ગુજરાતને ગાંધીજીની રાજનીતિના પાઠો ભણાવવા આવ્યા છો? કે ગુજરાતની જનતાને ઉઠાં ભણાવવા આવ્યા છો?
મોબાઇલ તો આપ્યા પણ તેને ચાર્જ કરવા વીજળી આપી?
દેશના યુવાનોને રોજગારી જોઇએ કે મોબાઇલ? વિધાનસભાની બેઠકોના દિવસની ટીકા કરનારા રાહુલબાબાએ લોકસભામાં કેટલી બેઠકોમાં હાજરી આપી? અમે વિધાનસભામાં પસાર કરેલા બીલો તમારા ગવર્નરે રોકી રાખ્યા શું આ લોકશાહીનો આદર છે?
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં આવીને રાહુલ ગાંધીએ ગુજરાત સરકારની સામે જનતાને ગુમરાહ કરવાના જે બાલિશ પ્રયાસો કર્યા તેનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે ગરીબો અને યુવાનો માટે ચિન્તા કરવી હોય તો ગુજરાતની દિશા પકડવી પડે. રાહુલ બાબાએ આજે ગુજરાત આવીને ગાંધીજી, વિધાનસભા, આર.ટી.આઇ, રોજગારી, કિસાનો, યુવાનો, આમઆદમી વિશે જે ગુજરાતની બદનામી કરતાં વિધાનો કર્યા છે તેમાં તેમનું અજ્ઞાન જ ઉઘાડું પડે છે.
આજે સૌરાષ્ટ્રમાં ચૂંટણી અભિયાનની ચાર સભાઓ અને મધ્યગુજરાતની બે સભાઓમાં રાહુલ બાબાને પડકારતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે તમને લોકતંત્ર અને વિધાનસભા વિશે આટલો પ્રેમ છે તો લોકસભામાં સંસદ તરીકે કેટલી બેઠકોમાં તેમણે ભાગ લીધો?
લોકસભામાં છેલ્લા વર્ષમાં ૮પ બેઠકોમાંથી રાહુલ બાબા માત્ર ર૪ બેઠકોમાં અને તે અગાઉના વર્ષમાં ૭રમાંથી ૧૯ બેઠકમાં આવેલા શું આ તમારો લોકતંત્રનો પ્રેમ છે? તમને ગુજરાતની વિધાનસભાની ટીકા કરવાનો કોઇ અધિકાર નથી. અમને તો બે વખત બેતૃતિયાંશ બહુમતીથી અને જનાદેશથી વિધાનસભામાં આવેલા છીએ અમે જેટલા કાયદા પસાર કર્યા છે તે ભૂતકાળમાં થયા નથી. વિધાનસભામાં તો તમારી કોંગ્રેસની વિપક્ષની ભૂમિકા જ નકારાત્મક રહી છે. વિધાનસભા પ્રત્યે કોંગ્રેસને સાચો આદરભાવ હોય તો તમારા રાજ્યપાલશ્રીએ ધારાસભામાં પસાર થયેલા વિધેયકો કેમ રોકી રાખ્યા છે? એનો જવાબ આપોને? એવા સવાલો શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યા હતા.
રાહુલ બાબાએ તેમના પિતાશ્રી રાજીવગાંધીએ દેશના યુવાનોને મોબાઇલ આપ્યા તેમ ગાણાં ગાયા. પણ આ મોબાઇલના ચાર્જંિગ માટે વીજળીની જરૂર હોય છે. આઝાદી પછી આજે દેશના કેટલા ગામો અને શહેરોમાં નિયમિત અને પૂરતી વીજળી મળે છે? અને મોબાઇલની પહેલી જરૂરત છે કે યુવાનોને રોજગારીની? તમે એક કરોડ યુવાનોને રોજગારી આપવાનું વચન આપેલું તેમાં કેટલી રોજગારી પૂરી પાડી? આજે તો દેશની અદાલતોમાં ન્યાયના કેસોનો ભરાવો એટલા માટે પણ છે કે વીજળીના અભાવે કોર્ટો ચાલતી નથી! તેમ પણ તેમણે જણાવ્યું હતું.
આર.ટી.આઇ બાબતે ગુજરાતમાં ૧૪૦૦૦ અરજી પેન્ડીંગ છે તેની ટીકાનો આકરો પ્રહાર રાહુલ ગાંધી ઉપર કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે તમારી દિલ્હીની સરકારમાં જ ત્રણ લાખ આર.ટી.આઇ. કેસો પેન્ડીંગ છે તેનું શું?
રાહુલ બાબા નહેરૂ પરિવારગાંધી પરિવારનો વંશવાદ ગુજરાતની રાજનીતિના વિકાસને ઉખાડીને ફેંકી શકશે નહીં. ગાંધીજીની રાજનીતિના પાઠ ગુજરાતને શીખવવા આવ્યા છો? ગાંધીજી ગુજરાતના હતા તેથી અલ્હાબાદમાં આનંદભુવન ખાતે પંડિત મોતીલાલ નહેરૂના દિકરા જવાહરલાલ જેલમાં હતા ત્યારે પથારી નીચે પાથરીને સૂતા તેથી ગાંધીજી પણ જમીન ઉપર સૂતા હતા એમ જણાવેલું પણ રાહુલ બાબા તમારા દાદા જવાહરલાલજી જેલમાં હતા તો જમીન ઉપર સુવું પડેલું ત્યારે તેમના પિતાશ્રીએ કેમ જમીન ઉપર સુવાનું પસંદ નહોતું કર્યું?
