અમદાવાદના આઇઆઇએમ ઓડિટોરિયમમાં GFSUના શૈક્ષણિક સત્રારંભ સમારોહના અધ્યક્ષસ્થાને ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધિશશ્રી કે. એસ. રાધાક્રિષ્ણન, અન્ય ન્યાયમૂર્તિશ્રીઓ, ગૃહ અને કાયદા રાજ્ય મંત્રીશ્રી અમીતભાઇ શાહ, ભારત સરકારના ચીફ ફોરેન્સિક સાયન્સ એડવાઇઝર ડો. એમ. એસ. રાવ અને પોલીસ મહાનિદેશક શ્રી એસ. એસ. ખંડવાવાલા સહિત ભારતભરમાંથી વિવિધ રાજ્યોના ફોરેન્સિક સાયન્સ વિભાગોના ડિરેકટરો, વરિષ્ઠ પોલીસ પદાધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ યુનિવર્સિટીમાં ફોરેન્સિક નેનોટેકનોલોજી, ઇન્વેસ્ટીગેટીવ સાઇકોલોજી અને ફોરેન્સિક નર્સીંગ જેવા ત્રણ નવા અભ્યાસક્રમો શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. ફોરેન્સિક નેનોટેકનોલોજીના નવા જ પ્રકારના અભ્યાસક્રમની પહેલ કરીને આ યુનિવર્સિટીએ આતંકવાદ અને દેશની રક્ષા માટે સામી છાતીએ લડી રહેલા હોનહાર જવાનો અને અફસરોની જીવનરક્ષા માટેના સાધનોનું સંશોધન સહિત અનેક નવા ક્ષેત્રોમાં ફોરેન્સિક નેનો ટેકનોલોજી ક્રાંતિકારી પ્રભાવ ઉભો કરવા તત્પર રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.ઇન્વેસ્ટીગેટીવ સાઇકોલોજી ફેકલ્ટીના બહુઆયામી મહત્વની રૂપરેખા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે મેડીકો લીગલ સમસ્યાઓના નિરાકરણ માટે અને ગૂનાનો ભોગ બનેલી વ્યકિતને પેરામેડિકલ સ્ટાફ દ્વારા કયા પ્રકારની મનોવૈજ્ઞાનિક વલણની જરૂર છે તે અંગેની ટ્રેઇનીંગ માટે ફોરેન્સિક નર્સિંગ કોર્સ શરૂ કરાશે. ત્રણ વર્ષના તલસ્પર્શી મનોમંથન પછી આ યુનિવર્સિટીની રચના કરવાનો વૈધાનિક કાયદો લાવીને માત્ર પાંચ જ મહિનામાં તેના અભ્યાસક્રમો શરૂ કરી દીધા છે તેનો નિર્દેશ આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રથમ વર્ષે જ દેશ-વિદેશના પ૦૦ યુવક-યુવતિઓએ અરજી કરી અને ૧૦૩ જેટલી તમામ બેઠકો ભરાઇ ગઇ તે દર્શાવે છે કે સમગ્ર દુનિયામાં ફોરેન્સિક સાયન્સના તજ્જ્ઞોની કેટલી જરૂરિયાતો વધતી જ રહેવાની છે અને યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનારી યુવાપેઢીના ભવિષ્ય કારકિર્દીની પણ ઉજ્જવળ સંભાવનાઓ છે.
