સ્થળ જળ આકાશના ત્રણે ક્ષેત્રોને આવરી લેતી મલ્ટી મોડેલ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી રચાશે
ઇન્લેન્ડ વોટર ટ્રાન્સપોર્ટની દિશામાં ગુજરાત
અમદાવાદ મુંબઇ પૂના હાઇસ્પીડ પ્રોજેકટ માટે ભારત સરકાર બજેટમાં પૂરતું આયોજન કરે
ગુજરાતમાં હાઇસ્પીડ રેઇલ પ્રોજેકટ અંગે જાપાન અને ભારત સરકારનો સંયુકત રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક માર્ગદર્શક ઉદ્દઘાટન પ્રવચન
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ મુંબઇ પૂના હાઇસ્પીડ રેઇલ સહિત ભારતમાં છ હાઇસ્પીડ રેઇલ પ્રોજેકટ સાકાર કરવા રાજકીય ઇચ્છાશકિત અને હિંમતપૂર્વકના નિર્ણયોની આવશ્યકતા ઉપર ભાર મૂકયો છે. વિકાસની તેજગતિ જાળવવા માટે ભારત જેવા વિકસી રહેલા દેશમાં સ્થળજળઅને આકાશના ત્રણેય ક્ષેત્રોના પરિવહનને એક છત્ર નીચે લાવવાનું વ્યૂહાતમક આયોજન એ સમયની માંગ છે એમ તેમણે જણાવ્યું હતું.
જાપાન સરકાર, ભારત સરકાર, રેલ્વે મંત્રાલય, ગુજરાત સરકાર અને સીઆઇઆઇનાં સંયુકત ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલા હાઇસ્પીડ રેઇલ સેમિનારનું ઉદ્દઘાટન કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૧મી સદીમાં હાઇસ્પીડ ટ્રાન્સપોર્ટેશન એ વિકાસની તેજગતિ માટેનું સૌથી મહત્વનું માળખાકીય સુવિધાનું પરિબળ છે અને તેમાં હાઇસ્પીડ રેઇલ ટ્રાન્સપોર્ટ માટે હવે દુવિધા કે શંકાકુશંકાના મતમતાંતરથી અતિક્રમીને સંકલ્પબધ્ધતાથી નીતિનિર્ધારણ માટેનું વાતાવરણ સર્જવાની જરૂર છે અને સમયની માંગ છે એમ ભારપૂર્વક જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારના હાઇસ્પીડ રેઇલ પ્રોજેકટને કાર્યાન્વિત કરવાની પ્રતિબધ્ધતા વ્યકત કરતાં જણાવ્યું કે ગુજરાત તો સ્થળજળ અને આકાશ એમ ત્રણેય ક્ષેત્રોમાં પરિવહનના સંકલિત વ્યૂહ સાથે આગળ વધી રહયું છે. અમદાવાદમુંબઇ હાઇસ્પીડ રેઇલ ઉપરાંત અમદાવાદગાંધીનગર મેટ્રો રેઇલ પ્રોજેકટને ધોલેરા એસઆઇઆર સુધી હાઇસ્પીડ રેઇલ તરીકે વિસ્તારવા, માસ રેપીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, બીઆરટીએસજનમાર્ગ જેવા મલ્ટીપર્પઝ પબ્લીક ટ્રાન્સપોર્ટ માટેના સાર્વજનિક પરિવહનના સંકલિત અભિગમ માટે ગુજરાત સરકારે મલ્ટીમોડેલ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (MATA) સ્થાપવાનો નિર્ણય લીધો છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતમાં જળમાર્ગ પરિવહનવોટર વે ટ્રાન્સપોર્ટ માટેની નવી ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ સંભાવનાનો નિર્દેશ આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં દક્ષિણની દમણગંગા નદીનું