ગુજરાતે હરેક ક્ષેત્રમાં આધુનિક ઉત્તમ વિકાસની કોઇપણ તક હાથમાંથી જતી ના રહે તેવી વિકાસવ્યૂહ રચના અપનાવી છેઃ નરેન્દ્રભાઇ મોદી
ઓશવાળ ગ્લોબલ મીટને વિડિયો કોન્ફરન્સથી પ્રેરણાદાયી સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઓશવાળ ગ્લોબલ મીટને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા જણાવ્યું હતું કે કોઇપણ ક્ષેત્રમાં વિકાસની તક આપણાં હાથમાંથી છૂટી જાય નહીં તેવી વ્યૂહાત્મક નિર્ણયશકિતથી ગુજરાત વિકાસની નવી નવી ઉંચાઇઓને પાર કરી રહ્યું છે.
જામનગરમાં સમગ્ર વિશ્વભરના વિશા ઓશવાળ જ્ઞાતિ સમાજના પરિવારોની આ ઓશવાળ ગ્લોબલ મીટ યોજાઇ રહી છે અને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના વિકાસ અને ઓશવાળ સમાજશકિતની ભૂમિકા સાથે પ્રેરક સંબોધન કર્યું હતું.
ગુજરાતમાં ર૧મી સદીનો પહેલો દશકો વિકાસના દશકની હરણફાળનો રહ્યો છે. એક જમાનામાં ટ્રેડર્સ સ્ટેટ ગણાતું ગુજરાત આજે ઔઘોગિક રાજ્ય બની ગયું છે, એમાં પણ કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં અગ્રેસર ગુજરાત એશિયાનું ઓટોમોબાઇલ્સ હબ બની ગયું છે. દુનિયાની ધણી જાણીતી ઓટો કાર કંપનીઓ ગુજરાતમાં આવી છે અને નજીકના ભવિષ્યમાં પ૦ લાખ કારોનું ઉત્પાદન ગુજરાતમાં થતું હશે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે દુનિયામાં દશમાંથી નવ હીરાની કારીગરીમાં કોઇને કોઇ ગુજરાતીનો હાથ હશે એમ ભવિષ્યમાં દુનિયામાં ફરતી કારના ઉત્પાદનમાં પણ ગુજરાતી યુવાનના હાથનો કસબ હશે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાતના ૧૬૦૦ કી.મી.નો દરિયાકાંઠો આઝાદી પછીના ૪૦-પ૦ વર્ષ સુધી બોજ બની ગયેલો આજે છેલ્લા દશકમાં હિન્દુસ્તાનની સમૃધ્ધિના પ્રવેશદ્વાર તરીકે ગુજરાતના બંદરો ધમધમી રહ્યા છે. હવે કચ્છ અને કાઠિયાવાડના લોકોને ગુજરાત છોડીને જવાની જરૂર નથી બલ્કે જેમને ગુજરાત આવવું હોય તેમનો ગુજરાત ઉપર અધિકાર છે અને ગુજરાતના વિકાસના કારણે ગુજરાતીઓની પ્રતિષ્ઠા વધતી જ રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ર૪ કલાક વીજળીની સુવિધાથી સમગ્ર રાજ્યના તમામ ગામોમાં ઇન્ટરનેટ બ્રોડબેન્ડ કનેકટીવિટીની સુવિધા મળી છે અને લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશનના દ્વાર ગામડામાં ખૂલી ગયા છે. ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે એવી હરણફાળથી ગુણાત્મક ફેરફારો કર્યા છે કે ગુજરાતના યુવાનો માટે આધુનિક શિક્ષણ, ટેકનીકલ શિક્ષણ અને સ્કીલ ડેવલપમેન્ટના વિશાળ ફલક ઉપર બૌધ્ધિક સંપદાના વિકાસની તકો ખૂલી ગઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ ઓશવાળ સમાજના પૂર્વજોએ જામનગર જિલ્લાના બાવન ગામોમાંથી વિસ્તરીને વિશ્વકક્ષાની વિકાસયાત્રા, સેવાવૃત્ત્િા અને લોકકલ્યાણ તથા સંકટસમયે માનવતાના કામોની જે સુવાસ ફેલાવી છે તેની પ્રસંશા કરી હતી અને ગુજરાત આજે પ્રવાસનનો સૌથી ઝડપી વિકાસ કરી રહ્યું છે ત્યારે પ્રવાસન વિરાસતનો મહિમાવંત સાક્ષાત્કાર કરવા અનુરોધ કર્યો હતો.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાતના ધોમધખતા સૂરજની ગરમીને સૌરઊર્જામાં રૂપાંતર કરીને, ઉત્તર ગુજરાતના રણકાંઠે દુનિયાનો સૌથી મોટો સોલાર એનર્જી પાર્ક સ્થપાઇ રહ્યો છે. ગુજરાત વિકાસની અનેક નવી પહેલ કરી રહ્યું છે અને તેમાં ઓશવાળ સમાજે પણ ભૂકંપ હોય કે કુદરતી આપતિઓ હોય સેવાની સુવાસ ફેલાવી છે એટલું જ નહીં, ઓશવાળની માતૃશકિતએ વિશ્વમાં ગુજરાતી ભાષાની, સંસ્કૃતિની પરંપરા જીવંત રાખી છે.
ઓશવાળ ગ્લોબલ મીટમાં જામનગર ખાતે રાજ્ય મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, મેયર શ્રીમતી અમીબેન પરીખ પણ ઉપસ્થિત હતા.
ઓશવાળ ગ્લોબલ મીટના કોઓર્ડિનેટર શ્રી પરાગભાઇ શાહે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કરતા ગુજરાતના વિકાસને વૈશ્વિક પ્રતિષ્ઠા અપાવવામાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વને શ્રેય આપ્યું હતું.