મુખ્યમંત્રીશ્રીની જાહેરાતોઃ-
- રાજ્ય સરકારની નોકરીઓની ભરતીની ઉપલી વયમર્યાદામાં વધારો રપ વર્ષને બદલે ર૮ વર્ષ અને ર૮ વર્ષને બદલે ૩૦ વર્ષ
- અનુસૂચિત જાતિ-જનજાતિ-સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને મહિલાઓ માટે પણ સુધારેલી વયમર્યાદામાં વધુ પાંચ વર્ષની છૂટ
યુવાખેલાડીઓને પ્રોત્સાહનો
- રાષ્ટ્રીય રમતોમાં પ્રથમ ત્રણ ક્રમના વિજેતા ખેલાડીને મળતી રૂા. ૧૮૦૦ની શિષ્યવૃત્તિ વધીને રૂા. રપ૦૦ મળશે
- શાળા રમતોત્સવના ખેલાડીને રૂા. ૧ર૦૦ને બદલે રૂા.ર૦૦૦ અપાશે
હિન્દુસ્તાનને નિરાશાજનક બેઆબરૂ સ્થિતિમાં ધકેલી દેનારા કેન્દ્રીય શાસકોની શાન ઠેકાણે લાવવા યુવાનો મિજાજ બતાવે
વ્યાયામ સ્પર્ધામાં ફરજો બજાવતા વ્યાયામ શિક્ષકોના દૈનિક માનદ વેતન રૂા.૩૦ થી વધારી રૂા. ૧પ૦
વિંછીયા નવો તાલુકો બનશે
રાજકોટ મહાનગર બાંધકામ FSIમાં રપ ટકાનો વધારો
જામનગર મહાનગરમાં લો રાઇઝ બિલ્ડીંગ 1+૩ ને બદલે 1+૪ રહેશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રાજકોટમાં વિવેકાનંદ યુવા પરિષદમાં ઉપસ્થિત વિશાળ યુવાશકિતને આહ્વાન કર્યું હતું કે, હિન્દુસ્તાનનું ભાગ્ય બદલવાનો મિજાજ બતાવે અને દેશને નિરાશાજનક સ્થિતિમાં ધકેલી દેનારા વર્તમાન શાસકોની શાન ઠેકાણે લાવે. ગુજરાતની યુવાશકિતના નેતૃત્વ-વિકાસ અને બુધ્ધિબળ, ખેલ-કૌશલ્યને પ્રોત્સાહન આપવાની જાહેરાતો તેમણે કરી હતી.ગુજરાતની વિકાસયાત્રામાં યુવાનના સામર્થ્યને જોડવાની ભૂમિકા સાથે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્ય સરકારની નોકરીઓની ભરતીમાં ઉપલી વયમર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. હાલ રાજ્ય સરકારની નોકરી માટે ભરતીની ઉપલી વયમર્યાદા રપ વર્ષ છે તે વધારીને ર૮ વર્ષ કરવામાં આવી છે અને જે નોકરી માટે વયમર્યાદા ર૮ વર્ષ છે તે વધારીને ૩૦ વર્ષ કરી છે. આ સુધારેલી ભરતી વય મર્યાદામાં પણ અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગો અને મહિલાઓ માટે નોકરીની હાલની પાંચ વર્ષની વયમર્યાદાની છૂટછાટ પણ ચાલુ જ રહેશે એમ મુખ્યમંત્રીશ્રીએ યુવાનોના હર્ષનાદ વચ્ચે જાહેરાત કરતા જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી રાજ્યમાં યુવાનોને રમત-ગમત અને વ્યાયામ ક્ષેત્રે કૌશલય વર્ધન માટે વિવેકાનંદના સપના સાકાર કરવા માટે કેટલાક વધુ પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય રમત સ્પર્ધામાં પ્રથમ-દ્વિતીય-તૃતિય ક્રમે વિજેતા યુવા ખેલાડીઓને અપાતી રૂા. ૧૮૦૦ની શિષ્યવૃતિ વધારીને રૂા. રપ૦૦ અપાશે. શાળાકીય રમતોત્સવમાં ભાગ લેતા ખેલાડીને રૂા. ૧ર૦૦ મળતા હતા તે વધારીને રૂા. ર૦૦૦ કરવામાં આવ્યા છે.
