મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સને ર૦૧રમાં સ્વામી વિવેકાનંદની ૧પ૦મી જન્મજયંતીની ઉજવણી થવાની છે ત્યારે દેશની યુવાશક્તિ માટે સ્વામી વિવેકાનંદના જીવન વિષયક ખાસ ગુજરાત ક્વિઝ કોમ્પીટીશન ઓનલાઇન યોજવાની જાહેરાત કરી હતી.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓની ગુજરાત ક્વિઝ સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં આજે ક્વિઝ માસ્ટરની ભૂમિકા અદા કરીને ગુજરાત ક્વિઝને જ્ઞાનપિપાશાના ઉત્સવ તરીકે નવો મોડ આપ્યો હતો.
મહાત્મા મંદિર ગાંધીનગરમાં રાજ્યની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓની સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં છ કક્ષાના સ્પર્ધકોની જ્ઞાનકસોટીની શ્રેષ્ઠતાના આધારે કુલ ૧ર વિજેતાઓને મુખ્ય મંત્રીશ્રીએ ઇનામો અને ટ્રોફી એનાયત કરી હતી. જેમાં પ્રત્યેક કક્ષામાં પ્રથમ વિજેતાને રૂ. એક લાખ અને બીજા ક્રમના વિજેતાને રૂ. પચાસ હજારના ઇનામો ક્વિઝ માસ્ટર તરીકેની જવાબદારી સંપન્ન કર્યા પછી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એનાયત કર્યા હતા.
મુખ્ય મંત્રીશ્રીએ આગામી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાત ક્વિઝની વિશેષ ઓનલાઇન કોમ્પીટીશન ત્રણ પાસાઓને આવરી લેતી યોજનાની જાહેરાત કરતાં જણાવ્યું કે, આખા વર્ષ દરમિયાન (૧) ર્ડા. બાબાસાહેબ આંબેડકરના જીવનકાર્ય, (ર) ભારતીય સંવિધાનની વિશેષતા અને (૩) નાગરિક કર્તવ્યને આવરી લઇને ખાસ ગુજરાત ક્વિઝ સ્પર્ધા ઓનલાઇન યોજાશે.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાત ક્વિઝના ક્વિઝ માસ્ટર તરીકે આ ફાઇનલ સ્પર્ધામાં શાળા કક્ષાએ ધોરણ પ થી ૮, ધોરણ ૯ થી ૧ર અને કોલેજ કક્ષાએ કન્યાઓ અને કિશોરો-યુવાનોની છ કક્ષાની સ્પર્ધામાં પ્રત્યેક સ્પર્ધામાં સાત-સાત પ્રશ્નો પૂછયા હતા અને નિર્ણાયક રાઉન્ડમાં સાચા જવાબો સમય સૂચકતાથી આપનારા પ્રથમ અને રનર્સઅપ જાહેર કર્યા હતા જેમને મુખ્ય મંત્રીશ્રીએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને સહુ ભાગ લેનારાને અંતઃકરણની શુભેચ્છાઓ આપી હતી.
દેશ અને દુનિયાના જ્ઞાનપિપાસુ તથા ગુજરાત વિશે જાણવાની જિજ્ઞાસા ધરાવતા સહુ માટે સચોટ કેન્દ્રવર્તી માહિતી આ ગુજરાત ક્વિઝના કારણે ઉપલબ્ધ થઇ છે તેની રૂપરેખા આપતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, સહજ રીતે ગુજરાત વિશેના જ્ઞાનની રમત રમતા જાણકારી મળે છે જે સામાન્ય જ્ઞાન કરતાં વધુ સંતર્પક છે.
વર્ષો માટે આ ગુજરાત ક્વિઝ વધુ સમૃદ્ધ બને તે માટે હાલની પ૦૦૦ પ્રશ્નોની બેન્કમાં વધુને વધુ ગુજરાત વિશેના પ્રશ્નો અને ચોક્કસ જવાબો નાગરિકો તરફથી મળે તે આવકાર્ય છે.
