મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા ચીનના ભારતસ્થિત રાજદૂત શ્રીયુત ઝીયાંગ યાન (Mr. ZHANG YAN) એ ગુજરાત સાથે સાંસ્કૃતિક સંબંધોના સેતુ પ્રસ્થાપિત કરવાની સાથે ગુજરાત જેવા દેશના અગ્રીમ વિકાસશીલ રાજ્યમાં ચીનના આર્થિક સંબંધો વ્યાપક ફલક ઉપર વિકસાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો.
ઇન્ડિયા-ચાઇના ઇકોનોમિક એન્ડ કલ્ચરલ કાઉન્સીલના ચોથા ચેપ્ટર તરીકે ગુજરાતમાં સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના અને તેના સંદર્ભમાં ચીનના ભારતસ્થિત રાજદૂત શ્રીયુત ઝાંગ યાને આગામી સપ્ટેમ્બરમાં કૈલાસ માનસરોવરના યાત્રા પ્રવાસની રૂપરેખા આપી હતી અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને ચીનના પ્રવાસ માટે ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું જેનો વિધેયાત્મક પ્રીતભાવ મુખ્યમંત્રીશ્રીએ આપ્યો હતો.
ગુજરાત અને ચીન વચ્ચેના બુધ્ધકાલિન પુરાતન સાંસ્કૃતિક સંબંધો, ચીન અને ગુજરાતની જનતાના ટ્રેડર્સમાંથી મેન્યુફેકચરીંગ કૌશલ્યની ઉઘમશીલતાની સામ્યતા, જહાજવાડાના કૌશલ્ય નિર્માણનું સામર્થ્ય વિશેની વિશિષ્ઠતાઓની ભૂમિકા મુખ્યમંત્રીશ્રી પાસેથી જાણીને ચીનના રાજદૂત અત્યંત પ્રભાવીત થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત અને ચીન વચ્ચે આર્થિક, ઔઘોગિક વાણીજ્યક સંબંધોની વ્યાપાક ફલક ઉપર વિકાસની વિશેષ સંભાવનાઓનો વિગતવાર નિર્દેશ કરી જણાવ્યું કે ગુજરાતમાં ચીનની ભાગીદારી માટે ખૂબ જ મોટો અવસર છે. લો- કોસ્ટ મેન્યુફેકચરીંગ યુનિટો માટે ચીનની કંપનીઓ માટે ગુજરાત સૌથી વધુ અનુકુળ છે કારણ કે, ગુજરાતમાં શ્રમ-રોજગાર ક્ષેત્રે સંપૂર્ણ સુમેળ અને શૂન્ય સપાટીએ માનવદિન નુકશાની, બ્રોડબેન્ડ કનેકટીવિટી, ૨ર૦૦ કી.મી.ની. ગેસગ્રીડ, ર૪ કલાક વીજપુરવઠો અને માળખાકીય સુવિધાઓનું સાનુકુળ વાતાવરણ છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં માળખાકીય સુવિધા વિકાસના આધુનિકતમ પ્રોજેકટમાં ચીનને ભાગીદાર થવા ઇંજન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત અને ચીન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને સુદ્રઢ બનાવવાની દિશામાં ગુજરાતના ચીન કલ્ચરલ સેન્ટરના ઉપક્રમે ચાઇનીઝ ભાષાના વર્ગોનું પ્રશિક્ષણ અને ચાઇનીઝ વેજીટેરિયન ફૂડના કુકીંગ કલાસ-વિકાસની બાબતે પણ ઇજન આપ્યું હતું, જેનો ચીનના રાજદૂતને સહર્ષ સ્વીકાર કર્યો હતો. તેમણે ગુજરાતમાં પ્રવાસન વિકાસ, પોર્ટ ડેવલપમેન્ટ, કોટન અને કેસ્ટર ઓઇલની ચીનમાં આયાત તથા ચીનની કંપનીઓ અને ગુજરાત વચ્ચે ભાગીદારીનું ફલક વિકસાવવા રાજ્ય સરકારના અભિગમની ભરપૂર પ્રસંશા કરી હતી.
આ બેઠકમાં ઇન્ડો-ચાઇના કલ્ચરલ સેન્ટરના પદાધિકારીઓ, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા અને ઉઘોગના અગ્ર સચિવશ્રી મહેશ્વર શાહુ ઉપસ્થિત હતા.