સમાપન સમારોહમાં ગુજરાતની શક્તિ અને સામર્થ્યની પ્રસ્તુતિ
મુખ્ય મંત્રીશ્રીનું ઇજન સાતમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૧૧મી જાન્યુઆરી, ર૦૧પમાં યોજાશે
ગુજરાતનું વિશ્વરૂપ પ્રગટયું
આગામી વર્ષે ગુજરાત ઇન્ટરનેશનલ એગ્રીટેક સમીટ કરશે જે દર બે વર્ષે યોજાશે
ઇવેન્ટસ : - ૧ર૭ ઇવેન્ટ સેમિનાર - ૩૧ થીમ ઇવેન્ટ - ૧.૦૪ લાખ ચો.મી.માં ગ્લોબલ ટ્રેડ શો - ૧૬ લાખ પ્રેક્ષકોએ પ્રદર્શન મુલાકાત લીધી ભાગીદારી - ૧ર૧ દેશો - પ૮,૦૦૦ કુલ ડેલીગેટસ - ર,૧૦૦ વિદેશી મહાનુભાવ ડેલીગેટસ - ર,૬૭૦ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ઇન્ટેન્શન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન - કુલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન ૧૭,૭૧૯ પ્રોજેકટ - કુલ SME ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેશન ૧ર,૮૮૬ પ્રોજેકટ - SME માં રોજગાર નિર્માણ ૩.૭૩ લાખ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છઠ્ઠી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આન બાન શાન સાથે સમાપન જાહેર કરતાં આ વૈશ્વિક અવસરની અભૂતપૂર્વ સફળતાથી ગુજરાતના સામર્થ્યનું વિશ્વરૂપ પ્રગટયું છે.ગુજરાત સાથે દુનિયાના એકસો એકવીસ દેશોના લોકોનું ભાવાત્મક જોડાણ બોન્ડીંગ થયું છે અને ગુજરાત બ્રાન્ડીંગ કરતાં પણ તેનું મહત્વ અને મહિમા વધારે છે જેનો પ્રભાવ આવનારી પેઢીઓના ભાવાત્મક વિશ્વ સાથે વધતો રહેશે. આ એક વિરલ સિદ્ધિ છે. ગુજરાત વિશ્વરૂપ બન્યું છે, તેમ ગૌરવપૂર્વક જાહેર કર્યું હતું. મહાત્મા મંદિર, ગાંધીનગરમાં બે દિવસની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આજે દેશવિદેશના મહાનુભાવો અને ડેલીગેટસની વિશાળ ઉપસ્થિતિમાં શાનદાર સમાપન થયું હતું.
આગામી સાતમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૧૧મી જાન્યુઆરી, ર૦૧પમાં અવશ્ય યોજાવાની છે તેની જાહેરાત કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમાં નવા સપના, નવી ઉમ્મીદો સાથે ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. આટલા મોટા SCALE અને વિશાળ ફલક ઉપર યોજાયેલી આ ગ્લોબલ સમીટને સફળ બનાવનારા તમામ સહભાગી સાથીઓને અભિનંદન આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિશ્વના ૧ર૧ દેશો આમાં ભાગીદાર બન્યા છે અને આ ૧ર૧ દેશોમાં ગુજરાતે સંદેશ પહોંચાડયો છે કે, આ હિન્દુસ્તાનું સામર્થ્ય છે. આ ૧ર૧ દેશો ભારતના વિકાસના એમ્બેસેડર બની ગયા છે. દેશવાસી તરીકે આપણા માટે આ ગૌરવની હકીકત છે. દરેક હિન્દુસ્તાની માટે છાતી ફુલાવનારી આ ભારતની આન બાન શાનની ઘટના છે અને ગુજરાતની ધરતી ઉપર તે ગુજરાતીઓના પરિશ્રમથી સફળ થઇ છે, એમ તેમણે ગર્વપૂર્વક જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, કોઇપણ દેશ કે પ્રદેશ સિમીત સંસાધનો હોવા છતાં વિકાસનું સામર્થ્ય ધરાવે છે એવો વિશ્વાસ ગુજરાતે પુરો પાડયો છે.
દરેક વ્યકિતની માનસિકતા UNKNOWN નો ડર સ્વાભાવિક રહે છે પરંતુ ગુજરાતની આ ગ્લોબલ સમીટમાં ૧ર૧ દેશો આવ્યા તેનાથી ગુજરાતની અને નવી પેઢીમાંથી આ ડર નીકળી ગયો છે. નવો મનોવૈજ્ઞાનિક વિશ્વાસ જન્મ્યો છે. મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ ગ્લોબલ ઇવેન્ટનું મૂલ્યાંકન માત્ર રૂપિયા પૈસાના રોકાણના માપદંડથી મુલવી શકાય નહીં. ગુજરાતનું ગ્લોબલ બ્રાન્ડીંગ આ ઐતિહાસિક સફળ ઘટનાથી થયું છે.આજે ગુજરાત દુનિયામાં એવું પ્રખ્યાત થયું છે જેની ઓળખથી કોઇ અજાણ નથી. ભૂતકાળમાં વિદેશની ધરતી ઉપર ભારતના રાજ્યો પ્રયાસ કરી રોકાણના સમજાતિના કરાર કરી આવતા પરંતુ ર૦૦૩થી ગુજરાત સરકારે આ અભિગમ દ્રષ્ટિકોણમાં બદલાવ લાવવા નવો ચીલો ચાતર્યો અને ગુજરાતની ધરતી ઉપર આવીને તેના સામર્થ્યની અનુભૂતિ કરાવી છે. ગુજરાતની ધરતીની માટીમાં એવું શું છે એવો સવાલ સ્વાભાવિક પૂછાય છે તેનો જવાબ છે આ ધરતીની માટીમાં અમારા પૂર્વજોના પુરૂષાર્થનો પસીનો છે, જેનાથી ધરતી ઉર્વરા બની છે, તેમ તેમણે જણાવ્યું હતું.
