બંધારણમાં આપણા વિશ્વાસ અને પ્રતિબદ્ધતાને દોહરાવીએ છીએ, જેના પગલે આજના ભારતનું નિર્માણ થયું છે. આપણે આદરણીય ડો. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલી પાઠવીએ છીએ, જેમની મહત્વપૂર્ણ ભુમિકાને ભુલી શકાય તેમ નથી.
સૌથી મહત્વપૂર્ણ રીતે, પ્રજાસત્તાક દિવસ આત્મિરિક્ષણ કરવાનો પણ દિવસ છે. આપણે આપણી જાતને પ્રશ્ન કરવો જોઇએ કે – પ્રજાસત્તાકનો આપણા માટે શું મતલબ છે? છેલ્લાં સાત દશક દરમિયાન આપણું ગણતંત્ર કઇ દિશામં આગળ વધ્યું છે અને આગામી વર્ષોમાં આપણે શું કરવું જોઇએ?
છેલ્લાં કેટલાંક સમયગાળા દરમિયાન “આઇડિયા ઓફ ઇન્ડિયા” ચર્ચાનો વિષય બન્યું છે. કેટલાંક જૂજ લોકો દ્વારા આ વિષય સંબંધિત મુદ્દાઓ અંગે જાહેર અને શૈક્ષણિક ચર્ચાઓને હાઇજેક કરી લેવામાં આવી છે. ઘણાં લોકો તેમના લાંબા તંત્રીલેખો અને સોશિય મીડિયા પર મને પ્રશ્નો કર્યાં છે કે, “મોદીજી બાકી બધું બરાબર છે, પરંતુ તમારો આઇડિયા ઓફ ઇન્ડિયા શું છે?” ઘણાં જૂજ લોકોને બાદ કરતાં, ઘણાં લોકો “આઇડિયા ઓફ ઇન્ડિયા” સાથે મારા પક્ષની યોગ્યતાના વિષય પર ચર્ચાને દોરી ગયા છે.
જોકે, આપણે સમજવું જોઇએ કે કોઇ એક વ્યક્તિ કે સંસ્થા સુધી “આઇડિયા ઓફ ઇન્ડિયા”નો ખ્યાલ સીમીત રહી શકે નહીં. ગત સપ્તાહે યોજાયેલી ભાજપની નેશનલ કાઉન્સિલની બેઠકમાં મને “આઇડિયા ઓફ ઇન્ડિયા”નો ખ્યાલ શું છે તે અંગે મારા વિચારો કરવાની તક મળી હતી.
“આઇડિયા ઓફ ઇન્ડિયા” અંગેની મારી પ્રાથમિક અને સૌથી મહત્વપૂર્ણ સમજ એ છે કે તે વર્ચસ્વના ખ્યાલને નકારી દે છે. રુગવેદ આપણને શીખવે છેઃ
‘आनोभद्राःक्रतवोयन्तुविश्वतः’. રૂગવેદમાં કહ્યાં મૂજબ “દરેક દિશામાંથી ઉમદા વિચારો આવવા દો.” આ આપણા માટે માત્ર એક મંત્ર નહીં, પરંતુ આપણા બંધારણનો કેન્દ્રિય સિદ્ધાંત પણ છે. આપણો માર્ગ સહિષ્ણુતા છે. વૈવિધ્યતા એક ઉત્સવ છે, જ્યાં દરેક ભારતીય માત્ર કલ્પના જ નથી કરવામાં આવી, પરંતુ તેના સપનાના ભારતના નિર્માણ માટે કામ કરવાની પણ કલ્પના કરવામાં આવી છે. “આઇડિયા ઓફ ઇન્ડિયા” અંગેનો મારો ખ્યાલ માત્ર સહિષ્ણુતા જ નહીં, પરંતુ તમામ સ્તરેથી ઉત્સવનો છે. જ્યાં દરેક ભારતીયની લાગણીઓનો આદર કરવામાં આવે.
સત્ય, શાંતિ અને અહિંસા એ “આઇડિયા ઓફ ઇન્ડિયા”નો મુખ્ય સિદ્ધાંત છે. આપણા શાસ્ત્રો શીખવે છે ‘सत्यमेवजयते’, એટલે કે સત્યનો આખરે વિજય થાય છે. હું એક એવા ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ છું કે જ્યાં ન્યાયિક પ્રક્રિયા ઝડપી હોય અને ન્યાય કોઇ ચોક્કસ વર્ગ, જાતિ અથવા સંપ્રદાય માટે નહીં, પરંતુ તમામ નાગરિક માટે સમાન હોય. એક એવું ભારત કે જ્યાં અન્યાયની કોઇ કાનૂની કે નૈતિક સ્વિકૃતિ ન હોય.
અહિંસા એક એવું ધન છે જે આપણા દેશ પાસે જૂના સમયથી સચવાયેલું છે. આપણો દેશ ગૌતમ બુદ્ધ, મહાવીર, ગુરુ નાનક અને મહાત્મા ગાંધીની ભુમિ છે. ‘अहिंसापरमोधर्मः’આપણા શાસ્ત્રો શીખવે છે કે અહિંસ સૌથી મોટો ધર્મ છે. કોઇપણ પ્રકારની હિંસાને “આઇડિયા ઓફ ઇન્ડિયા”ના ખ્યાલમાં સ્થાન નથી.
