અત્યાર સુધીમાં ૯૦૦ ગરીબ કલ્યાણ મેળામાં ૮૦ લાખ લાભાર્થીઓને ૧૦,૫૦૦ કરોડ રૂપિયાના લાભોનું વિતરણ
નરેન્દ્રભાઇ મોદીઃ- ગરીબો માટે જન્મથી મૃત્યુ સુધી જીવનના દરેક ડગલે ને પગલે સરકાર પડખે ઊભી છે
ભૂતકાળની સરકારોએ કાગળો ઉપર યોજનાઓ કરીને ગરીબોનું શોષણ કર્યું... ચૂંટણીના આ વર્ષમાં પણ કાગળ ઉપર ગરીબોને લૂંટનારા નીકળી પડયા છે...
આ સરકારે દશ વર્ષથી ગરીબોના આવાસોનું અભિયાન ઉપાડીને ૧૬ લાખ આવાસો આપ્યા
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રાજ્યભરમાં ચાલી રહેલા ગરીબ કલ્યાણ મેળાના અભિયાનમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ચૂંટણીને ધ્યાનમાં લઇને ભૂતકાળની સરકારોની જેમ આજે પણ કાગળો પર યોજનાઓ બનાવીને ગરીબોનું શોષણ કરનારા નીકળી પડયા છે પરંતુ આ સરકારે તો ગરીબોને છેલ્લા દશ વર્ષથી "ઓટલો અને રોટલો' આપવાની સ્થાયી જીંદગીનો સેવાયજ્ઞ ઉપાડયો છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં ૯૦૦ ગરીબ કલ્યાણ મેળાઓમાં મળીને ૮૦ લાખ જેટલા ગરીબોના હાથમાં આ સરકારે રૂા. ૧૦, ૫૦૦ કરોડના લાભો સામે ચાલીને આપ્યા છે, એટલું જ નહીં ૨૦૦૧થી અત્યાર સુધીમાં ગરીબો માટે ૧૬ લાખ આવાસો પણ ફાળવી દીધા છે તથા સવા ત્રણ લાખ પ્લોટ આપ્યા છે. ગરીબ કલ્યાણ મેળામાં આવાસના પ્રથમ હપ્તાની સહાય પેટે રૂા. બે હજાર કરોડની રકમ સવા ચાર લાખ ગરીબોને મળવાની છે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતનો વિકાસ થયો તેથી આર્થિક સમૃદ્ધિ વધી છે અને સરકારની તિજોરીની આવકમાંથી ગરીબોને તેના હક્કના નાણાં વહેંચાઇ રહ્યા છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ વચેટિયાઓના હાથમાં ગરીબોના શોષણનો ગરાસ મૂકી દીધો હતો. આ સરકાર તો જીવનના હરેક ક્ષેત્રમાં ડગલેને પગલે ગરીબોની પડખે ઉભી રહી છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જન્મથી મરણ સુધી ગરીબોને સહાય રૂપ થવા માટેની રાજ્ય સરકારની અનેકવિધ ગરીબલક્ષી લાભાર્થી યોજનાઓની કામગીરીની વિગતો આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગરીબ સમાજોનો એક પણ વર્ગ એવો નથી જેના સુખ સમૃદ્ધિ માટેની યોજના નહીં હોય. ગરીબોના ધરમાંથી ગરીબી જશે, ગુટખા જશે તો શિક્ષણ આવશે, કુપોષણ અને વ્યસનમાંથી ગરીબ પરિવારોને મૂક્ત કરવાના આ સરકારના અભિયાનો સાચા અર્થમાં ગરીબોને ગરીબીમાંથી બહાર લાવશે.
આગામી પાંચમી સપ્ટેમ્બરથી અગિયારમી સપ્ટેમ્બર સુધી આખું સપ્તાહ ગુજરાતમાં ગુટખા મૂકિત સપ્તાહ તરીકે ઉજવીને ગરીબોને અને ખાસ કરીને યુવા પેઢીને જીવલેણ મોત અને કેન્સરમાંથી બચાવવાનું સામાજિક ક્રાંતિનું અભિયાન હાથ ધરાશે. ગુટખા ઉપરના પ્રતિબંધની રાજ્ય સરકારની જાહેરાતને સમાજની નારીશક્તિ-માતા અને બહેનોએ વ્યાપક આવકાર આપ્યો છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુટખા જશે તો ગરીબી પણ જશે, યુવાનોને કૌશલ્ય વિકાસ અને રોજગારીના અવસર મળશે. આવી સ્થિર સ્થાયી જીંદગી મળતાં શિક્ષણ આવશે અને ગરીબીમાંથી મૂકિત મળતાં સુખ-શાંતિના સપનાં સાકાર થશે. આ સરકારનો આ જ ગરીબ કલ્યાણ યજ્ઞ છે.
મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષે દુષ્કાળની પરિસ્થિતિને પણ આફતમાંથી અવસરમાં પલટાવવાની સાથે રાજ્યમાં અબોલ પશુજીવો માટે ધાસચારાની વ્યવસ્થા, પીવાના પાણીનો પ્રબંધ અને ગ્રામ વિસ્તારોમાં "નરેગા''ની યોજનાથી જળાશયો, ડેમો, તથા તળાવોના જળસંગ્રહાલયોના ઉત્પાદકીય કામો દ્વારા મોટાપાયે રોજગારી આપવાની અછતરાહતની કામગીરીની વિગતો પણ આપી હતી.
"આ સરકાર ટેકણલાકડીથી કે ટુકડાઓ ફેંકીને વિકાસના વચનો આપતી નથી, પરંતુ ગુજરાતના વિકાસમાં સૌને સાથે લઇને સૌને ભાગીદાર બનાવવા પ્રતિબદ્ધ છે. રાજ્યના યુવાનોને એમ્પાવર કોમ્પ્યુટર તાલીમ આપીને હજારો યુવાનોને તેના પ્રમાણપત્રો પણ આપી દીધા છે. પંચાયતી રાજની સ્વર્ણિમ જયંતીની ઉજવણીને ધ્યાનમાં રાખીને જેમણે પંચાયતના પ્રતિનિધિ તરીકે સેવાઓ કરેલી છે તેમનું સન્માન કરવાની પહેલ પણ પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને આ સરકારે કરી છે. ગામેગામ પંચાયતોના પૂર્વ પ્રતિનિધિઓનું સરકાર તરફથી સન્માન થઇ રહ્યું છે'' એમ તેમણે જણાવ્યું હતું.