પાણી દરિયામાં વેડફાઇ જતું રોકીને નેચરલ ગ્રેવિટી (કુદરતી ગુરૂત્વાકર્ષણ) ટેકનોલોજીથી સાબરમતી સુધી કેનાલનું નિર્માણ કરીને પહોંચાડી શકાય એમ છે જેના કેનાલરૂટ ઉપર રોડકમરેઇલ ટ્રાન્સપોર્ટ નેટવર્ક ઉભૂં થઇ શકે. ધોધાદહેજ દરિયાઇ રોરો ફેરી સર્વિસ સાથે પણ કોસ્ટલ વે ટ્રાન્સપોર્ટેશનનું મેલ્ટીમોડેલ વિકસાવી શકાય એમ છે. આ ઉપરાંત નર્મદાની ૪પ૬ કી.મી.ની મુખ્ય કેનાલના રૂટ ઉપર પણ પબ્લીક વોટર વે ટ્રાન્સપોર્ટનું મોડેલ વિકસાવી શકાય એમ છે. ર૧મી સદીના વૈશ્વિક વિકાસની ગતિ સાથે તાલ મીલાવવા ગુજરાતે બહુહેતુક પરિવહનમાળખાની સુવિધા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
હાઇસ્પીડ રેઇલ પ્રોજેકટ જપાનમાં પ૦ વર્ષ પહેલાં શરૂ થઇ ગયેલો છે અને ચીને પાંચ જ વર્ષમાં ૯૩૦૦ કી.મી.નું હાઇસ્પીડ નેટવર્ક રેઇલ ટ્રાન્સપોર્ટ માટે કાર્યરત કરી દીધું છે ત્યારે ભારતમાં ૧૯૮૦ થી હાઇસ્પીડ રેઇલ પ્રોજેકટની ચર્ચાવિચારણા, મતમતાંતર અને દ્વિધાનું વાતાવરણ પ્રવર્તે છે. આ માનસિકતામાંથી બહાર આવવાનો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો. માર્મિક શબ્દોમાં તેમણે જણાવ્યું કે કોઇપણ યોજનાનો જન્મ થાય તે પહેલાં તેની ભૃણહત્યા થઇ જાય તેવી માનસિકતા છોડીને ભવિષ્યની રાષ્ટ્રીય પ્રગતિના પરિપ્રેક્ષ્યમાં આયોજન સાકાર કરવા નેતૃત્વની પહેલ જરૂરી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં ૧પ થી ર૦ દેશોમાં હાઇસ્પીડ રેઇલ પ્રોજેકટના જૂદા જૂદા અનુભવો, ટેકનોલોજી આધારિત ટ્રાન્સપોર્ટ મોડેલ વિકસેલા છે.
સુરક્ષા, ગતિશીલતા, પોષણક્ષમ આર્થિક માળખા સહિતના ઉત્તમ પાસાંઓનો અભ્યાસ કરીને આપણું હાઇસ્પીડ રેઇલ પ્રોજેકટનું મોડેલ સાકાર કરી શકાય આ માટે રાજકીય ઇચ્છાશકિત સાથે ભારત સરકારના આગામી અંદાજપત્રમાં વડાપ્રધાન હાઇસ્પીડ રેઇલ પ્રોજેકટના પર્યાપ્ત નાણાંકીય જોગવાઇનું આયોજન કરે એવી અપીલ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. ગુજરાત સરકાર હાઇસ્પીડ પ્રોજેકટ દ્વારા રેલ્વે ટ્રાન્સપોર્ટેશનનું આ સપનું સાકાર કરવા પૂરેપૂરો સહયોગ આપવા તત્પર છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતે દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર (DMIC-DFC)ના જાપાનભારતના સંયુકત પ્રોજેકટ માટેની પૂર્વતૈયારીઓ કરીને જાપાનનો વિશ્વાસ સંપાદિત કર્યો છે તેની ભૂમિકા આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે જાપાન અને ગુજરાત વચ્ચે વિકાસના અનેક ક્ષેત્રોમાં જે ઝડપથી ભાગીદારી અને સહયોગનું વિશાળ ફલક વિકસ્યું છે તેનું કારણ જાપાનની સરકાર અને લોકોનો ગુજરાતે વિશ્વાસ જીતી લીધો છે તે છે.
