કૃષિ મહોત્સવ
વિડીયો કોન્ફરન્સથી ખેડૂતો સાથે મુખ્ય મંત્રીશ્રીનો સાંધ્ય વાર્તાલાપ ઉપક્રમ
ખેતીવાડી ક્ષેત્રે આર્થિક સંસાધનોથી કયારેય ઉણપ નહીં આવવા દેવાય
સહકારી કૃષિ ધિરાણના વ્યાપક સહાય-ફલકની ભૂમિકા આપતા નરેન્દ્રભાઈ મોદી
ર૭ લાખ ખેડૂત ખાતેદારો લાભાર્થી
કૃષિ મહોત્સવ પોતે જ ખેડૂતો માટે કલ્પવૃક્ષ બની રહ્યો છેઃ નરેન્દ્રભાઈ મોદી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે કૃષિ મહોત્સવમાં આવેલા ખેડૂતો સાથે સાંધ્ય વાર્તાલાપની શ્રેણીમાં જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ પોતે જ કલ્પવૃક્ષ બની ગયો છે.નાણાના અભાવે ખેડૂતોને મુશીબતમાં મુકવાની નોબત નહીં આવે તેમ પણ તેમણે કૃષિલક્ષી ધિરાણની સિદ્ધિ વર્ણવતાં જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેતી માટે ચિંતા કરનારા કર્મયોગીઓ અને ખેડૂતો-પશુપાલકોએ ગુજરાતમાં ભરઉનાળે પણ સુખની અનુભૂતિ કરાવી છે, એમ જણાવી ઉમેર્યું કે, આ વર્ષે પશુ આરોગ્ય મેળાના અભિયાન જોડીને અબોલ પશુજીવોની પણ એટલી જ ચિંતા કરી છે. ખેતીક્ષેત્રે કેટકેટલી સિદ્ધિ નીતનવા ક્ષેત્રે થઇ છે તેની ઝાંખી કૃષિ મહોત્સવે કરાવી છે.
ગુજરાતમાં ર૭ લાખ ખેડૂત ખાતેદારો સહકારી બેન્કીંગમાંથી કૃષિ ધિરાણ મેળવે છે અને ૮ર૧૧ સહકારી ધિરાણ મંડળીઓ દ્વારા આજે કુલ રૂ. ૮૦૦૦ કરોડનું કૃષિ ધિરાણ મળે છે એનાથી ખેડૂતના હૈયામાં આર્થિક હામ આવી છે. લાંબી મુદતના કૃષિ ધિરાણમાં દોઢગણો વધારો કર્યો છે.
ભારત સરકારે સહકારી બેન્કો દ્વારા કૃષિલક્ષી ધિરાણ માટે વ્યાજમાં રાહત આપી નથી. પરંતુ આ સરકારે સહકારી બેન્કને સાત ટકા વ્યાજે કૃષિ ધિરાણ આપે તો તેમાં બે ટકા રાહત વ્યાજમાં આપી ત્રણ વર્ષમાં રૂ. ૧પ૦ કરોડ આપ્યા છે. ભારત સરકારે ગુજરાતના સહકારી બેન્કના ખાતેદારોને અન્યાય કર્યો છે પણ ગુજરાત સરકારે તો ખેડૂતોને પણ સહકારી બેન્કોના કૃષિ ધિરાણમાં બે ટકા વ્યાજ રાહત આપી છે. આ ઉપરાંત કૃષિ સંલગ્ન આર્થિક પ્રવૃત્ત્િા કરતી ૧૬,૦૦૦ ઉપરાંત સખીમંડળોને રૂ. ર૦ કરોડની વ્યાજ રાહત પાંચ ટકા લેખે આપી છે. રત્નકલાકાર પ્રવૃત્ત્િાના ખેડૂતોને તો ત્રણ ટકા ખાસ વ્યાજ રાહત આપી છે કારણ કે, સૌરાષ્ટ્રમાં ખેતી ભાંગી પડી હતી તેમાંથી ઉભા કરવાની નેમ રાખી છે.
ગુજરાતની સાત જિલ્લા સહકારી બેન્કોના લાયસન્સ રદ કરવાનું ફરમાન રીઝર્વ બેન્કે કરી દીધું ત્યારે આ સરકારે જ રૂ. ૮૪ કરોડ નાણાં ચુકવીને આ સાતેય જિલ્લા સહકારી બેન્કોને જીવતદાન આપ્યું છે. એટલું જ નહીં, પંચમહાલ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કને પુનર્જિવિત કરવા સમયસર સહાય કરી તે હિન્દુસ્તાનની પ્રથમ ધટના છે જેનાથી અઢી લાખ આદિવાસી ખેડૂતોને સહકારી બેન્ક ધિરાણનો લાભ મળતો થયો છે. ફાર્મર્સ કલબ બનાવી છે, પ૭૦૦ જેટલી કૃષિ ધિરાણ સહકારી મંડળીઓને રિવાઇવલ પેકેજ આપી ખેડૂતોને લાભ અપાવ્યો છે. પ૦,૦૦૦ જેટલા નવા સભાસદો દલિતો-આદિવાસીઓના સમૂદાયથી સહકારી મંડળીઓના ખાતેદારો બનાવવાની ઝૂંબેશ ઉપાડી છે.
ગુજરાત સરકારે ૮૦૦૦ સહકારી ધિરાણ મંડળીના રિવાઇવલ પેકેજ માટે રૂ. ૬ર૮ કરોડનું ભંડોળ આપ્યું પરંતુ તેમાં કેન્દ્ર સરકારે રૂ. ર૬૦ કરોડની હજુ એક પાઇ પણ મળી નથી એવો સ્પષ્ટ આક્ષેપ તેમણે કર્યો હતો.
ખેડૂતને બજાર વ્યવસ્થા માટે ર૯૧ એપીએમસી સહિત ૪૦૦ બજાર યાર્ડોની આધુનિક માળખાકીય સુવિધા આપવા રૂ. ૧રપ કરોડ ખર્ચ્યા છે અને ભારત સરકાર ગુજરાત માટે બજાર ભાવ નેટવર્ક નથી આપણી પણ ગુજરાતે રાહ જોયા વગર સમગ્ર ખેત ઉત્પન્ન બજાર વ્યવસ્થાને ઇ-ગવર્નન્સ સાથે જોડી દેવાની નેમ રાખી છે, એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતની ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ દ્વારા ૩૦૦૦ લાખ કવીન્ટલ માલની આવક-જાવકથી રૂ. રર,૦૦૦ કરોડની આવક ખેડૂતોને આપી છે. કિસાન કલ્પવૃક્ષ યોજના પણ બજાર સમિતિ વ્યવસ્થા સુદૃઢ બનાવવા શરૂ કરી છે, તેમ તેમણે જણાવ્યું હતું.