પાટણઃ
• વિવેકાનંદ યુવા પરિષદમાં મુખ્યમંત્રીશ્રીની મહત્વની જાહેરાતો
• પાટણ જિલ્લો કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે નવી વિકાસની ઉંચાઇ સર કરશે. • નર્મદા આધારીત ૯૦૦ કી.મી.ની શાખા નહેરોના ૨૯ સિંચાઇ કામો રૂા. ૭૨૬ કરોડના ખર્ચે પ્રગતિમાં -૪.૨૬ લાખ એકરમાં સિંચાઇ • સાંતલપુર, રાધનપુર SIR સ્પેશીયલ ઇન્વેસ્ટર્સ રીજિયન • રૂા. ૩૦૦ કરોડના ખર્ચે ૬૫ એકરમાં નવી ધારપુર મેડીકલ કોલેજનું લોકાર્પણ • સદ્ ભાવના મિશન અંર્તગત પાટણ જિલ્લા માટેના રૂા. ૨૦૦૦ કરોડના વિકાસ પેકેજની જાહેરાત
-
નવા ત્રણ તાલુકા - સરસ્વતી - શંખેશ્વર - સુઇગામ તાલુકો અલગ અસ્તિત્વમાં આવશે.
ધારપુર-પાટણમાં રૂા. ૩૦૦ કરોડના ખર્ચે ૬૫ એકરમાં નવનિર્મિત જી.એમ.આર. એસ. મેડીકલ કોલેજ-હોસ્પિટલ સંકુલનું લોકાર્પણ કર્યા બાદ મૂખયમંત્રીશ્રીએ વિશાળ યુવાશકિતને પ્રોત્સાહિત કરતી યુવા પરિષદમાં સ્વામિ વિવેકાનંદના યુવાનોને સામર્થ્યવાન બનાવવાના સપના સાકાર કરતી શ્રેણીબધ્ધ જાહેરાતો કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ પાટણ જિલ્લામાં સૂકી ધરતીને નવપલ્લવિત બનાવવા માટે નર્મદા શાખા નહેરોના ૯૦૦ કી.મી.ના રૂા. ૭૨૬ કરોડના નહેરોના કામોની મહત્વની રૂપરેખા આપી હતી.નર્મદા નહેરોના આ નેટવર્કથી પાટણ જિલ્લાના ૬ તાલુકાના ૨૮૩ ગામોની ૪.૨૬ લાખ એકર જમીનમાં ખેડૂતોના ખેતરો સુધી નર્મદા દ્વારા સિંચાઇથી કૃષિ વિકાસનો નવો અધ્યાય શરૂ થશે.
મુખ્યમંત્રીશ્રીએ પાટણ જિલ્લાની ઔદ્યોગિક પછાત અવસ્થાનું વર્ષો જુનું કલંક ભૂંસી નાંખવા સાંતલપુર –રાધનપુર સ્પેશિયલ ઇન્વેસ્ટર્સ રિજીયન SIR મંજૂર કર્યાની જાહેરાત પણ કરીહતી.
પાટણ સહિત ઉત્તર ગુજરાતને સર્વપ્રથમ આધૂનિકતમ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ સંકુલની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સદ્ ભાવના મિશન વેળાએ પાટણ જિલ્લા માટેના વિકાસ પેકેજની જાહેરાત બાકી હતી. જેમાં હાલ રૂા. ૨૭૫ કરોડના વિકાસના કામો ચાલી રહ્યા છે. તેમાં રૂા. ૧૭૨૫ કરોડના આ વર્ષના વિકાસ આયોજન મળી કુલ રૂા. ૨૦૦૦ કરોડનું પાટણ જિલ્લાનું વિકાસ પેકેજ મંજૂર કરેલું છે.
મુખ્યમંત્રીશ્રીએ વહીવટી અને ભૌગોલિક સુગમતા ખાતર જાહેર પ્રજાહિતમાં પાટણ તાલુકો અને વાગડોદના ગામો મળી નવો સરસ્વતી તાલુકો, સમી તાલુકાનું વિભાજન કરી ને નવો શંખેશ્વર તાલુકો અને બનાસકાંઠા સરહદી વાવ તાલુકામાંથી નવો સૂઇગામ તાલુકો. આગામી ૨૬ મી જાન્યુઆરીથી આ ત્રણેય અલગ તાલુકા કાર્યરત કરવાની જાહેરાતો પણ કરી હતી.
નવરચિત વિવેકાનંદ યુવા કેન્દ્રો માટે રમત-ગમના સાધનોની કીટસનું વિતરણ કર્યા બાદ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિવકોનંદના ભારતમાતાની શાન અને બાન વધારવા માટે લાખો યુવાનોને સંકલ્પબધ્ધ બનવા અનુરોધ કર્યો હતો.
ગુજરાતની સ્થાપના પછી ૫૦ વર્ષ સુધી ઉત્તર ગુજરાતમાં આજ સુધી એક પણ મેડિકલ કોલેજ થઇ નહોતી આજે તે ઉણપ દૂર કરી છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જિલ્લે જિલ્લે મેડીકલ કોલેજો શરૂ કરીને ડોકટરો તૈયાર કરવાનું દ્ષ્ટિવંત વિઝન પાર પડવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. ધારપુરની આ નવી મેડિકલ કોલેજનું શ્રી સરસ્વતી મેડિકલ કોલેજનું નામાભિધાન તેમણે જાહેર કર્યું હતું.
