મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA) ના અધ્યક્ષ તરીકે આજે મુંબઇમાં યોજાયેલી બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) ની વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપી હતી.
ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનો કાર્યભાર સંભાળ્યા પછી બીસીસીઆઇની આ સામાન્ય સભામાં શ્રી નરેન્દ્રભાઇ મોદી GCAના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને ગૃહ રાજ્ય મંત્રીશ્રી અમીતભાઇ શાહ અને GCAના જનરલ સેકેટરીશ્રી રાજેશભાઇ પટેલ સાથે હાજરી આપવા મુંબઇ પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ક્રિકેટની રમત દ્વારા ભારતની યુવાશકિતની ઓળખ ઉભી કરવા અંગે સૂચનો કર્યા હતા.
બીસીસીઆઇની વાર્ષિક સામાન્ય સભામાં ગુજરાત સંબંધિત મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા તેની માહિતી GCAના જનરલ સેક્રેટરી શ્રી રાજેશ પટેલ આપી હતી.
બીસીસીઆઇએ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનને આ વર્ષે રૂા. રર કરોડનો ફાળો આપવાની દરખાસ્ત મંજૂર કરી હતી. આ ઉપરાંત આગામી ઇન્ડિયન પ્રિમીઅર લીગ (IPL) ની કુલ ચાર ક્રિકેટ મેચ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપક્રમે રમાડવાની મંજૂરી આપવામાં આવી હતી. રાજસ્થાન રોયલ્સની આ ચાર IPL ક્રિકેટ મેચ ગુજરાતને ફાળવવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં મળેલી આ બીસીસીઆઇ વાર્ષિક સામાન્યસભાનું અધ્યક્ષસ્થાન શ્રી શશાંક મનોહરે સંભાળ્યું હતું અને નવા વર્ષ માટે નીમવામાં આવેલી ચાર મહત્વની કમિટીઓમાં ગુજરાતને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું, જેમાં 1) બીસીસીઆઇ વર્કિંગ કમિટી 2) ટૂર એન્ડ પ્રોગ્રામ કમિટી 3) ફાઇનાન્સ કમિટી અને 4) જુનિયર ક્રિકેટ કમિટીનો સમાવેશ થાય છે.