કૃષિ મહોત્સવ-2012 અને પશુ આરોગ્ય મેળા અભિયાન
વિડિયો કોન્ફરન્સથી બે લાખ ખેડૂતો સાથે મુખ્યમંત્રીશ્રીનો સીધો વાર્તાલાપ
ગુજરાત સરકાર માત્ર છ કરોડ ગુજરાતીઓની જ સેવા-સુખાકારીની કાળજી લેતી નથી પણ
અઢી કરોડ અબોલ પશુઓની સેવા માવજત કરે છે
રાજ્યના દૂધ ઉત્પાદનમાં 68 ટકાનો વિક્રમ-વધારો
112 જેટલા પશુ રોગો સદંતર નાબૂદ
બજેટમાં પશુપાલન અને પશુ આરોગ્ય સેવાઓ માટે
રૂ.350 કરોડની ફાળવણી
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ મહોત્સવ અને પશુ આરોગ્યમેળા અભિયાનના ત્રીજા દિવસે વિડિયો કોન્ફરન્સથી ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગ્રામ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા માટે કૃષિની સાથે પશુપાલનના વૈજ્ઞાનિક વિકાસને પણ એટલી જ પ્રાથમિકતા આપી છે.ગુજરાતમાં આ વર્ષે બજેટમાં પશુ આરોગ્ય સેવાઓ અને પશુ સંવર્ધન માટે જ રૂ.350 કરોડની ફાળવણી કરી છે અને દૂધના ઉત્પાદનમાં દશ જ વર્ષમાં 68 ટકાનો વધારો થયો છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ મહોત્સવ અને પશુ આરોગ્યમેળા અભિયાનના ત્રીજા દિવસે વિડિયો કોન્ફરન્સથી ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગ્રામ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા માટે કૃષિની સાથે પશુપાલનના વૈજ્ઞાનિક વિકાસને પણ એટલી જ પ્રાથમિકતા આપી છે.
ગુજરાતમાં આ વર્ષે બજેટમાં પશુ આરોગ્ય સેવાઓ અને પશુ સંવર્ધન માટે જ રૂ.350 કરોડની ફાળવણી કરી છે અને દૂધના ઉત્પાદનમાં દશ જ વર્ષમાં 68 ટકાનો વધારો થયો છે એમ તેમણે જણાવ્યું હતું.
કૃષિ મહોત્સવના કારણે ખેતીવાડીની બંધીયાર સ્થિતિમાંથી ખેડૂતો બહાર આવી શક્યા છે, તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક જમાનામાં ઉત્તમ ખેતી ગણાતી પરંતુ ગયા 50 વર્ષમાં ખેતી પ્રત્યે ઉપેક્ષાનું વાતાવરણ જામી ગયેલું પરંતુ છેલ્લા દશ વર્ષમાં શિક્ષિત યુવાનો ખેતીવાડીની આધુનિક પ્રવૃત્તિઓ અને ડેરી પશુ પાલનમાં નવા પ્રયોગો અને પ્રગતિશીલ ખેડૂતો તરીકે ગૌરવ મેળવી રહ્યા છે.
ગુજરાત પાસે બારમાસી નદી નથી તેથી ખેતીને સમૃધ્ધ બનાવવા માટે નિયમિતપણે આધુનિક ખેતી ઉપરાંત પશુપાલન અને ફળાઉ વૃક્ષોની ખેતીને પણ સમાન હિસ્સાનું મહત્વ આ સરકારે આપ્યુ છે એમ તેમણે જણાવ્યું હતું.
આ વર્ષે કૃષિ મહોત્સવ સાથે પશુ આરોગ્યમેળાનું અભિયાન ઉપાડયું છે. ગુજરાત સરકાર માત્ર છ કરોડ ગુજરાતીઓની સુખાકારી જ નહીં પરંતુ અઢી કરોડ અબોલ પશુઓની સેવા કાળજી લે છે. અત્યાર સુધીમાં 25000થી વધુ પશુ આરોગ્યમેળામાં એક કરોડથી વધારે પશુઓની દર વર્ષે સારવાર થઇ છે. દર વર્ષે 2700 પશુ આરોગ્ય મેળા યોજાય છે. ઓછા પશુ અને વધુ દૂધનું ઉત્પાદન એ મંત્ર લઇને વૈજ્ઞાનિક પધ્ધતિએ પશુપાલન કરીશુ તો દૂધ ઉત્પાદનમાં અભૂતપૂર્વ સફળતા મળશે. ગુજરાતના અનેક પશુપાલકોને સરકારના પશુસંવર્ધન યોજનાના લાભાર્થી બનીને દૂધની આવક અને પશુ ઉછેરની નવી સિધ્ધિ મેળવી છે. આના વ્યકિતગત પ્રેરણાદાયી પશુપાલકોના દ્રષ્ટાંતો તેમણે આપ્યા હતા.
