મુખ્ય મંત્રીશ્રી વતન વડનગરમાં
સબલપુરમાં બ્રહ્માણી માતાજી અને રામજી મંદિરના પૂનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી ભાવિકજનો સાથે વૃક્ષપ્રેમ-પ્રકૃતિપ્રેમનો ધર્મ આત્મસાત કરવાનો સંકલ્પ
વડનગર સુપ્રસિદ્ધ ભગવાન હાટકેશ્વર મહાદેવના ભક્તિભાવથી પૂજા-દર્શન કરતા નરેન્દ્રભાઈ મોદી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર ગુજરાતના વડનગર નજીક સબલપુરમાં બ્રહ્માણી માતાજી અને રામજી મંદિરના પૂનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના પૂર્ણાહૂતિ પ્રસંગે નવકુંડાત્મક મહાયજ્ઞ અને શ્રી ગુરૂ મહારાજના મહા વૈષ્ણવયાગ યજ્ઞવેદીના ભક્તિભાવથી દર્શન કરી ભાવિક ભક્તોની સત્સંગ સભામાં જણાવ્યું હતું કે, ધર્મ જ આપણી પ્રાણશક્તિ છે. ધર્મ એટલે સંપ્રદાય નહીં, પણ ધર્મ એટલે જીવનનું આચરણ. આપણી જીવનશૈલી જ પ્રકૃતિપ્રેમની પરંપરાથી હજારો વર્ષથી સ્વભાવમાં વણાઇ ગઇ છે.
વડનગરના પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવજીના દર્શન-પૂજા કરીને શ્રી નરેન્દ્રભાઈ મોદી સબલપુરમાં યજ્ઞ દર્શને આવ્યા હતા.
સબલપુરમાં સાડા ચારસો વર્ષ પૂર્વે ચેહુ મહારાજે સંતવાણીની જયોત પ્રગટાવી હતી અને સમાધિ લીધી હતી તેવા શ્રી ગુરૂ મહારાજના અને ત્યાગ-તપસ્યાના ભારતીય સંસ્કારની પરંપરાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણા પૂર્વજોએ પ્રકૃતિસાથે પ્રેમનો નાતો જીવન વ્યવહારમાં વણી લીધો હતો. વૃક્ષ, નદી, ધરતી સાથે આવનારી પેઢીનો પ્રકૃતિ પ્રેમ જળવાઇ રહે એ માટે આ નવનિર્મિત મંદિર પરિસરમાં એક હજાર વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લેવા તેમણે ભાવિક ભક્તોને આહ્વાન કર્યું હતું. જેનો તત્કાળ પ્રતિભાવ સંકલ્પ રૂપે અભિવ્યકત કર્યો હતો.
મંદિરના ટ્રસ્ટીશ્રીઓ અને શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડનગરના પૂર્વશિક્ષક શ્રી હરગોવનભાઈ પટેલના સુપુત્ર સરપંચશ્રી સૌએ મુખ્ય મંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્યક્ષ શ્રી જયંતિભાઈ બારોટ, ધારાસભ્યશ્રી સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત હતા.