તેમણે વ્યાયામ પ્રવૃત્તિમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા વ્યાયામ સ્પર્ધામાં ફરજ બજાવતા વ્યાયામ શિક્ષકોના દૈનિક માનદ્ વેતનની હાલની રૂા. ૩૦ની રકમ વધારીને દૈનિક રૂા. ૧પ૦ માનદ્ વેતન આપવાની પણ જાહેરાત કરી હતી. ગુજરાત સરકારમાં ૬ લાખ કર્મયોગીઓ છે અને છેલ્લા દશ વર્ષમાં ત્રણ લાખ નવા થનગનતા ટેકનોસેવી, શિક્ષિત યુવાનોની ભરતી સરકારી નોકરીઓમાં કરી છે અને ગુજરાતનો આખો પોલીસ બેડામાં ૩ર,૦૦૦ શિક્ષિત નવજવાનોની ભરતી કરી છે તેનાથી સમગ્ર દશેનો આ સૌથી યુવાન ટેકનોસેવી બેડો બની ગયો છે. ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસકૃતિક પ્રવૃતિ વિભાગના ઉપક્રમે વિવેકાનંદની ૧પ૦મી જ્યંતીના આ વર્ષમાં રાજ્યમાં સાત વિવેકાનંદ યુવા પરિષદોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ યુવા પરિષદ ભાવનગરમાં સફળ થઇ અને આજે રાજકોટમાં આ બીજી યુવા પરિષદમાં પણ યુવાશકિતનો સાક્ષાત્કાર થયો હતો.
આજે શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ૬૩મો જન્મદિવસ છે અને મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની ભેટ તરીકે આજે યુવા પરિષદમાં સરકારી નોકરીઓ અને ખેલાડીઓ માટે થયેલી જાહેરાતોને યુવાઓએ અભૂતપૂર્વ હર્ષોલ્લાસથી આવકાર આપ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઓલિમ્પીક બ્રોન્ઝ મેડલ વિજેતા શૂટર ગગન નારંગ, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારાનું સન્માન કરવામાં આવ્યું હતું અને વિવેકાનંદ યુવા કેન્દ્રો માટે રમત-ગમત સાધનોની કિટસનું વિતરણ પણ તેમણે કર્યું હતું.
ર૧મી સદીમાં પણ હિન્દુસ્તાનની ૬૦ કરોડ વસતિ અંધકારમાં ડૂબી ગયેલી અને વીજળી માટે વલખાં મારતી હતી ત્યારે એક માત્ર ગુજરાત વીજળીથી ઝળહળતું હતું તે દુનિયાએ નિહાળ્યું છે શું આ ગુજરાત કરી શકે તો દેશ કેમ ના કરી શકે? પણ કેન્દ્રના શાસકોને આ દેશના આબરુ, ગૌરવ કે સ્વાભિમાનની પરવા નથી એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. એક કોંગ્રેસી નેતાએ રાહુલ ગાંધી અને કેન્દ્ર મોદીની તુલના થઇ શકે નહીં તેવી આલોચના કરી છે તેનો નિર્દેશ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાહુલ ગાંધી રાષ્ટ્રીય નેતા નહીં આંતરરાષ્ટ્રીય નેતા છે. ભારત જ નહીં, ઇટાલીથી પણ ચૂંટણી જીતી શકે છે. હું તો ગુજરાતની સેવામાં આજીવન કાર્યરત છું. છ કરોડ ગુજરાતીઓના પ્રેમમાં પાગલ છું.
