મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ જિલ્લામાં બગોદરા-ધોળકા માર્ગ પર બેગવા ગામ નજીક ભડિયાદ ઉર્સના પદયાત્રીઓના ગમખ્વાર અકસ્માતમાં જાન ગુમાવનારા અને ભોગ બનેલા નિર્દોષ પરિવારો પ્રત્યે દિલસોજીની લાગણી વ્યકત કરી છે અને અકસ્માતમાં જાન ગુમાવનારા પ્રત્યેક વ્યકિતના વારસદારને રાજ્ય સરકાર દ્વારા રૂ. 1 લાખની સહાય માનવતાના રાહે આપવા નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ઇજાગ્રસ્ત પદયાત્રીઓ પ્રત્યેકને રૂા. રપ હજારની મદદ પણ રાજ્ય સરકાર આપશે.
મુખ્યમંત્રીશ્રીએ વહેલી સવારે આ કરૂણાંતિકાની માહિતી મળતાં જ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા અને રાજ્ય આયોજન પંચ ઉપાધ્યક્ષશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને અકસ્માતનો ભોગ બનેલા પરિવારોને સહાયરૂપ થવા સૂચના આપી હતી અને સ્થાનિક વહીવટીતંત્રને આદેશો કર્યા હતા.
મૃત્યુ પામેલા પદયાત્રીઓના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે તેમના વતનમાં લઇ જવાની તાત્કાલિક વ્યવસ્થા કરવાના આદેશો પણ મુખ્યમંત્રીશ્રીએ આપ્યા હતા.