અનેક પશુપાલકોએ દૂધ ઉત્પાદન વધારા માટે નવા પ્રયોગો કર્યા છે અને પશુપાલનના વ્યવસાયમાં સૌથી વધુ ગ્રામ્ય નારીશકિતનું મહત્વનું યોગદાન જોતા વૈજ્ઞાનિક રીતે ગ્રામીણ માતા-બહેનોને પશુસંવર્ધનોને માર્ગદર્શન મળે તો આ નારીશકિત જ પશુ ઉછેરની નવી સાફલ્ય ગાથા રચી રહી છે. રાજ્યમાં પશુપાલન માટે સહકારી બેંકોનું ધિરાણ જોડાણ કૃષિ સાથે પશુપાલનને પણ પ્રાથમિકતા આપે છે.
રાજ્ય સરકારે કામધેનુ યુનિવર્સિટી સ્થાપીને પશુ દવાખાના માટે પશુધન વિકાસ - આરોગ્ય - સંવર્ધન - વૈજ્ઞાનિક સંશોધનો અને કુશળ માનવ સંશાધન વિકાસના અનેક કોર્સ શરૂ કરવાની નેમ તેમણે વ્યકત કરી હતી.
રાજ્યમાં 112 જેટલા પશુ રોગો સ્વયંભૂ નાબૂદ થયા છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કચ્છ-કાઠિયાવાડની ડેરીઓને ભૂતકાળમાં તાળા મારી દેવાયા હતા અને આ સરકારે આ બધી છ છ જિલ્લાની ડેરીઓને સજીવન કરી છે. પશુપાલકોને પશુ આરોગ્યની સેવાઓ ઝડપથી સમયસર મળે છે એ માટે 57 નવા પશુ મોબાઇલ દવાખાના બનાવાશે. ઉત્તમ પશુ ઓલાદ માટેના વૈજ્ઞાનિક ધોરણે નવા 80 કૃત્રિમ બીજદાન કેન્દ્રો ઉભા થશે. ગીર ગાય, કાંકરેજી ગાય, જાફરાબાદી ભેંસ માટેની ઉત્તમ ઓલાદના સંશોધન માટે રૂા.36 કરોડનો પ્રોજેકટ હાથ ધર્યો છે. સુધારેલા ઘાસચારાનું બીયારણ કીટ આપવાની અને પશુદાણ ઉત્પાદન માટેની યોજના માટે રૂા.30 કરોડ ફાળવી દીધા છે. સ્વચ્છ, વ્યવસ્થિત પશુ ગમાણ માટે પણ રૂા.30 કરોડ ફાળવી દીધા છે. સ્વચ્છ વ્યવસ્થિત ગમાણ માટે પણ રાજ્ય સરકાર રૂા.15 હજાર સુધીની મદદ કરે છે. આવી સંખ્યાબંધ વ્યકિતગત પશુપાલન સહાય યોજનાની રૂપરેખા તેમણે આપી હતી.
બંની ભેંસની ઉત્તમ ઓલાદનું સંવર્ધન કરવામાં ગુજરાત સરકારે પ્રોત્સાહન આપી તેને રાટ્રીય ઉત્તમ ઓલાદની માન્યતા પહેલીવાર અપાવી છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગૌસેવા આયોગને ગૌચર-વિકાસ બોર્ડમાં ફેરવીને રાજ્યમાં 1200 એકર જમીનમાં ઘાસચારાના વૈજ્ઞાનિક ફાર્મ ઉછેરવાની જાહેરાત તેમણે કરી હતી. વનબંધુ યોજના નીચે ગરીબ 6 લાખ પશુપાલકોની આવકમાં બમણો વધારો થયો છે.
રાજકારણના આટાપાટાથી જુઠાણા ફેલાવનારાને પડકારતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં ગૌચરની જમીનો વેચી દીધી હોત તો દૂધના ઉત્પાદનમાં 68 ટકા વધારો કરી રીતે થયો ? ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસની સાથે ખેતીનો વાવેતર વિસ્તાર પણ વધ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ગોબર બેંક અને બાયોગેસના પર્યાવરણલક્ષી નવા પ્રયોગો હાથ ધરવા એનીમલ હોસ્ટેલની દિશા અપનાવવાની પ્રેરક અપીલ પણ તેમણે કરી હતી. ગુજરાતના ગરીબ પશુપાલકની, ગરીબ કિસાનની જીંદગીમાં બદલાવ લાવવાની નેમ તેમણે વ્યકત કરી હતી.
આ રાજકીય કાવાદાવાનું અભિયાન નથી પરંતુ ચૂંટણીના વર્ષમાં જેને મત આપવાના નથી તેવા પશુજીવોની કાળજી લેવા સરકારના એક લાખ કર્મયોગીઓને ખેડૂતો સાથે ખેતી અને પશુ ઉછેરની યોજનાઓના અમલમાં ગતિ આવે તેવા અભિયાનમાં જોડવા છે.