ગુજરાતના યુવાનોને રમત-ગમત ક્ષેત્રે નવી ઉંચાઇઓ ઉપર પોતાનું સામર્થ્ય બતાવે તેવા અવસરો આપવા સ્પોર્ટસ યુનિવર્સિટી સ્થાપી છે અને તેમાં ગગન નારંગ જેવા રાષ્ટ્રીય ગૌરવ ધરાવતા ખેલાડીનું યોગદાન લેવાશે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વિદેશી મૂડીરોકાણને રિટેઇલ સેકટરમાં પ્રવેશ આપવાની કેન્દ્ર સરકારની નીતિનો સખત શબ્દોમાં વિરોધ કરતાં નાના વેપારી, લધુ ઉત્પાદકો, છૂટક ધંધા-રોજગારોને તાળાં મારવાનું પાપ કેન્દ્રએ કર્યું છે ત્યારે ગુજરાતના યુવાનો, આ દેશના યુવાનો મજૂરો-કામદારો, ધંધા-રોજગાર કરનારાના હિતમાં કેન્દ્રના આ નિર્ણય સામે ચૂપ બેસી રહે નહીં તેવી અપીલ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસ જેવી સવાસો વર્ષ જૂની પાર્ટીની કેન્દ્ર સરકારે ર૦૦૪ અને ર૦૦૯માં જે વચનો આપેલાં તેને પાળવાની દરકાર કરી નથી અને જનતાને આંબા આંબલી બતાવી ર૧મી સદીમાં હિન્દુસ્તાનને ડૂબાડવાનું પાપ વોટબેન્કની રાજનીતિથી કર્યું છે તેવો સ્પષ્ટ આક્ષેપ પણ કર્યો હતો. આ પ્રસંગે યુવાસાંસદ અને પ્રસિધ્ધ ક્રિકેટરશ્રી નવજોતસિંહ સિધ્ધુએ આ વિવેકાનંદ યુવા-પરિષદમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવા ભાઇ બહેનોને જોશીલી શૈલીમાં ઉદબોધન કર્યુ હતું અને સ્વામી વિવેકાનંદના આદર્શોને અનુસરવા તેમજ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત અવિરત નવી ઉચાઇઓ હાંસલ કરશે તેવી અભિલાષા વ્યકત કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચનમાં રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દિલીપભાઇ સંધાણીએ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતુ કે સમગ્ર દેશમાં જયારે દિશાહીનતા પ્રવર્તી રહી છે, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને વિકાસની નવી રાહ પર લાવીને મુકયું છે. ગુજરાતના યુવાનોને યોગ્ય દિશા દેખાડનાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દેશને પ્રભાવિત કર્યો છે. એમ જણાવતા શ્રી સંધાણીએ ઉમેર્યુ હતુ કે વ્યકિતમાં પડેલી શકિતને પારખીને તેને યોગ્ય દિશામાં વાળવાનું પ્રશસ્ય કાર્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યુ છે. જે બદલ તેઓ અભિનંદનના અધિકારી છે.
વિશ્વ પ્રસિધ્ધ ખેલાડીઓનું સન્માન
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ વિવેકાનંદ યુવા પરિષદમાં ઉપસ્થિત રહેલા વર્ષ ૨૦૧૨માં લંડનમાં યોજાયેલી ઓલ્મ્પીક ખેલકુદ રમતોમાં એવોર્ડ વિજેતાશ્રી ગગન નારંગનું તેમજ વિશ્વપ્રસિધ્ધ ક્રિકેટ ખેલાડીઓ રાજકોટના શ્રી ચૈતેશ્વર પૂજારા તથા જામનગરના શ્રી રવિન્દ્રસિંહ જાડેજાનું હજારો યુવાનોની કિકિયારીઓ અને હર્ષનાદો વચ્ચે અદકેરૂ સન્માન કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ જિલ્લાના વિવિધ ખેલકૂદ સ્પર્ધામાં વિજેતા થયેલા અને ગુજરાતનું ગૌરવ વધારનાર ખેલાડી ભાઇ-બહેનોનું પણ હર્ષનાદો વચ્ચે અભિવાદન અને સન્માન કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીનું વહિવટી તંત્ર દ્વારા સન્માન
આ પ્રસંગે રાજકોટ શહેર અને જિલ્લા વહિવટી તંત્ર વતી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું તેમના જન્મદિન નિમિતે અભિવાદન કરાયું હતું. રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી દિલીપભાઇ સંધાણી તથા રાજકોટના પ્રભારી સચિવશ્રી રાજગોપાલ, જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પટેલ તેમજ રાજકોટના મેયરશ્રી જનકભાઇ કોટક, મ્યુનિ. કમિશ્નરશ્રી અજય ભાદુ, પુર્વ મેયરશ્રી ધનસુખભાઇ ભંડેરી તેમજ જિલ્લાના આગેવાનોએ મુખ્યમંત્રીશ્રીનું સન્માન કર્યુ હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર વતી કુલપતિ શ્રી એમ.કે.પાડલિયા તથા સીન્ડીકેટ સભ્યશ્રીઓ વગેરેએ મુખ્યમંત્રીશ્રીનું સન્માન કર્યુ હતું.