આ જ્ઞાનની કસોટીમાં તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાની ગુજરાત ક્વિઝ કોમ્પીટીશનના પ્રારંભના તબક્કામાં ર૮ લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળા અને કોલેજોમાંથી ભાગ લીધો હતો તેનો ગૌરવપૂર્વક ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ જ્ઞાનપિપાશાનો ઉત્સવ ગુજરાતે સ્વર્ણિમ જયંતી વર્ષમાં યોજીને ગુજરાતને ર૧મી સદીમાં જ્ઞાનશક્તિના આધારે સશક્તિ બનાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
જ્ઞાનશક્તિની ઉજવણીના ભાગરૂપે અને ખાસ કરીને એકવીસમી સદી જ્ઞાનની સદી મુખ્ય મંત્રીશ્રીએ જાહેર કરી છે ત્યારે ગુજરાતીઓ જ્ઞાનક્ષેત્રે પાછળ ન રહે અને સતત તેમનું સામાન્ય જ્ઞાન વધતું રહે તે રીતે ગુજરાત ક્વિઝનું આયોજન અને અમલીકરણ થયું છે. ગુજરાત ક્વિઝનો શાળા-કોલેજ સ્તરે લેખિત સ્વરૂપમાં અમલ થયો જયારે જિલ્લા અને રાજ્યસ્તરે વેબસાઇટ ગુજરાત ક્વિઝ ડોટ ઇન પર ઓનલાઇન સ્પર્ધાનું આયોજન થયું.
પ્રથમ તબક્કો શાળા/કોલેજ કક્ષાએ યોજાયો. જેમાં કુલ ર૭,૮૦,૪૮૭ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો. બીજો તબક્કો તાલુકા કક્ષાએ યોજાયો જેમાં કુલ ૯૦,૦૦૦ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો. જિલ્લા કક્ષાની ત્રીજા તબક્કાની સ્પર્ધા એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં યોજાઇ. જેમાં ૪,૮૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ઓનલાઇન રજીસ્ટ્રેશન ગુજરાત ક્વિઝની વેબસાઇટ પર ર૦ હજારનું થયું છે. ઓનલાઇન સ્પર્ધા એક લાખથી વધુ વિદ્યાર્થીઓ અને નાગરિકો રમ્યા છે. વાયબ્રન્ટ ગુજરાતના ગાંધીનગર ખાતેના પ્રદર્શનમાં ગુજરાત ક્વિઝના સ્ટોલની ચાર લાખ લોકોએ મુલાકાત લીધી હતી તેમજ ૬૦,૦૦૦ વિદ્યાર્થીઓ અને નાગરિકો સ્પર્ધા રમ્યા છે. આજે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ૧૯૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી ર્ડા. હસમુખ અઢિયાએ ગુજરાતના વધુને વધુ લોકો ગુજરાત ક્વિઝ ડોટ ઇન વેબસાઇટ પર ક્વિઝ રમે અને પોતે જ પોતાના જ્ઞાનની ચકાસણી તથા વૃદ્ધિ કરે, દરેક વયજૂથને ગમી જાય, સ્પર્શી જાય તેવી આ જ્ઞાનવર્ધક રમતમાં સૌ કોઇ જોડાય તેવી અપીલ કરી હતી.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયસિંહજી ચૌહાણ તથા શ્રીમતી વસુબેન ત્રિવેદી તેમજ ઉચ્ચ શિક્ષણ અને શિક્ષણ વિભાગના વરિષ્ઠ સચિવશ્રીઓ, અધિકારીઓ, કર્મયોગીઓ તથા રાજ્યભરમાંથી આવેલા સ્પર્ધકો અને તેમના વાલીઓ પણ ઉમંગભેર ઉપસ્થિત રહ્યા હતા.