મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટના ગ્રંથોત્સવ પ્રસંગે જણાવ્યું હતું કે, ભૌતિક વિકાસ ભવ્યતા આપી શકે છે, પરંતુ કલા સાહિત્યની સંસ્કૃતિ જ દિવ્યતા આપી શકે. ગુજરાતી ભાષા અને સાહિત્યના “સત્ય” અને “સત્વ” ને ઉજાગર કરવાની હિમાયત કરતાં મુખ્યમંત્રીશ્રીએ “યોગ”ની ભારતીય સાંસ્કૃતિક વિરાસતનો જ્ઞાન વિશ્વકોષ રચવાનો પડકાર ઝીલી લેવા આહવાન કર્યું હતું.
ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટનો ગ્રંથોત્સવ અમદાવાદમાં યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત વિશ્વકોષ ગ્રંથ શ્રેણીનું અને બાળ વિશ્વકોષ ગ્રંથ-૧નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે શ્રી મોરારીબાપુએ ગ્રંથ-૨૫નું અને શ્રી ગુણવંત શાહે ગ્રંથ શ્રેણીના વિવધિ પ્રકાશનોનું વિમોચન કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની પરિભાષા માત્ર ભૌતિક પ્રગતિની આસપાસ સીમિત હોઇ શકે નહીં તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ઇમારતો, સુવિધાઓ, વ્યવસ્થા ટેકનોલોજી, વિજ્ઞાન બધું ભવ્યતા આપે પરંતુ કલા અને સાહિત્યની સંસ્કૃતિ દિવ્યતા આપે છે. ભવ્યતાની દોડમાં જીવનનું અધિષ્ઠાન એ દિવ્યતા જ હોવું જોઇએ. દિવ્યતા વગરની ભવ્યતા ભેંકાર લાગે છે. કોઇ પણ સમાજે વિકાસની સાચી સમૃધ્ધિના બે પાયા, કલા અને સાહિત્ય માટે અહર્નિશ પ્રયાસ-સંવર્ધન કરતું જ રહેવું જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.
જયારે જ્યારે માનવજાત જ્ઞાન યુગમાં પ્રવેશી છે ત્યારે તેનું નેતૃત્વ હિન્દુસ્તાનની ધરતીએ કર્યું છે એમ ભારપૂર્વક જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિથી ૨૧મી સદી સુધીના જ્ઞાનયુગમાં ભારતનું સામર્થ્ય જ રહેવાનું છે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ડૉ.ધીરૂભાઇ ઠાકરની ૨૫ વર્ષની સંસ્કૃતિ તપસ્યા આવનારી પેઢીઓને જ્ઞાન સાગર પૂરો પાડશે એમ તેમણે ઋણ સ્વીકાર કરી શ્રી ધીરૂભાઇએ અભિનંદન આપતાં જણાવ્યું હતું.
બાળ વિશ્વકોષના પ્રથમ ભાગની માર્મિક લાગણી વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, આપણા સમાજ જીવનને આપણાં ઇતિહાસના સાચા મુલ્યો, સંસ્કાર આપવા માટે આવી ઉત્તમ બાળ વિશ્વકોષની પ્રવૃત્તિ અભિનંદનીય છે.
ગુજરાત સરકારે ચીલ્ડ્રન યુનિવર્સીટીની સમગ્ર વિશ્વમાં બાળ સશકિતકરણ પહેલ રૂપે રચના કરી છે તેની રૂપરેખા આપી મુખ્યમંત્રીશ્રીએ ઉત્તમ બાળફિલ્મોનું નિર્માણ કરવા માટેની નીતિ ધડવાની નેમ વ્યકત કરી હતી. લોહપુરૂષ સરદાર પટેલની પુણ્યતિથીને સ્મરણાંજલિ આપતાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતી ભાષા સાહિત્યના સામર્થ્યને “સત્ય” અને “સત્વ”થી ઉજાગર કરવા અભિલાષા વ્યકત કરી હતી.
પૂ.શ્રી મોરારીબાપુએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, શ્રી ધીરૂભાઇના નેતૃત્વમાં આખી ટીમે પોતાની ક્ષમતા પ્રમાણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને શ્રેષ્ઠ પરિણામ હાંસલ થયું છે. વિશ્વકોષ પ્રકાશનનું કાર્ય સનાતન ઋષી કાર્ય છે અને આ ગ્રંથ પંથ બની રહેવાનો છે.
મૌલિક ચિંતક ડૉ.ગુણવંત શાહે ગુજરાતી ભાષાને બચાવી લેવા માટે ગુજરાતી વિશ્વકોષ એ તપ અને સ્વાધ્યાયની અભિવ્યકિત છે તેમ જણાવી શ્રી ધીરૂભાઇ ઠાકરની અભિવંદના કરી હતી. જ્ઞાન મિમાંસા એ ઋગવેદની સંસ્કૃતિ છે, જે રૂપનિષ્ઠ છે એ ઇશ્વરનિષ્ઠ હોય જ એવી ઋગવેદથી રણોત્સવ સુધીની જ્ઞાનયાત્રાના વ્યાખ્યાયીત દ્રષ્ટાંતો વૈશ્વિક સર્જકોને ટાંકીને તેમણે આપ્યાં હતાં. માત્ર “જ્ઞાન” પૂરતું નથી, “નોલેજ” સાથે “વિઝડમ” હોવું જ જોઇએ એમ તેમણે જણાવ્યું હતું અને વિશ્વકોષ સર્જન પ્રવૃત્તિને “હિમાલયન પ્રોજેકટ” ગણાવ્યો હતો.
ટ્રસ્ટના પ્રમુખ શ્રી શ્રેણિકભાઇ કસ્તુરભાઇએ ટ્રસ્ટની કાર્યપ્રવૃત્તિની રૂપરેખા આપી હતી. શ્રી ચંદ્રકાંત શેઠે બાળ વિશ્વકોષ ગ્રંથ સર્જનના આયોજનનો ખ્યાલ આપ્યો હતો. શ્રી કુમારપાળ દેસાઇએ ગ્રંથ શ્રેણીના પ્રકાશનોની ભૂમિકા આપી હતી. મુખ્ય સંપાદક ડૉ.ધીરૂભાઇ ઠાકરે ૨૫ વર્ષોની યશસ્વી તપસ્યાનું શ્રેય સૌ સાથીઓને આપ્યું હતું અને ગુજરાતની વિશ્વકોષની અસ્મિતાની વિશષ્ટિતા વર્ણવી હતી.
ટ્રસ્ટીશ્રી નીતિન શુકલએ આભારદર્શન કર્યું હતું. આ પ્રસંગે સાહિત્ય, સંસ્કૃતિ અને સામાજિક ક્ષેત્રોના વિદ્વતજનો, સર્જકો, અગ્રણીઓ અને સંસ્કૃતિભાવકો ઉપસ્થિત રહ્યા હતા. December 16, 2009