આ યુનિવર્સિટી વિશ્વસમક્ષ વિવિધ કૌશલ્ય ધરાવતા ફોરેન્સિક સાયન્સના પ્રશિક્ષિતોની જરૂરિયાતો સંતોષશે તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે માત્ર ક્રાઇમ અને ક્રિમીનલ જસ્ટીસના ઇન્વેસ્ટીગેશન માટે જ નહીં, પણ દુનિયામાં આજે કોર્પોરેટ સેકટરમાં જ્યારે સાઇકોલોજીકલ પ્રોફાઇલીંગ પ્રોસેસથી પદાધિકારીઓની નિમણુંકોની પદ્ધતિ આવી ગઇ છે ત્યારે આ યુનિવર્સિટીના ઇન્વેસ્ટીગેટીવ સાઇકોલોજી પ્રશિક્ષણનું મહત્વ સમજાઇ જશે. વિશ્વકક્ષાની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કાર્યરત કરીને ગુજરાતે સમગ્ર ગૂનાખોરીના જગત માટે એક સંકટનું બીજારોપણ કરી દીધું છે અને ભવિષ્યમાં ગુના-સંશોધન અને ગુનાખોરીની માનસિકતા સંબંધમાં આ યુનિવર્સિટી ઐતિહાસિક યોગદાન આપનારી માનવ સંસાધન વિકાસની સંસ્થા બની રહેશે એવો વિશ્વાસ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ર૧મી સદીના બદલાતા યુગમાં ગુનાહિત માનસિકતા, ટેકનીક અને ટેકનોલોજીનો દુરૂપયોગ, આતંકવાદ અને સાઇબર ક્રાઇમ, આર્થિક ગૂના સહિતના હાઇટેક ક્રાઇમની તપાસ, સંશોધન, ગૂનેગારોની માનસિકતા અને ઇરાદા-આ બધાના સાયન્ટિફિક ઇન્વેસ્ટીગેશન માટે ફોરેન્સિક સાયન્સના સંશોધન-વિકાસની નવી ક્ષિતિજો આ યુનિવર્સિટી સાકાર કરશે તેની ભૂમિકા આપી હતી. દુનિયા આજે ગ્લોબલ મેલ્ટડાઉન (વૈશ્વિક મંદી), ગ્લોબલ ટેરરિઝમ(વૈશ્વિક સ્તરે આતંકવાદ) અને ગ્લોબલ વોર્મિંગ (વૈશ્વિક પ્રાકૃતિક પ્રકોપ)ના ત્રણ મુખ્ય સંકટોથી ધેરાયેલી છે ત્યારે ગુજરાતે ફોરેન્સિક સાયન્સ અને નેનો ટેકનોલોજીના સંશોધન વિકાસના દ્વાર ખોલી આપ્યાં છે જે વિશ્વને ફોરેન્સિક સાયન્સ દ્વારા ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન માટેના તજ્જ્ઞો પૂરા પાડશે એટલું જ નહીં, કોર્પોરેટ સેકટર માટે તથા પેરામેડિકલ સ્ટાફ માટે પણ ફોરેન્સિક સાયન્સની નિષ્ણાત સેવાઓ મળી શકશે એમ તેમણે ઇન્વેસ્ટીગેટીવ સાઇકોલોજી તથા ફોરેન્સિક નર્સિંગ ફેકલ્ટી કોર્સની અગત્ય સમજાવતા જણાવ્યું હતું.
હાઇટેક ક્રાઇમ કરનારાની માનસિકતા ખૂલ્લી પાડવા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ગુજરાત સરકારની સુસજ્જતા અને આયોજિત યોગદાનથી ગુજરાતે દેશ-વિદેશમાં ગણમાન્ય ગૌરવ પ્રાપ્ત કર્યું છે તે માટે જી.એફ.એસ.એલ.ના સહયોગીઓની સમગ્ર ટીમને તેમણે અભિનંદન આપ્યા હતા અને એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે હવે યુનિવર્સિટી સ્વરૂપે આ જ ટીમ ગુજરાત ઇન્વેસ્ટીગેટીવ ક્રાઇમના ક્ષેત્રમાં પોતાનું કૌશલ્ય માનવ સંસાધન વિકાસ અને સંશોધનમાં પૂરવાર કરવા પ્રતિબદ્ધ છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબને માત્ર હિન્દુસ્તાનમાં જ નહીં વિશ્વસ્તરે ખ્યાતિ-માન્યતા મળી છે અને ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવસિટી પણ ઇઝરાયેલ ફલોરિડા યુનિર્વસિટી હાઇડર્સ ફિલ્ડ (યુકે) તથા જર્મની સાથે ભારતના ફોરેન્સિક સાયન્સ રિસર્ચ-ડેવલપમેન્ટના સેન્ટર ઓફ એકસેલંસ તરીકે નામના મેળવશે.
ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં કુશળ અને તજ્જ્ઞ માનવ સંસાધન-વિકાસની ઉપલબ્ધિનો પ્રભાવ બહુહેતુક બની રહેવાનો છે અને ગુજરાતે આ હેતુસર આગવી પહેલ કરીને આંતરરાષ્ટ્રીય કાયદાઓના શિક્ષણ તથા પોલીસ-સુરક્ષા માટેના પ્રશિક્ષણની રક્ષાશકિત યુનિવર્સિટીના નવા શૈક્ષણિક આયામો હાથ ધર્યા છે તેની સાથેનું સંકલન કરવાની પહેલ પણ ગુજરાતે જ કરી છે એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતના ન્યાયતંત્ર અને વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ આ યુનિવર્સિટી માટેની સલાહકાર સમિતિના અધ્યક્ષસ્થાને વડી આદાલતના ન્યાયમૂર્તિશ્રી એ. એલ. દવેની નિમણુંક માટે આપેલી સહમતિને આવકારતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ યુનિવર્સિટીને સરકારી દાયરામાંથી બહાર રાખીને વિશ્વકક્ષાના નિષ્ણાતો તૈયાર કરવાના ટેલેન્ટ પૂલ તરીકે વિકસાવવામાં ગુજરાતના ન્યાયતંત્રનો પ્રેરક અભિગમ રહ્યો છે. ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધિશ શ્રી કે. એસ. રાધાક્રિષ્ણને સમારોહના અધ્યક્ષસ્થાનેથી આ યુનિવર્સિટીની સ્થાપનાને એક વિરલ અને ઐતિહાસિક સીમાચિન્હરૂપ ધટના ગણાવી હતી અને જણાવ્યું હતું કે દેશની ક્રિમીનલ જ્યુડિશ્યલ સિસ્ટમ માટે ફોરેન્સિક સાયન્સ કરોડરજ્જુ સમાન છે. ડો. એમ. એસ. દહિયાના પુસ્તક "ક્રાઇમ સિન મેનેજમેન્ટ'નું વિમોચન કરતાં વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ ગુજરાતની આ પહેલની પ્રસંશા કરતાં યુનિવર્સિટી સલાહકાર સમિતિના ચેરમેન તરીકે વડી અદાલતના ન્યાયમૂર્તિશ્રી એ. એલ. દવેની નિમણુંકની જાહેરાત કરતા યુનિવર્સિટીનું પ્રશિક્ષણ ન્યાયતંત્ર માટે ઉપકારક બની રહેશે તેમ જણાવ્યું હતું.
શ્રી કે. એસ. રાધાક્રિષ્ણને એવું પ્રેરક સૂચન કર્યું હતું કે ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન અને ડિટેકટશન ઉપરાંત ક્રાઇમ કન્વિકશન રેઇટ ઉંચો લઇ જવા માટે ફોરેન્સિક સાયન્સ નિર્ણાયક બની શકે તેમ છે તેમણે જણાવ્યું કે રાજ્યો અને કેન્દ્ર સરકારની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનું રાષ્ટ્રવ્યાપી સંકલિત નેટવર્ક બનવું જોઇએ. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી કે. એસ. રાધાકૃષ્ણને ગુજરાતે ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે લીધેલી નેતાગીરી બદલ ખુશી વ્યકત કરી હતી. તેમણે નેશનલ ક્રાઇમ-ર૦૦૭ની ખૂન, બળાત્કાર, દહેજ, કોમી તોફાનોના વિવિધ આંકડાઓ રજૂ કરીને જણાવ્યું હતું કે ચાર્જશીટ મૂકાતા કેસ કરતાં કોર્ટમાં કન્વીકશન થતાં કેસની ટકાવારી ખૂબ જ ઓછી છે, ત્યારે સુયોગ્ય ક્રાઇમ મેનેજમેન્ટ તથા કાર્યનિષ્ઠ ફોરેન્સિક સાયન્ટીસ્ટની આવશ્યકતા છે. સંસ્થાના ડાયરેકટર જનરલ ડો. જે. એમ. વ્યાસે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિના કારણે જ વિશ્વભરની પ્રથમ એવી આ યુનિવર્સિટીનો આજે શુભારંભ થઇ રહ્યો છે, જેના દ્વારા આ ક્ષેત્રના તજ્જ્ઞોનું નિર્માણ થશે.