“આઇડિયા ઓફ ઇન્ડિયા”ના ખ્યાલ મૂજબ ‘वसुधैवकुटुम्बकम्’ના સિદ્ધાંત મૂજબ ભાઇચારા અને મૈત્રિભાવનો સિદ્ધાંત ભારતની સરહદો સુધી સીમીત ન રહેતાં સમગ્ર વિશ્વ એક પરિવાર બને તેમ છે. 21મી સદીમાં ભારત વિશ્વની આગેવાની લઇને માર્ગદર્શકની ભુમિકા ભજવે તે જરૂરી છે. “આઇડિયા ઓફ ઇન્ડિયા”થી સ્વામી વિવેકાનંદના ‘जगदगुरुभारत’ ના સપનાને સાકાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આત્મવિશ્વાસથી ભરપૂર ભારત કે જે પોતાની શરતો અને સિદ્ધાંતો સાથે વૈશ્વિક સમુદાય સાથે જોડાય.
“આઇડિયા ઓફ ઇન્ડિયા” ભારત માટે એક તક અને આકાંક્ષા છે. એક એવું ભારત કે જ્યાં ‘सर्वेभवन्तुसुखिनः, सर्वेसन्तुनिरामयाः’ – તમામ લોકો સમૃદ્ધ અને સુખી હોય, તમામ રોગમુક્ત હોય. જોકે, કમનસીબે દશકાઓથી ગરીબી અને ઉદાસીને કાયમી કરવામાં આવી છે, જેથી કેટલાંક થોડાં લોકોને મતદાન બોક્સમાં મત મળી રહે. આપણા લોકોના સપના અને મહાત્વાકાંક્ષાઓને નિરુત્સાહ કરી દેવામાં આવી છે. આ હેતુને સિદ્ધ કરવા માટે ભારત એક ગરીબ રાષ્ટ્ર અંગેનું જુઠ્ઠાનું ફેલાવાઇ રહ્યું છે.
જોકે, આ જુઠ્ઠાણું બંધ થવું જોઇએ. ભારત ગરીબ દેશ નથી, પરંતુ તેને ગરીબ બનાવી દેવામાં આવ્યો છે. ભારત પાસે વિશાળ માત્રામાં કુદરતી સાધન સંપત્તિ છે અને મોટી સંખ્યામાં માનવબળ ઉપલબ્ધ છે. શા માટે સદીઓ પહેલાં દરેક વસાહતોનું ધ્યાન ભારત તરફ આકર્ષિત થયું હતું, કારણકે તે સમયે ભારત ખુબજ સમૃદ્ધ હતું.
આપણે પોતાના સપના સાકાર કરવાની જરૂર છે, નહીં કે અન્ય કોઇપર નિર્ભર રહેવાની. આપણે ભારતીયો પાસે સન્માન અને ગૌરવ અંગે મજબૂત સમજ છે. આપણે પોતાની જાતને ઘડીએ છીએ. આપણે ભારતીય લોકો યોગ્ય અને સમાન તક ઇચ્છીએ છીએ. આથી જ “આઇડિયા ઓફ ઇન્ડિયા”માં દરેક ભારતીયને ગરીબીમાંથી બહાર આવવા તેમજ પોતાની સફળતા અને સમૃદ્ધતાનું સર્જન કરવા માટે યોગ્ય તક મળવી જોઇએ.
હવે આપણા દેશના લોકોને પોતાના સપના સાકાર કરવા માટે યોગ્ય તક પૂરી પાડવાનો સમય આવી ગયો છે. તેમને સપના જોવા અને પોતાના સપનાને સાકાર કરવા માટે સશક્ત બનાવવાની જરૂર છે. આપણા યુવાનો ઉત્સાહથી ભરપૂર છે અને માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં મોટા ફેરફાર લાવવા તૈયાર છે. યુવાનો આગળ વધે તે માટે તેમને કૌશલ્ય અને તક ઉપલબ્ધ કરાવવાની જવાબદારી આપણી છે. આપણે ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉદ્યોગ સાહસિકતા, ઇનોવેશન, સંશોધન અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને યુવાનોની ક્ષમતાને વિસ્તારવી જોઇએ.
જ્ઞાનની બાબતે ભારતે હંમેશા સમગ્ર વિશ્વને માર્ગ ચિંધ્યો છે. 21મી સદી જ્ઞાન અને માહિતીનો યુગ છે અને સમગ્ર વિશ્વ ફરીથી ભારત તરફ નજર ફેરવી રહ્યું છે.