આ પ્રસંગે રમતગમત ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરનાર ખેલાડીઓનું રાજયના નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્તે શાલ ઓઢાડી ગૌરવપ્રદ સન્માન કર્યુ હતુ જેમાં ક્રિકેટરશ્રી જયદેવ શાહ, ટેબલ ટેનિસ ખેલાડી શ્રી જુહી કોઠારી, તરણ સ્પર્ધામાં ખેલાડી સર્વશ્રી રાજવી જે કનૈયા, શ્રી જયપાલ ઉપાધ્યાય, શ્રી હેમરાજ પટેલ, ક્રિકેટરશ્રી પવનકુમાર, ક્રિકેટરશ્રી રાજીવકુમાર તેમજ મંત્રીશ્રી વસુબેન ત્રિવેદીએ યોગા ખેલાડી કુમારી રશ્મી ખડભાવા, શ્રી દિપકસિંહ તળાવિયા તથા શ્રી ભારતીબેન પરસાણાને સન્માનિત કર્યા હતા.
સ્વામી વિવેકાનંદ યુવા પરિષદમાં ૪૦૦ જેટલા યુવકો સ્વામિ વિવેકાનંદના પરિવેષમાં રજુ થઇ વાતાવરણ જીવંત બનાવી દીધું હતું તેમજ ૬૨ જેટલા ઢોલી અને શરણાઇવાળાએ તથા યુવકો નવરાત્રિના પહેરવેશ સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણ ઉત્સાહપૂર્ણ કરી દીધું હતું
આ સમારોહમાં રાજયના નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા તેમજ ઉચ્ચશિક્ષણ રાજયમંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદી, ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા, પછાત વર્ગ કલ્યાણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર, પૂર્વ સાંસદશ્રી વિજયભાઇ રૂપાણી, ગુજરાત ગૌ સેવા આયોગના અધ્યક્ષશ્રી ડો. વલ્લભભાઇ કથીરીયા, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી ભાનુબેન બાબરીયા, શ્રી ભરતભાઇ બોધરા, શ્રી પ્રવિણભાઇ માંકડીયા, શ્રી કાંતિભાઇ અમૃતીયા, શ્રી જશુબેન કોરાટ, શ્રી વંદનાબેન મકવાણા, રાજકોટના મેયરશ્રી જનકભાઇ કોટક, તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ હંસાબેન પારેધી ઉપરાંત અગ્રણીશ્રી લાલજીભાઇ સાવલીયા, પુર્વ સાંસદશ્રી હરિભાઇ પટેલ, બી.સી.સી.આઇ.ના પુર્વ સેક્રેટરીશ્રી નિરંજનભાઇ શાહ વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવશ્રી રાજગોપાલ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિના સચિવશ્રી ભાગ્યેશ ઝહા તેમજ પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડીરેકટરશ્રી ગીરીશભાઇ શાહ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિશાળ સમીયાણામાં મોટી સંખ્યામાં યુવા ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને શુભકામનાઓ પાઠવી હતી.