વીરત્વ કી યાદ મેં આઝાદ હિન્દ ફોજ સ્થાપના દિવસનો ગરીમાપૂર્ણ સમારોહ
નરેન્દ્ર મોદી - પી.એ.સંગમાની વિશેષ ઉપસ્થિતિ
મુખ્યમંત્રીશ્રી
નેતાજી બોઝ અને સરદાર પટેલની ઉપેક્ષા કેન્દ્રની વર્તમાન સરકાર કરી રહી છે પણ ગુજરાત મહાપુરૂષોના ઇતિહાસને ભૂલાવા નહીં દે
ગુજરાત સાથે સુભાષ બોઝનો નાતો અજોડ
પી.એ.સંગામાઃ
નેતાજી બોઝ પ્રત્યે વર્તમાન કેન્દ્ર સરકારના ઉપેક્ષિત વલણ પ્રત્યે નારાજગી વ્યકત કરતા સંગમા
સુભાષ બોઝનું મૃત્યુ ક્યાં, કેવી રીતે, કેવા સંજોગોમાં થયું તેની તપાસ થવી જોઇએ
દેશની રાજધાનીમાં સુભાષ બોઝનું રાષ્ટ્રીય સ્મારક બને
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદમાં આઝાદ હિન્દ ફોજના સ્થાપના દિવસે ""વીરત્વ કી યાદમેં'' ના ગરીમાપૂર્ણ સમારોહના મુખ્ય અતિથીપદેથી જણાવ્યું કે આ દેશનું દુર્ભાગ્ય છે કે નેતાજી સુભાષ બોઝ અને સરદાર પટેલ જેવા મહાન રાષ્ટ્ર ભક્તોની ઉપેક્ષા દેશના વર્તમાન શાસકો દ્વારા થઇ રહી છે. પરંતુ ગુજરાત આ મહાપુરૂષોના દેશભકિતના ઇતિહાસને ભૂલાવા દેશે નહીં.
આઝાદ હિન્દ ફોજ - ઇન્ડિયન નેશનલ આર્મી (INA) ના સ્થાપક નેતાજી સુભાષ બોઝ INA ટ્રસ્ટના ઉપક્રમે આજે વીરત્વ કી યાદ મેં નો આ સમારોહ યોજાયો હતો.
છઠ્ઠી જુલાઇના દિવસે શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી છે અને આઝાદ હિન્દ ફોજનો સ્થાપના દિવસ છે. તેની યાદ આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે INA ના સ્થાપક સુભાષ બાબુએ સશસ્ત્ર ક્રાંતિ દ્વારા ભારતની આઝાદીનો રાહ લીધો અને મહાત્માં ગાંધીના નેતૃત્વામાં જીવ ખપાવ્યું.
આ સુભાષ બોઝનું વ્યકિતત્વ અલગ પ્રકારનું હતું. અંગ્રેજોને સશસ્ત્ર ક્રાંતિ દ્વારા દેશમાંથી ધકેલવા વિદેશની ધરતી ઉપરથી જ "ચલો દિલ્હી' નો નારો લઇને આઝાદ હિન્દ ફોજથી અંગ્રેજો સામે સશસ્ત્ર લડતનું નેતૃત્વ કર્યું હતું.
સુભાષ બોઝના ગુજરાત સાથેના સંબંધોનું સ્મરણ કરાવતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ૧૯૩૮માં હરિપુરા-સુરતમાં ગુજરાતની ધરતી ઉપર કોંગ્રેસના અધિવેશનમાં ટર્નિંગ પોઇન્ટ લાવીને રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા અને પોતાની તાકાત અને સામર્થ્યનો મિજાજ બતાવ્યો હતો. આ ઐતિહાસિક ધટનાને કોંગ્રેસે ભૂલવાડી દીધી છે પણ અમે આ ઇતિહાસને ચિરંજીવ યાદ રૂપે જીવંત રાખ્યો છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ સરકારે ૨૦૦૯માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનના આ ઐતિહાસિક દિવસે બેલગાડીથી ઉપગ્રહ યાત્રા સુધીની વિકાસયાત્રામાં ઇ-ગ્રામ-વિશ્વગ્રામ પ્રોજેકટ ૧૮૦૦૦ ગામોમાં શરૂ કરેલો સુભાષ બાબુએ દેશના યુવાનોને આહ્વાન આપ્યું કે ""તુમ મુજે ખૂન દો.. મૈં તુમ્હે આઝાદી દૂંગા'' આ સૂત્રના મિજાજને અનુરૂપ મુખ્યમંત્રીશ્રી યુવાનોને આહ્વાન આપેલું કે તુમ મુજે સાથ દો, મેં તુમ્હે વિકાસ દુંગા - અને આ જ વિકાસયાત્રા ઉપર ગુજરાત આગળ વધી રહ્યું છે.