રાહુલબાબા આ દેશના ગામડાંને પીવાનું પાણી, સારા રસ્તા, વીજળી, ખેતી માટે સિંચાઇનું પાણી જોઇએ છે, તમે દેશને આ પાયાની સુવિધા આપી નથી શકતા. દેશના ૧૯ રાજ્યોના ૭૦ કરોડ લોકો ચાર મહિના પહેલાં વીજળીના અંધકારમાં ડૂબી ગયેલા ત્યારે તમારી કોંગ્રેસ સરકાર કયાં હતી? એ વખતે એકલું ગુજરાત વીજળીથી ઝળહળતું હતું! તમે ગુજરાતની ટીકા કરો છો? એવો વેધક પ્રહાર મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.
નહેરૂ પરિવાર ગુજરાતને ઉખાડી શકશે નહી કારણ આ સરદાર પટેલુનં ગુજરાત છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે સોનિયાજી, ડો. મનમોહનસિંહ અને રાહુલબાબાએ થઇને જેટલી સભા ગુજરાતમાં કરી તેના કરતા પણ વધારે સભા હું એક દિવસમાં કરૂં છું. ગામેગામ ખૂણેખૂણે પહોંચ્યો છું આખું ગુજરાત ભાજપાના કમળ ખીલવવા થનગની રહયું છે.
રાજકીય ગુરૂ તરીકે ગાંધીજીનું છાશવારે નામ લેનારા રાહુલબાબાએ ગાંધીજીની સલાહ માનવાની જરૂર છે. ગાંધીજીએ આઝાદી પછી કોંગ્રેસનું વિસર્જન કરી દેવા સૂચવેલુંકેમ, આ સલાહ સ્વીકારોને?
ગુજરાતમાં દશ લાખ લોકો બેકાર છે એવી ટીકા કરનારા રાહુલ બાબાને ખબર જ નથી કે તેમની કેન્દ્ર સરકારનો અહેવાલ જ કહે છે કે દેશમાં સૌથી ઓછી બેકારીવાળું રાજય હોય તો એકલું ગુજરાત છે! કોંગ્રેસ કયારેય ગુજરાતમાં ભાજપાને તો શું મને એકલાને પણ પરાસ્ત કરી નહીં શકે! કોંગ્રેસ માટે કાળાધોળા કરવા સિવાય છે શું? એની પાસે ગુજરાત વિશે કોઇ મુદો જ નથી. એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
આજે સૌરાષ્ટ્રમાં ચૂંટણીના પ્રથમ તબક્કાના જાહેર પ્રચારના છેલ્લા દિવસે નરેન્દ્રભાઇ મોદીએ સાવરકુંડલા, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરમાં ભાજપાની ચૂંટણીસભાઓમાં જણાવ્યું કે કોંગ્રેસનું આખુ દળકટક ગુજરાતમાં ઉતર્યું છે પણ કોઇને ગુજરાતના વિકાસની વાત નથી કરવી. માત્રને માત્ર નરેન્દ્ર મોદીને બદનામ કરવા છે. ગુજરાતમાં વિકાસ થયો નથી એવા જૂઠ્ઠાણા ચલાવે છે અને બીજી બાજુ જે વિકાસ થયો છે તે કેન્દ્રના નાણાથી થયો છે એમ કહે છે, શું ગુજરાત પાસે કોંગ્રેસ હિસાબ માંગે છે?ગુજરાતની જનતાને તો તમારો હિસાબ જોઇએ છે! ગુજરાતની જનતાની લાગણી દૂભવે એવી ભાષા ડો. મનમોહનસિંહ બોલી ગયા. પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતે જે સુધારા કર્યા છે તે દેશમાં કોઇએ નથી કર્યા પણ કેન્દ્રની કોંગ્રેસ સરકારે સર્વશિક્ષા અભિયાનમાં એકલા ગુજરાતને, એકલા ગુજરાતને જ શિક્ષકોના પગાર અને પાઠયપુસ્તકો માટે કેન્દ્રની સહાયથી વંચિત રાખ્યું છે. આ ભેદભાવ શા માટે? તેવા સવાલો તેમણે ઉઠાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કેન્દ્રની પાસે ગુજરાત ભિક્ષુક બનીને ઉભૂં રહે એવું કોંગ્રેસ માને છે, પરંતુ ગુજરાત તો કેન્દ્રની સહાય વગર પણ કેવો અદ્દભૂત વિકાસ કરી શકે છે તે ૧૧ વર્ષમાં દેશ અને દુનિયાએ જોઇ લીધું છે. દિલ્હીની કેન્દ્ર સરકારની તિજોરી તો ગુજરાતની જનતાની રૂા. ૬૦,૦૦૦ કરોડના કરવેરાની કમાણીથી ભરાય છે તો ગુજરાતને શું આપ્યું છેહિસાબ તો તમારે આપવાનો છે. તમે ગુજરાતને ગાંધીજીની રાજનીતિના પાઠ ભણાવવા આવ્યા છો? તમે ગુજરાતની જનતાને ઉઠાં ભણાવવા આવ્યા છો? બપોર બાદ પેટલાદ, નડિયાદ અને મોડી સાંજે અમદાવાદ શહેરમાં મુખ્યમંત્રીશ્રીની સભાઓ યોજવામાં આવી હતી.