ગુજરાતની આર્થિક પ્રગતિ અને તાસીર જોતાં પશ્ચિમ રેલ્વેમાં અમદાવાદ રેલ્વે ડિવીઝન સૌથી વધુ આવક આપે છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અંગ્રેજોના શાસનમાં ગુજરાતીઓ જ રેલ્વે બાંધકામ નિર્માણમાં ઉત્તમ કૌશલ્યવ્યવસ્થાપન સાથે મોખરે હતા એટલું જ નહીં, આફ્રિકામાં ઉંચાઇ ઉપર રેલ્વે બાંધકામ નિર્માણમાં પોતાનું કૌશલ્ય પૂરવાર કર્યું હતું. ગુજરાતની વિકાસયાત્રાની તેજ ગતિ જોતાં હાઇસ્પીડ રેઇલ પ્રોજેકટની સફળતા અમદાવાદમુંબઇ હાઇસ્પીડ રેઇલનું સફળતામાં રૂપાંતર કરશે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ હાઇસ્પીડ રેઇલ પ્રોજેકટની નાણાંકીય જોગવાઇઓના આયોજન માટે કોઇ અસંમજસતાની સ્થિતિ હોવી જોઇએ નહી એવો અનુરોધ કરતાં જણાવ્યું કે સાઉથ કોરિયાએ એકસપ્રેસ હાઇવે બાંધવા સામેના વિરોધને ગણકાર્યા વગર આજે આર્થિક વિકાસની તાસીર બદલી નાંખી છે. આપણા વિકાસની સોચવિચારને હવે સંકુચિત વાડામાંથી બહાર કાઢી દબાણો કે મતમતાંતરોની દ્વિધામાં આવ્યા વગર ચલિત થયા વગર હાઇસ્પીડ રેઇલ પ્રોજેકટ પાર પાડવાનો સંકલ્પ કરવા તેમણે પ્રેરક આહ્વાન કર્યું હતું.
ગુજરાતે PPP મોડેલથી પ્રાઇવેટ રેઇલ પ્રોજેકટ સાકાર કરી બતાવ્યો છે અને DMIC-DFC પ્રોજેકટ માં પણ ઉત્તમ પૂર્વતૈયારીઓ કરી છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતના લોકોમાં રેલ્વેનિર્માણના DNA છે ગુજરાતે મેટ્રો રેઇલ પ્રોજેકટ હાથ ધરવાનું બીડું ઝડપ્યું છે. પ્રારંભમાં જાપાનના લેન્ડ, ઇન્ફ્રાસ્ટ્રકચર, ટ્રાન્સપોર્ટ એન્ડ ટુરિઝમના સિનિયર વાઇસ મિનિસ્ટર શ્રીયુત હિરોશી કાજીયામા (HIROSHI KAJIYAMA) જાપાન કાઉન્સીલ ઓફ ગ્લોબલ પ્રમોશન રેલ્વેના વાઇસ ચેરમેન શ્રીયુત ટાડાહારૂ ઓહાસી (TADAHARU OHASI) જાપાનની ઇન્સ્ટીટયુટ ઓફ ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ સ્ટડીઝના વાઇસ ચેરમેન માકોટો વાશિઝુ (MAKOTO VASHIZU) રેલ્વે મંત્રાલયના એકઝીકયુટીવ ડિરેકટરશ્રી એમ એસ. માથુર, સી.આઇ.આઇના પ્રોજેકટ (રેલ્વે) કોઓર્ડિનેટર ચેરમેનશ્રી જોતીએ પણ ગુજરાતના હાઇસ્પીડ રેઇલ પ્રોજેકટ સેમિનારમાં ગુજરાત સરકારના સહયોગ અને જાપાન સરકારની પ્રતિબધ્ધતાની ભૂમિકા આપી હતી. સેમિનારમાં ગુજરાત સરકારના માર્ગમકાન, ઉદ્યોગ, શહેરી વિકાસ, શહેરી માળખાકીય સુવિધા વિકાસના વરિષ્ઠ સચિવશ્રીઓએ ભાગ લીધો હતો.