નર્મદા આધારિત શાખા નહોરોના રૂા. ૭૨૬ કરોડના સિંચાઇના કામો દ્વારા પાટણ જિલ્લાના યુવા-કૃષિકારોને તેમણે આધુનિક ખેતીવાડી માટે નવી પહેલ કરવા આહ્ વાન આપ્યું હતું.
પાટણ-બનાસકાંઠાની સરહદે આકાર લઇ રહેલા એશિયાના સૌથી મોટા સોલાર પાર્ક દ્વારા રણકાંઠાની ભૂમિની તાસીર બદલાઇ જશે. એમ તેમણે જાહેર કર્યું હતું.
કેન્દ્રની સરકારે દેશની યુવાશકિત સાથે છેતરપીંડી કરવાનું પાપ કર્યું છે ત્યારે ગુજરાત સરકારે કોઇપણ યુવક- કે યુવતિને પોતાના ધંધા વ્યવસાય કે ઉદ્યોગ માટે બેન્કની લોન લેવા માટે ગેરન્ટરની જરૂર હશે તો રાજય સરકાર ગેરન્ટર બનશે એમ પણ જણાવ્યું હતું.
મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ઔતિહાસિક અણહિલવાડ પાટણના ઇતિહાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, નવરચિત પાટણ જિલ્લાએ એક જ દશકામાં ઉડીને આંખે વળગે એવો પ્રભાવક વિકાસ સિધ્ધ કર્યો છે.પાટણ જિલ્લાએ શિક્ષણ અને મહિલા શિક્ષણ ક્ષેત્રે નમુનેદાર સફળતા મેળવી સર્વક્ષેત્રીય શિક્ષણ પરિક્ષેત્રને સંગીન બનાવ્યું છે.
પાટણ જિલ્લાને મેડીકલ કોલેજની ભેટ આપવાનું શ્રેય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ને મળ્યું છે. પાટણ જિલ્લાને ઇજનેરી કોલેજ સહિત શ્રી હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનું વિસ્તરણ કરાયું છે. તથા શિક્ષણ ક્ષેત્રે નવા આયામો રચાયા છે તેની રૂપરેખા તેમણે આપી હતી.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા પ્રવાસન મંત્રીશ્રી જયનારાયણ વ્યાસે ઉત્તર ગુજરાતમાં શરૂ થઇ રહેલી આ નવી મેડીકલ કોલેજ રાજય અને રાષ્ટ્રમાં આગામી સમયમાં ઉભી થનાર તબીબોની માંગની પૂર્તિ કરશે. તેનો આનંદ વ્યકત કર્યો હતો.
શ્રી જયનારાયણ વ્યાસે પાછલા એક દાયકાની વિકાસયાત્રા અને ગુજરાતના વિકાસ વ્યાપ થી જેમને પેટમાં ચૂંક આવે છે તેવા વાંક દેખા તત્વો મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને તેમની સરકાર જિલ્લામાં મેળાવડાઓ પ્રજાના પૈસે યોજે છે તેવો જે આક્ષેપ કરી રહ્યાછે. તેનો સાફ શબ્દોમાં જવાબ આપતાં કહ્યું કે, વિકાસના કામો અને સિધ્ધિઓ લોકોના સાથ સહયોગથી પાર પડીને જનતા જર્નાદનના આનંદ ઉમંગમાં સરકાર સહભાગી થાય છે તે આવાં તત્વો જોઇ શકતા નથી કેમ કે તેમને પોતાના સત્તાસુખના સપના રોળાઇ જતાં દેખાય છે. આરોગ્યમંત્રીશ્રીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, પતંગોત્સવ, પ્રવાસન મહોત્સવ જેવા બહુવિધ આયોજનોથી રાજયના યુવાધન માટે તથા સ્થાનિક ક્ષેત્રે સ્વરોજગારીના અનેક અવસરો ઉભા થયા છે તે યુવાનોને માત્ર મતનું પતાકડું સમજતા તત્વોને કેમ દેખાતું નથી તેવો વેધક સવાલ કર્યો હતો. આવા તત્વોને આ વિવેકાનંદ યુવા વિકાસયાત્રાની સફળતાએ જડબાતોડ જવાબ આપી દીધો છે. એમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પાટણ જિલ્લાના ૫૩૪ વિવેકાનંદ યુવક મંડળોને ૧૬૦૦ ઉપરાંત કિટસ એનાયત કરી હતી. પ્રારંભમાં જિલ્લા પ્રભારી શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા સહિત પદાધિકારીઓ, યુવક મંડળો તથા હોમગાર્ડઝ જવાનોએ મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માસભર સ્વાગત અભિવાદન કર્યું હતું. રાજય મંત્રીઓ શ્રી જયસિંહજી ચૌહાણ અને પરબતભાઇ પટેલ, સાંસદશ્રી દિલીપભાઇ પંડયા, ધારાસભ્યોશ્રી શંકરભાઇ ચૌધરી, રજનીકાંત પટેલ, ભાવસિંહ રાઠોડ તેમજ જિલ્લા તાલુકાના પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં યુવાનો તથા નાગરિકો આ યુવા પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા.