વડાપ્રધાને યોજેલી આંતરિક સુરક્ષા માટેની રાજ્યોના મુખ્ય મંત્રીશ્રીઓની પરિષદમાં ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીના રાષ્ટ્રની સુરક્ષા સુદૃઢ બનાવવા કેન્દ્રને પથદર્શક સૂચનો
આંતરિક સુરક્ષા જેવી ગંભીરતમ બાબતમાં પણ કેન્દ્ર સરકારની ઉદાસીનતાની આકરી ટીકા
આંતરિક સુરક્ષાની વિશ્વસનિય વ્યૂહરચનાને સર્વાધિક પ્રાધાન્ય આપો
રાજ્યોના અધિકારો છીનવી લઇને આંતરિક સુરક્ષા માટેના કાયદાઓમાં કેન્દ્રનો એકાધિકાર દેશને સંકટમાં મુકશે
સંરક્ષણ સેના અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ-અવિશ્વાસનું વાતાવરણ દૂર કરો
રાજ્યોને વિશ્વાસમાં લઇને આંતરિક સલામતીની રણનીતિ તૈયાર થાય
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવી દિલ્હીમાં આંતરિક સુરક્ષા અંગે વડાપ્રધાનશ્રીએ યોજેલી રાજ્યોના મુખ્ય મંત્રીશ્રીઓની પરિષદમાં આંતરિક સલામતી જેવા રાષ્ટ્રીય હિતની ગંભીરતમ બાબતમાં કેન્દ્ર સરકારની ઉદાસિનતાની ટીકા કરી હતી અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આંતરિક સુરક્ષા માટે રાજ્યોના મુખ્ય મંત્રીશ્રીઓ સર્વાધિક પ્રાથમિકતા સાથે પરિશ્રમ કરી રહ્યા હોય એવા સંજોગોમાં કેન્દ્ર સરકાર મુખ્ય મંત્રીશ્રીઓનાં અનુભવી સૂચનોને ધ્યાનમાં લેવાને બદલે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે અવિશ્વાસ અને વિવાદ વકરે એવા એકપક્ષીય નિર્ણયો લઇ રહી છે જે દેશને વધુ ધેરા સંકટ ભણી દોરી જશે.
વડાપ્રધાન ર્ડા. મનમોહનસિંહ, ગૃહ મંત્રી શ્રી પી. ચિદમ્બરમ્ અને નાણા મંત્રી શ્રી પ્રણવ મુખરજીની ઉપસ્થિતિ અને ર૪ રાજ્યોના મુખ્ય મંત્રીશ્રીઓની આ પરિષદમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે આંતરિક સલામતીની આખી જ બાબતને સર્વગ્રાહી પરિપ્રેક્ષ્યમાં સર્વાધિક એજન્ડા તરીકે હાથ ધરવાની જરૂર છે. રાજ્યોને નબળા પાડવાની અને કેન્દ્ર સરકાર દ્વારા આંતરિક સુરક્ષા માટેના રાજ્યોના અધિકારોને છીનવી લઇને રાજ્યો પાસે જે જવાબદારીની અપેક્ષા રાખે છે તે કઇ રીતે મૂર્તિમંત થશે એવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો.
આ સંદર્ભમાં મુખ્ય મંત્રીશ્રીએ સચોટ દ્રષ્ટાંતો આપતાં જણાવ્યું કે, નેશનલ કંટ્રોલ ઓફ ટેરરિસ્ટ સેન્ટર્સ (NCTC) બાબતે રાજ્યોના મુખ્ય મંત્રીશ્રીઓના ઉગ્ર વિરોધ પછી વડાપ્રધાને અલગ ચર્ચા માટે સંમતિ આપી પરંતુ રેલવે પ્રોટેકશન ફોર્સ (RPF) એકટ અને હવે બોર્ડર સિકયોરિટી ફોર્સ (BSF) એકટમાં સુધારા દાખલ કરીને રાજ્યોના અધિકારો અને રાજ્યની પોલીસનું મનોબળ નબળું પાડવાની માનસિકતા કેન્દ્ર શા માટે ધરાવે છે?
આ જ સંદર્ભમાં, મુખ્ય મંત્રીશ્રીએ મિલીટરી દળોના અફસરોને Limited Compedtitive Exam પોલીસીના નામે રાજ્યોના પોલીસ અધિકારીઓ તરીકે નિમણૂંક આપવાની કેન્દ્રના ઇરાદા સામે પણ વિરોધ વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, દેશની સેનાઓમાં જ અફસરોનો મોટો બેકલોગ છે ત્યારે દેશની સીમા સુરક્ષા સામે સંકટો ખડા કરીને સેના-અફસરોને રાજ્ય પોલીસદળમાં નિયુકત કરવાને બદલે આર્મીમાં ઓફિસર્સ ભરતીની ઝૂંબેશ કેમ હાથ ધરાય નહીં? શા માટે રાજ્ય પોલીસ અને સેના વચ્ચે તનાવ-વિવાદની સ્થિતિ ઉભી કરવામાં આવે છે?
મુખ્ય મંત્રીશ્રીએ દેશની સુરક્ષા બાબતે સંરક્ષણ સેના દળો અને કેન્દ્ર સરકાર વચ્ચે તાજેતરના મહિનાઓમાં સર્જાયેલા ખુલ્લા વિવાદ અને અવિશ્વાસની સ્થિતિને નવા સંકટ સમાન ગણાવી હતી અને આ પ્રકારના વિવાદનો અંત લાવવા કેન્દ્ર સરકાર પ્રોએકટીવ બને તેમ જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ "આંતરિક સુરક્ષા' અને "બહારની સુરક્ષા' પરસ્પર અવિભાજ્ય અને સંલગ્ન છે તેના ઉપર ભાર મુકતાં જણાવ્યું કે, ભારત સરકારના વિદેશી બાબતો અને વાણિજય મંત્રાલયોનો આંતરિક સુરક્ષા સંબંધી બાબતો અંગે કોઇ સંબંધ હોય તેની અનુભૂતિ થતી નથી. દેશદ્રોહી ગુનેગારો ભારત છોડીને વિદેશ જતા રહે છે અને વિદેશની ધરતી ઉપર રાષ્ટ્રીય સુરક્ષા સામેના ષડયંત્રો કરે છે ત્યારે ભારત સરકારના વિદેશ અને વાણિજ્ય મંત્રાલયો આ બાબતે કેટલા સક્રિય છે? વિદેશમાં ભાગેડું ગુનેગારોને દેશમાં લાવી સજા માટેની કાર્યવાહી કરવા આ મંત્રાલયોની ભૂમિકા સુનિヘતિ થવી જોઇએ એવું સૂચન તેમણે કર્યું હતું.
આંતરિક સુરક્ષાની સર્વગ્રાહી વ્યૂહરચના અંગેનું સૂચન કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, દર વર્ષે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં, ગૃહ પ્રધાનની ઉપસ્થિતિમાં આખો દિવસ મુખ્ય મંત્રીશ્રીઓ અનેક સૂચનો કરે છે તે પછી ગૃહ મંત્રાલય એકશન ટેકન રિપોર્ટ તૈયાર કરે છે જેને Key Action Note ગણીને સરકયુલેટ કરાય છે પણ આ વર્ષે આવા એકશન ટેકન રિપોર્ટમાં કયાંય કોઇ મુખ્ય મંત્રીશ્રીના સૂચનોનો પણ ઉલ્લેખ નથી. આટલી હદે આંતરિક સુરક્ષા બાબતે કેન્દ્ર સરકાર ઉદાસિન રહી છે અને રાજ્યોની જવાબદારીની સલાહ આપે છે.
કેન્દ્રને આંતરિક સુરક્ષા અને વિકાસની સર્વગ્રાહી વ્યૂહરચનાનો નવો દ્રષ્ટિકોણ અપનાવવાનું સૂચવતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, કચ્છમાં પાકિસ્તાન સરહદે સરક્રીકની કોસ્ટલ સિકયોરીટીના વિસ્તારમાં ભૂગર્ભમાં પેટ્રો-એનર્જી હાઇડ્રોકાર્બનનો ભંડાર છે તેના એક્ષ્પ્લોરેશન માટે તજજ્ઞોનું ટાસ્કફોર્સ બનાવીને બી.એસ.એફ.ની ટેકનીકલ વિંગને જોડવાથી દેશના આર્થિક વિકાસમાં નવી તાકાત મળશે અને બોર્ડર-કોસ્ટલ સિકયોરિટી વધુ મજબૂત બનશે. આ જ પ્રમાણે ગુજરાત-રાજસ્થાન સીમાવર્તી ક્ષેત્રમાં સૂર્યશકિતનું ઉત્તમ સોલાર રેડિયેશન છે ત્યારે બોર્ડર સિકયોરિટી ફોર્સ દ્વારા સોલાર પાર્ક બને તેવી વ્યૂહરચના અપનાવવી જોઇએ. કચ્છમાં સીમા સુરક્ષા બળો (BSF) માટે ગઢુલી-સાંતલપુર રોડનું નિર્માણ સુરક્ષાની દ્રષ્ટિએ અગ્રતાક્રમે છે પરંતુ કેન્દ્રનું પર્યાવરણ મંત્રાલય તેને માત્ર "માર્ગ' ગણીને મંજૂરી જ આપતું નથી. આ માનસિકતા બદલવી જોઇએ, એમ તેમણે જણાવ્યું હતું.
