અમદાવાદમાં તાજેતરમાં જે કમનસિબ દુર્ધટના સર્જાઇ છે તેના કારણે ગુજરાતને મોટો આંચકો લાગ્યો છે અને વ્યકિતગત રીતે હું પણ અત્યંત પીડા અનુભવું છું.
આ કમનસિબ ધટના અંગે એક નાગરિક તરીકે રોષ હોય તે સ્વાભાવિક છે અને આ આફતનો ભોગ બનેલા પ્રત્યે મારી પૂરી સંવેદના છે. મૃત્યુ પામેલાના પરિવારોને હું સાંત્વના પાઠવું છું.
હું ગુજરાતના નાગરિકોને પૂરો વિશ્વાસ આપું છું કે આ રોગના મૂળ સુધી જઇને, તેના કસૂરવાર ગૂનેગારોને ન કલ્પી શકાય એવી સજા અપાવવા આ સરકાર કટીબદ્ધ છે અને એને માટે કોઇ કચાશ રખાશે નહીં. પણ એનાથી અટકવું નથી કારણ કે આ બદી ગરીબોના જીવનને તબાહ કરતી રહી છે. કોના સમયમાં શું થયું અને કેમ થયું- તે વાદવિવાદમાં આ સમય બરબાદ કરવો નથી.
રાજ્ય સરકારે તાત્કાલિક રીતે તપાસ કમિશન કાર્યરત કરી દીધું છે તે આ બદીમાં સત્યની શોધ તો કરશે જ પણ બદીમાંથી ગુજરાતને મૂકત કરવા માટેના લાંબાગાળાના ઉપાયોનો રસ્તો બતાવે તેવો પણ કમિશનને અનુરોધ કર્યો છે.
આ સંદર્ભમાં મારી સમાજના આગેવાનો અને નાગરિકોને વિનંતી છે કે આ તપાસ કમિશન સમક્ષ તેઓ મોકળાશથી સૂચનો રજૂ કરે. ખૂબ ઝડપથી આ કમિશનનું કામ આટોપીને ગુજરાતને આ રોગમાંથી બહાર લાવવાના શકય તે તમામ સૂચનોનો અમલ કરાશે.
જ્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સંબંધ છે ત્યાં સુધી રાજ્ય સરકારે તમામ પગલાં લીધા છે. કસૂરવાર એવા કોઇને છોડાશે નહીં.
આપત્તિનો ભોગ બનેલા અને હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા લોકોને ત્વરિત સારવાર મળી રહે અને તેમની જીંદગી બચાવવા માટેના પ્રયાસોમાં કોઇ કચાશ રાખી નથી અને આ ગરીબ અસરગ્રસ્તોને શકય તે રીતે બચાવી લેવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે.
આ ધટના જેટલી કમનસિબ છે એટલી ગંભીરત્તમ છે અને ગુજરાત આજે સાર્વત્રિક પ્રગતિ કરી રહ્યું છે તેમાં ગુજરાતની શાંતિ અને સદ્દભાવનું વાતાવરણ નિર્ણાયક છે. ગુજરાતે અનેક સંકટો જોયેલા છે અને આ સંકટો સામે નાગરિકોની સૂઝબૂઝ અને શાણપણથી આપણે પાર ઉતરેલા છીએ.
પરંતુ કેટલાક રાજકીય રંગે રંગાયેલાં તત્વો મોતનો મલાજો છોડીને, રાજકીય પ્રવૃત્તિઓ કરીને સમાજજીવનનું શાંત વાતાવરણ ડહોળવા અને ગુજરાતને અશાંત બનાવવાની મેલીમૂરાદ સેવી રહ્યા છે.
મારી નાગરિકોને કરબદ્ધ પ્રાર્થના છે કે, ગુજરાતની વર્ષોજૂની ધર કરી ગયેલી આ બદીને રોકવા અસરકારક સુધારાત્મક વાતાવરણ ઉભૂં કરવું છે અને રાજ્ય સરકાર આ માટે પ્રતિબદ્ધ છે ત્યારે ગુજરાતની શાંતિને ડહોળવાના પ્રયાસોને જાકારો આપશો, મોતનો મલાજો જાળવવામાં પૂરતો સાથ અને સહયોગ મળી રહેશે એવી વિનંતી કરૂં છું.