એક ગુજરાતી એમ.આર.વ્યાસે સુભાષ બોઝના જર્મનીના આઝાદ રેડીયોનું સંચાલન કરેલું. ૧૦૦ જેટલા ગુજરાતીઓ અને અનેક ગુજરાતી મહિલા રણચંડી બનીને આઝાદ હિન્દ ફોજમાં જોડાયેલી તેના સંસ્મરણો પણ મુખ્યમંત્રીશ્રીએ વર્ણવ્યા હતા.
આજે દેશ કાજે મરી ફીટવાનું સૌભાગ્યે ભલે ના હોય પણ દેશ કાજે જીવી જવાનું કર્તવ્ય નિભાવવા તેમણે આહ્વાન કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર્ડા.મનમોહનસિંહ છેલ્લા ૨૪ કલાકથી આાર્થિક સુધારાની વાતો ઉત્સાહપૂર્વક કરી રહ્યા છે પરંતુ પૂર્વ વિત્ત મંત્રી આપના નેતૃત્વની સરકારમાં હતા ત્યારે આઠ વર્ષ સુધી દેશની અર્થનીતિને પ્રાણવાન બનાવતા કોણે રોક્યા હતા ? શું પ્રધાનમંત્રીશ્રીનું આ દાયિત્વ નહોતું ? દેશ જે પ્રકારે સંકટોથી પસાર થઇ રહ્યો છે ત્યારે દેશની જનતાને પ્રધાનમંત્રી અને પૂર્વ વિત્ત મંત્રીશ્રી દેશની અર્થનીતિ ના તાલમેલ અંગે જવાબ આપે. સુરજ હંમેશા પૂર્વ માંથી ઉગે છે અને સંગમાજી પણ પૂર્વ ભારતમાંથી આવે છે ત્યારે દેશમાં નવો સૂરજ ઉગશે જ એવો વશ્વિાસ તેમણે વ્યકત કર્યો હતો.
પી.એ.સંગમા
શ્રી પી.એ.સંગમાએ ભારતની વર્તમાન સરકારની નેતાજી સુભાષ બોઝ પ્રત્યેની ઉપેક્ષિત માનસિકતા પ્રત્યે નારાજગી વ્યકત કરતાં જણાવ્યું કે સ્વ. નેતાજી બોઝ કઇ રીતે, કયાં અને કેવા સંજોગોમાં મૃત્યુ પામ્યા તેની વિશ્વસનિય તપાસ હજુ સુધી થઇ નથી અને દેશની રાજધાની દિલ્હીમાં હજુ સુધી નેતાજી સુભાષ બોઝનું રાષ્ટ્રીય સ્મારક સ્થાપવાની કોઇ કામગીરી થઇ નથી.
નેતાજી સુભાષ બોઝની આઝાદ હિન્દ ફોજ અને હિન્દુસ્તાનની આઝાદીના સશસ્ત્ર ક્રાંતિ જંગના શહિદોને તેમણે શ્રધ્ધાંજલિ આપી હતી.
ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીના શકિતમાન નેતૃત્વની પ્રસંશા કરતાં શ્રી પી.એ.સંગમાને સુભાષ બોઝ સહિતના અનેક આઝાદીની જંગના શહિદ લડવૈયાઓ પ્રત્યે ગુજરાત સરકારના વિધેયાત્મક પ્રેરક અભિગમને આવકાર્યો હતો.
પ્રારંભમા INA ટ્રસ્ટના સેક્રેટરી બિ્રગેડીયર છિંકારાએ સૌને આવકાર્યા હતા તથા INA ટ્રસ્ટની ભૂમિકા પ્રસ્તુત કરી હતી.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી ગણપતભાઇ વસાવા, રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, શ્રીમતી આનંદીબેન પટેલ, શ્રી ફકીરભાઇ વાધેલા, મંગુભાઇ પટેલ, રાજ્ય મંત્રી શ્રી જશવંતસિંહ, ભાજપા રાષ્ટ્રિય મહામંત્રી શ્રી અનંતકુમાર તથા શ્રી અરવિંદ નેતામ અને અગ્રણીઓ-આમંત્રિતો રાષ્ટ્રપ્રેમી, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.