ઇન્ટેલિજન્સ સર્વિસ બાબતે કેન્દ્ર સરકારના દાવાને પડકારતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, કેન્દ્રીય એજન્સીઓ જ ૯૭ ટકા ઇન્ટેલીજન્સ ઇનપુટ રાજ્યોને આપે છે અને રાજ્યોની ઇન્ટેલીજન્સ સેવાનો માત્ર ત્રણ ટકાનો ફાળો છે, એમ કહીને રાજ્યોને ઉતારી પાડવાનું અને રાજ્ય પોલીસનું મનોબળ તોડવાનું આ વલણ ઉચિત નથી. કેન્દ્ર સરકાર આ દાવો કયા માપદંડોને આધારે કરે છે તેનું "શ્વેતપત્ર' બહાર પાડવાની અને આવા પેરામીટર્સની તજજ્ઞ પેનલ દ્વારા સમીક્ષા કરવાની માંગણી તેમણે કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, વાસ્તવમાં તો રાજ્ય પોલીસની કોન્સ્ટેબ્યુલરીની ઇન્ટેલીજન્સ સેવા સૌથી ઉત્તમ છે.
ગુજરાતે તો ધણા સમયથી ઓલ ઇન્ડિયા ઇન્ટેલીજન્સ સર્વિસની સ્વતંત્ર કેડર ઉભી કરવાની કેન્દ્ર પાસે માંગ કરેલી છે અને રિજનલ ઇન્ટેલીજન્સ ટ્રેઇનીંગ સેન્ટર્સ દ્વારા ઇન્ટેલીજન્સ પર્સનલના કૌશલ્ય સંવર્ધન અંગે પણ રજૂઆત કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ દેશના બધા સુરક્ષા બળોમાં માનવ સંસાધન વિકાસના પ્રશિક્ષણની વ્યવસ્થા અંગે પણ સૂચન કર્યું હતું. ગુજરાત પોલીસમાં આજે દેશનું સૌથી યુવા પોલીસદળ છે અને મોટી સંખ્યામાં ટેકનોસેવી યુવાનો જોડાયેલા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ સુરક્ષા માટે સેના અને રાજ્ય પોલીસ સહિત સુરક્ષા કર્મીઓ માટે આધુનિક શસ્ત્રો સરંજામ અને દારૂગોળાની જે ખેંચ વર્તાય છે તેનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, દેશમાં સુરક્ષાની પૂર્વતૈયારી સંદર્ભમાં શસ્ત્ર-દારૂગોળાના પુરવઠાની જરૂરિયાત, રાજ્યોની માંગ-પુરવઠાની સ્થિતિ, ઉપલબ્ધી, શસ્ત્રોની આયાત વગેરે અંગે પણ સર્વગ્રાહી સમીક્ષા અને નીતિ ધડવાની જરૂરી છે.
મુખ્ય મંત્રીશ્રીએ દેશમાં મોટા રેલ્વે સ્ટેશનો, ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ અને બસ સ્ટેશનોની આંતરિક સુરક્ષાની દ્રષ્ટિએ એરપોર્ટ સિકયોરિટીની જેમ જ હાઇટેક સુરક્ષાની વ્યૂહરચના તૈયાર કરવા સૂચવ્યું હતું.
કેન્દ્રીય બજેટમાં "સુવર્ણ'(GOLD)ની જોગવાઇ વિષયક મુખ્ય મંત્રીશ્રીએ એવી દહેશત વ્યકત કરી હતી કે ત્રણ-ચાર દાયકા પહેલાં સોનાની દાણચોરીનું દૂષણ વકરેલું તે સ્થિતિ ઉભી થાય નહીં તેવી દરકાર લેવાવી જોઇએ.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં કોસ્ટલ સિકયોરિટી માટે રૂા. ૩૬ર કરોડનો પ્લાન કેન્દ્ર સરકાર સમક્ષ વર્ષોથી મુકેલો છે. પરંતુ કેન્દ્રએ ફાળવ્યા છે માત્ર રૂા. પર કરોડ ! રાજ્ય સરકારની યાંત્રિક બોટોની માંગ ખરીદીને પૂરી કરી પણ તેના નિભાવ-દુરસ્તી માટે કોઇ જ વ્યવસ્થા થતી નથી તેનું દુઃખ વ્યકત કરી તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે મરીન પોલીસ ટ્રેઇનીંગ ઇન્સ્ટીટયુટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતની સ્થાપના પછીનો એક આખો છેલ્લો દશકો સંપૂર્ણ શાંતિથી વીત્યો છે અને તેના કારણે ગુજરાત સર્વાંગી વિકાસનું મોડેલ બન્યું છે.
આ પરિષદમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પટેલ, અધિક મુખ્ય સચિવ શ્રી વરેશ સિંહા, મુખ્ય મંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી જી. સી. મુર્મુ, પોલીસ મહાનિર્દેશક શ્રી ચિતરંજનસિંહ, નિવાસી કમિશનર શ્રી ભરત લાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.