માનવીના મનની હોંશિયારી આવનારી સદીઓને આકાર આપશે. આથી શિક્ષણ “આઇડિયા ઓફ ઇન્ડિયા”ના કેન્દ્રસ્થાને છે, જે અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના અજવાળા તરફ માર્ગ ચીંધશે – ‘तमसोमाज्योतिर्गमय’. એક એવા ભારતની કલ્પના કે જ્યાં દરેક પરિવારમાં જ્ઞાનનો દિવો પ્રગટે. હું એક એવા ભારતની કલ્પના કરું છું કે જ્યાં દરેક બાળક સર્વાંગી શિક્ષણ પ્રાપ્ત કરી શકે કે જેનાથી તેના વ્યક્તિત્વમાં સકારાત્મક બદલાવ આવે.
મહિલાઓના સશક્તિકરણ વિના કોઇપણ સમાજનો વિકાસ અધૂરો છે. જ્યાં સુધી આપણે એક સમાજ તરીકે મહિલાઓને તેમની સુરક્ષા અને ગૌરવની ખાતરી આપવા સક્ષમ નહીં બનીએ ત્યાં સુધી મહિલા સશક્તિકરણનું સપનું પૂર્ણ થશે નહીં. આપણે આપણા દેશને માતાનું સ્વરૂપ - ‘माँभारती’ ગણાવતા હોઇએ, જો આપણા પ્રાચિન ગ્રંથોમાં મહિલાઓને દેવી તરીકે પૂજવામાં આવતી હોય તો આપણે મહિલાઓ સામેના ગુનાઓને કેવી રીતે સહન કરી શકીએ? ચાલો આપણે એક બનીને સમાજના જે તત્વો मातृशक्ति’નો આદર કરતાં નથી તેમની સામે અવાજ ઉઠાવીએ. મહિલાઓના કાર્યક્ષેત્રને ઘરકામ સુધી સીમીત હોવાનું માનવમાં આવતું હતું, પરંતુ હવે આપણે તેમને રાષ્ટ્ર નિર્માણકર્તા તરીકે જોવી જોઇએ, જે આપણા ભાવિનું ઘડતર કરશે.
નબળા સમવાયતંત્ર સાથે ભારતનો વિકાસ શક્ય નથી. આપણા બંધારણના ઘડવૈયાઓએ મજબૂત સમવાયતંત્રની કલ્પના કરી હતી, જ્યાં દરેક રાજ્ય અને કેન્દ્ર વિકાસની યાત્રામાં સમાન ભાગીદાર હોય. કોઇ મોટું અને કોઇ નાનું નથી.
આપણે એ માનસિકતા બદલવી પડશે કે જેમાં રાજ્યોએ દિલ્હીની દયા પર નિર્ભર રહેવું પડે છે. આપણા દેશની તિજોરીના નાણા કોઇ એક વ્યક્તિ કે પરિવારના નથી – આ ભારતના લોકોના નાણા છે.
અમે એક એવા ભારતનું સપનું જોઇ રહ્યાં છીએ કે જ્યાં ભારતનો વિકાસ એ તમામ મુખ્યમંત્રીઓ, પ્રધાનમંત્રી, રાજ્યના મંત્રીઓ, કેન્દ્રિય મંત્રીઓ દ્વારા એક ટીમ સ્વરૂપે કરેલા પ્રયાસોનું ફળ હોય.
મિત્રો, આપણને સાચા અર્થમાં આશિર્વાદ મળેલા છે. આપણી પાસે કુદરતી અને માનવબળ સ્વરૂપે અકલ્પનીય સંપત્તિ છે. આપણા પૂર્વજો દ્લાકા નિર્માણ કરાયેલો સમૃદ્ધ વારસો છે. આપણી જ એકમાત્ર સંસ્કૃતિ છે કે જે કપરા સમયમાં પણ સક્ષમપણે ટકી શકી છે. સંસ્કૃતિ આવે અને જાય, સમાજ સર્જાય અને અદ્રશ્ય થાય, પરંતુ આપણે દરેક પડકારોને પાછળ છોડીને મજબૂત રીતે ઉભરી આવ્યાં છીએ.
હા, આ વર્ષો દરમિયાન કેટલાંક પડકારો પણ આવ્યાં છે. હા, આપણે ઘણા ગંભીર પડકારોનો સામનો કર્યો છે. હા, હજૂ પણ ઘણુંબધું કરવાનું બાકી છે. જોકે, “આઇડિયા ઓફ ઇન્ડિયા”નો ખ્યાલ વ્યવહારું બની રહ્યો છે. મને ભારતની આંતરિક શક્તિ અને ક્ષમતાઓમાં હંમેશાથી વિશ્વાસ રહ્યો છે. હું તમને પણ આમ કરવાની અરજ કરું છું.
ચાલો આપણે આપણા ગણતંત્રમાં વિશ્વાસ કરીએ, ચાલો આપણા રાષ્ટ્રને મજબૂત બનાવવા આપણી જાતને સમર્પિત કરીએ અને ચાલો ઇન્ડિયા ફર્સ્ટના સૂત્ર સાથે આપણા મહાન નેતાઓએ ચિંધેલા માર્ગ પર સાથે આગળ વધીએ. ચાલો સાથે મળીને તેમના સપનાને સાકાર કરીએ અને એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરીએ જે આગામી વર્ષોમાં માનવજીવનને ફરીથી નવો આકાર આપે.
આપનો,
નરેન્દ્ર મોદી