મહાનુભાવો,
આપ સૌએ આપેલા મૂલ્યવાન સૂચનો અને સકારાત્મક વિચારોને હું આવકારું છું. ભારતની દરખાસ્તોનો આદર કરું છું, મારી ટીમ તમારી સાથે બધી વિગતો શેર કરશે, અને આપણે સમયબદ્ધ રીતે તમામ વિષયો પર આગળ વધીશું.
મહામહિમ,
ભારત અને કેરિકોમ દેશો વચ્ચેના સંબંધો આપણા સહિયારા ભૂતકાળના અનુભવો, વર્તમાન સમયની આપણી સહિયારી જરૂરિયાતો અને ભવિષ્ય માટે આપણી સહિયારી આકાંક્ષાઓ પર આધારિત છે.
ભારત આ સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. અમારા તમામ પ્રયાસોમાં અમે ગ્લોબલ સાઉથની ચિંતાઓ અને તેની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ભારતની અધ્યક્ષતા હેઠળ ગયા વર્ષે જી 20 ગ્લોબલ સાઉથના અવાજ તરીકે ઉભરી આવ્યું હતું. ગઈકાલે બ્રાઝિલમાં પણ વૈશ્વિક સમુદાયને ગ્લોબલ સાઉથના દેશોને પ્રાધાન્ય આપવા હાકલ કરી હતી.
મને પ્રસન્નતા છે કે ભારત અને આપણા તમામ કેરિકોમ મિત્રો સંમત થયા છે કે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા જરૂરી છે.
તેઓએ પોતાની જાતને આજની દુનિયા અને આજના સમાજ માટે ઢાળવાની જરૂર છે. આ સમયની માંગ છે. આ બાબતને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે કેરિકોમનો ગાઢ સહકાર અને સમર્થન ઘણું જ મહત્વપૂર્ણ છે.
મહાનુભાવો,
આજે આપણી બેઠકમાં લેવાયેલા નિર્ણયો દરેક ક્ષેત્રમાં આપણા સહકારમાં નવા આયામો ઉમેરશે. ભારત-કેરિકોમ સંયુક્ત પંચ અને સંયુક્ત કાર્યકારી જૂથોએ તેનો અમલ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાની છે.
આપણા સકારાત્મક સહયોગને આગળ વધારવા માટે હું પ્રસ્તાવ મૂકું છું કે ભારતમાં ત્રીજી કેરિકોમ સમિટનું આયોજન કરવામાં આવે.
ફરી એક વાર હું રાષ્ટ્રપતિ ઇરફાન અલી, પ્રધાનમંત્રી ડિકોન મિશેલ, કેરિકોમ સચિવાલય અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું.