ગુજરાતમાં રેલવે લાઇનોની બંને બાજુની બિનઉપયોગી જમીનો દુષ્કાળના વર્ષમાં ધાસચારાના વાવેતર માટે
લીઝ ઉપર ભારત સરકાર આપે
મુખ્ય મંત્રીશ્રીની પ્રેરક રજૂઆત
અમદાવાદ, શનિવારઃ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રેલવે લાઇનોની બંને બાજુની હજારો એકર જમીનનો સમાંતર પટ્ટો બિનઉપયોગી પડેલો છે તેને દુષ્કાળના આ વર્ષમાં અબોલ પશુજીવો માટે લીલા ધાસચારાના વાવેતર માટે જનભાગીદારીના ધોરણે લીઝ ઉપર ભારત સરકાર આપે એવું પ્રેરક સૂચન કર્યું છે.રાજ્યની રેલવે લાઇનોની આ જમીન ઉપર લીઝન ધોરણે સામાજિક જીવદયાની સંસ્થાઓ, ગૌશાળા, પાંજરાપોળોના સાર્વજનિક ટ્રસ્ટો વગેરેને પ્રેરિત કરીને લીલા ધાસચારાના વાવેતર માટેનું સામાજિક દાયિત્વ ખૂબ મોટાપાયે થઇ શકે એમ છે અને ભારત સરકાર દુષ્કાળગ્રસ્ત પશુધન માટે ધાસચારાની ઉપલબ્ધીનું આખું નેટવર્ક ઉભું કરવા માટે સકારાત્મક અભિગમ દાખવશે જ એવો આશાવાદ વ્યકત કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ ધાસચારાના વાવેતર અને નર્સરી-નિર્માણનું અભિયાન સ્વૈચ્છિક સેવા સંસ્થાઓના સહયોગથી નર્મદા કેનાલની બંને બાજુએ સરકારી સંપાદિત થયેલી જમીનો ઉપર એકસાલી ધાસચારા વાવેતર માટે આપવાની રાજ્ય સરકારની પહેલ આ સંદર્ભમાં તેમણે પ્રસ્તુત કરી હતી.