વિશ્વની બદલતી તરાહ અને સમૃદ્ધ દુનિયા વિશે જાણવા સમજવામાં આ ગ્લોબલ સમીટ સફળ રહી છે તેની ભૂમિકા આપતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, કોઇપણ સમાજ બદલાતા વિશ્વની ગતિવિધિથી અલગ રહીને પ્રગતિ કરી શકે નહીં. ગુજરાતના સામાન્ય નાગરિકમાં હવે દુનિયામાં ઉત્તમસારૂ જાણવાની જિજ્ઞાસા જાગી છે. ગામડા, તાલુકા, જિલ્લામાં સમાજજીવનની શક્તિ સમક્ષ આ સમિટે એક નવી વિકાસની ક્ષિતિજો ખોલી નાંખી છે. આ ગુજરાતની ધરતી ઉપર આવેલા ૧ર૧ દેશોના મહેમાનો મહાનુભાવોની સાથે ગુજરાતનો નાતો બંધાયો છે. પરંતુ ગુજરાતની ભૂમિ સાથે માટી સાથે અપનાપનનો નાતો ઉદ્દીપક બન્યો છે.આ દુનિયાના અનેક દેશોના લોકોનું એક બોન્ડીગ બન્યું છે જેનું મુલ્ય માપવાના કોઇ માપદંડ નથી.
આ દુનિયાનું ગુજરાત સાથેનું ‘બોન્ડીંગ’, એ ગુજરાતની બ્રાન્ડીંગ કરતા ઊંચું છે. ગુજરાતનું એક વિશ્વરૂપ પ્રગટયું છે અને એની ફલશ્રુતિ માટે નવા દ્રષ્ટિકોણથી ચિન્તન કરવા તેમણે અનુરોધ કર્યો હતો. નવી પેઢી યુવાપેઢી આનું મૂલ્ય અને મહિમા સમજશે એમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું. સમગ્ર વિશ્વ હવે ઝડપથી વૃદ્ધાવસ્થા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે એકલું હિન્દુસ્તાન વિશ્વનો સૌથી યુવા દેશ છે. જેની આ જ્ઞાનયુગમાં ૬પ ટકા યુવાશક્તિ સામર્થ્ય ધરાવે છે.તેનામાં ભારતને જગતગુરૂ સ્થાને દૈદિપ્યમાન બને તેવા વિવેકાનંદજીના સપના સાકાર કરવાનું સામર્થ્ય આવે. યુવા ભૂજાઓમાં જે શક્તિ છે તેને બળ આપવા ગુજરાતે સ્કીલ ડેવલપમેન્ટનું વિશાળ ફલક ઉભું કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. મારંુ તો સપનું છે, ગુજરાતમાંથી હિન્દુસ્તાનના ઉત્તમ શિક્ષણ દુનિયાના શિક્ષણ સંસ્કારની પૂર્તિ કરે. આવા ચિંતન આયામો સાથે ગુજરાત સમાજ શક્તિને ઉજાગર કરવા માંગે છે, એમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું.
ર૦૦૩ની પ્રથમ ગ્લોબલ સમિટમાં જેટલી ઉપસ્થિતિ હતી તેના કરતાં ર૦૧૩ની છઠ્ઠી ગ્લોબલ સમિટમાં ત્રણ થી ચાર ગણા વિદેશી ડેલીગેટસ આવ્યા છે તેની વ્યાપકતાનો પ્રભાવક નિર્દેશ આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગ્લોબલ સમિટના નિમિત્તે જ આ વિશિષ્ઠ મહાત્મા મંદિર બન્યું છે. મુખ્ય મંત્રીશ્રીએ ગ્લોબલ સમીટની સફળતાથી પ્રેરાઇને આવતા વર્ષે ગ્લોબલ એગ્રીકલ્ચર હાઇટેક સમીટ એગ્રો ટેક ફેર યોજવાની જાહેરાત કરતાં જણાવ્યું કે, દર બે વર્ષે કૃષિ અર્થતંત્રના વૈશ્વિક બજારોમાં ગુજરાતના ખેડૂતો માટે આ પ્રકારની ગ્લોબલ એગ્રોટેક ઇવેન્ટ યોજાશે.
મુખ્ય મંત્રીશ્રીએ કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીની સાથે રાજ્ય સરકારની જી. એસ. એફ. સી. કંપની કેનેડાની ભૂમિ ઉપર પોટાશ ખરીદીને ત્યાં પોટાશ ખાતરનું કારખાનું નાખશે. એશિયામાં ટુરીઝમ માટે ગુજરાત ભગવાન બુદ્ધની વિરાસતના અવશેષો માટે નવી પ્રવાસન ઓળખ બનાવશે, તેની ભૂમિકા આપી હતી. ગુજરાત વિશેની વિકૃતિ અને નકારાત્મકતામાંથી આજે ગુજરાત સંપૂર્ણપણે બહાર આવી ગયું છે. આ ગ્લોબલ સમિટ વિશ્વના મંદીના દ્વિધાભર્યા વાતાવરણમાં સમૃદ્ધ દેશો માટે પણ સકારાત્મક સંદેશો આપ્યો છે. આ ગ્લોબલ સમિટને ગૌરવ અપાવનારા વિશ્વભરના દેશોની ભાગીદારી અને સાથ સહયોગની માટે આભારની લાગણી મુખ્ય મંત્રીશ્રીએ વ્યકત કરી હતી.