સર્વશિક્ષા અભિયાન આયોજિત ઉપગ્રહ દ્વારા શિક્ષક સજ્જતા તાલીમ વર્ગની ૧૦ દિવસની શિબિરનો પ્રારંભ
ઉપગ્રહ કોમ્યુનિકેશન માધ્યમથી રાજ્યના ૪ર૬૮ CRC કેન્દ્રોમાં ઉપસ્થિત ર.ર૧ લાખ શિક્ષકોની સાથે સીધો સંવાદ
બાળકોમાં અમોધ શક્તિ સામર્થ્યનો પૂંજ છેઃ શિક્ષક ગુણોના પૂજારી બને
ગુણોત્સવ બોજ નથી - બાળપણને ખીલવા માટે ઉત્તમ શાળા છે
ધો. પ થી ૮ના નવા અભ્યાસક્રમ અને નિત્યનૂતન શૈક્ષણિક પ્રવાહોથી સુસજ્જ થવાનું મનનીય માર્ગદર્શન આપતા નરેન્દ્રભાઈ મોદી
ગુજરાતભરમાં બે લાખથી અધિક પ્રાથમિક શિક્ષકોને પ્રાથમિક શિક્ષણને ગુણવાન બનાવવાની પ્રેરણા આપતો મુખ્ય મંત્રીશ્રીનો એક કલાકનો વાર્તાલાપ
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગુજરાતના ર.ર૧ લાખ જેટલા પ્રાથમિક શિક્ષકોના ઉપગ્રહ મારફતે "શિક્ષકસજ્જતાતાલીમશિબિર''નો પ્રારંભ કરાવતાં પ્રાથમિક શિક્ષણને ગુણવાન બનાવવા, પોતાના શિક્ષક તરીકેના સામર્થ્યની પ્રતિતી કરાવવાનું પ્રેરક આહ્વાન કર્યું હતું.
ગાંધીનગરમાં બાઇસેગ સ્ટુડિયોમાંથી એજ્યુસેટ-ઉપગ્રહ મારફતે રાજ્યભરના ૪ર૬૮ CRC કેન્દ્રોમાં ઉપસ્થિત રહીને તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો દશ દિવસની તાલીમથી પ્રશિક્ષિત થવાના છે. તેમની સમક્ષ એક કલાક સુધી પ્રાથમિક શિક્ષણ દ્વારા રાજ્યના બાળકોની ઉજ્જવળ આવતીકાલના ધડતર માટેનું મનનીય માર્ગદર્શન મુખ્ય મંત્રીશ્રીએ વાર્તાલાપમાં આપ્યું હતું.
સાચા અર્થમાં શિક્ષક પોતે જ નિત્યનૂતન શૈક્ષણિક પ્રવાહો અને પરિવર્તનોને આત્મસાત કરનારો વિઘાર્થી છે એમ જણાવી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધો. પ થી ૮ના આ વર્ષના નવા શૈક્ષણિક અભ્યાસક્રમ, પાઠયક્રમ અને સર્વ શિક્ષા અભિયાનનું મિશન સફળ બનાવવા તથા ગુણોત્સવને આત્મસાત કરી ગુણોના પુજારી બનવાના શિક્ષકોને પ્રેરક દ્રષ્ટાંતો આપ્યા હતા.
બાળક તો શક્તિ સામર્થ્યનો પૂંજ છે અને શિક્ષકનો આરાધ્યદેવ તથા શાળાનું કેન્દ્રબિન્દુ બાળક છે તેથી બાળક અને શિક્ષકનો નાતો અદ્વૈત છે એની પ્રેરણા આપતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, હોશિયાર બાળક માનીતા અને નબળાની ઉદાસિનતા એવી બે આંખ શિક્ષકની હોઇ શકે જ નહીં, નબળાની તો વધુ કાળજી લેવાની છે. સારા વિઘાર્થીની પ્રત્યે મમતાની આંખ અને નબળાને આંખમાં રાખવાની માનસિકતા સાચા શિક્ષકની હોય જ નહીં એમ તેમણે માર્મિક દ્રષ્ટાંત આપતાં જણાવ્યું હતું.
આ તાલીમ શિક્ષકની લર્નિંગ પ્રોસેસમાં નવા મૌલિક ફેરફારોથી વર્ગ-શિક્ષણ ઉપરાંત બાળકના માનસ-ધડતરમાં નવી પ્રાણશક્તિ બને તેની ભૂમિકા સમજાવતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, શાળામાં સ્વચ્છતાનું વાતાવરણ બનશે તો પણ શિક્ષણનું આખું વાતાવરણ બદલાઇ જશે. બાળકના મનને અભ્યાસ માટે સહજ રીતે તૈયાર કરવામાં શિક્ષકનું કૌશલ્ય છે. આ હેતુસર શિક્ષકનો પ્રત્યેક વિઘાર્થીના વાલી-પરિવાર સાથે જીવંત સંપર્ક રહેવો જોઇએ. શિક્ષકની પ્રત્યે આદરભાવ તો જ જાગે જો બાળકનું મન શાળામાં તનાવ કે વિસંવાદિત બને નહીં.
ગુજરાતના કરોડ બાળકની આવતીકાલ કઇ રીતે બનાવવી છે તેની સતત ખેવના એ સાચા શિક્ષકની ઊર્જા છે એમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સરકારી શાળાની ભૌતિક સુવિધાથી લઇને બધા જ પ્રકારનું શૈક્ષણિક સવલતોનું ઉત્તમ વાતાવરણ છે ત્યારે સરકારી શાળામાં ભણતા ગરીબ બાળકની શક્તિ ખીલવવાનું શિક્ષકના હાથમાં જ છે.
આ સંદર્ભમાં તેમણે શિક્ષણ વિભાગને સરકારી શાળા અને ખાનગી શાળાની વચ્ચે સ્વચ્છતાની અને વિઘાર્થીઓ વચ્ચે બૌદ્ધિક ક્ષમતાની પ્રવૃત્ત્િાઓની સ્પર્ધા યોજવા સૂચવ્યું હતું.
ગુણોત્સવથી પ્રાથમિક શિક્ષણની ક્ષતિઓ અને ગુણવત્તાની વાસ્તવિક સ્થિતિ આપણી સમક્ષ છે ત્યારે શિક્ષક પરિવાર સામૂહિક સંકલ્પ કરે કે તેમની શાળા ""એ'' ગ્રેડની બને તે માટે કોઇ જ સમાધાનને અવકાશ નથી.
મુખ્ય મંત્રીશ્રી સાથે શિક્ષકોની પ્રશ્નોત્તરી દરમિયાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, આજના જમાનામાં ટેકનોલોજીનો પ્રભાવ જોતાં અને ગામેગામ કોમ્યુનિકેશન ટેકનોલોજીની સુવિધા ઉપલબ્ધ છે તેને ધ્યાનમાં રાખીને શિક્ષકોએ ટેકનોસેવી બનવું પડશે. આજની પેઢીના બાળકોમાં પ્રબુદ્ધ-કૌશલ્યનો આંક ધણો ઊંચો છે ત્યારે બાળ કેળવણીમાં શિક્ષકના સજ્જતાપૂર્વકના અભિગમ અને આચરણનો પ્રભાવ બાળમાનસ ઉપર પડવાનો છે.
આ વાર્તાલાપ વેળાએ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, પ્રાથમિક શિક્ષણ સચિવ શ્રી આર. પી. ગુપ્તા, સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેકટ ડિરેકટર શ્રી મનોજ અગ્રવાલ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત હતા.