મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે ભારત અને જાપાનની સંયુકત ભાગીદારીથી સાકાર બની રહેલા દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DMIC-DFC) પ્રોજેકટથી આગામી પાંચ વર્ષમાં ગુજરાત સામર્થ્યવાન આર્થિક શકિતરૂપે તાકાતવર બની જશે. ઉત્તર ગુજરાતના કડી નજીક જાપાનની વિશ્વખ્યાત હિટાચી કોર્પોરેશનના વિસ્તૃતિકરણ ઇલેકટ્રોનિકસ હોમ એપ્લાયન્સ પ્લાન્ટનું આજે મુખ્યમંત્રીશ્રીએ ઉદ્દધાટન કર્યું હતું.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-ર૦૦૯માં આ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ અંગે હિટાચી કંપનીએ ગુજરાત સરકાર સાથે સમજૂતિના કરાર કર્યા હતા અને માત્ર આઠ જ મહિનામાં તેનું ઉત્પાદન કાર્યરત થઇ ગયું છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના ઔઘોગિક વિકાસમાં જાપાન સરકાર અને કંપનીઓની ભાગીદારીના ઝડપથી વિસ્તરી રહેલા ફલકને આવકારતા જણાવ્યું કે જાપાન જેવું સમૃદ્ધ રાષ્ટ્ર ગુજરાત જેવા રાજ્ય સાથે "પાર્ટનર કન્ટ્રી'' તરીકે જોડાયું છે એ ધટના નાની-સૂની નથી.
જાપાનનો રાષ્ટ્રીય ગુણ એ છે કે તલસ્પર્શી અભ્યાસ-તપાસ કરીને તે પ્રોજેકટ સ્થળની પસંદગી કરે છે અને ગુજરાત જાપાનની કસોટીમાંથી પાર ઉતરતું રહ્યું છે તે જ ગુજરાતની શાખ કેટલી ઊંચી છે તેની પ્રતીતિ કરાવે છે. મુખ્યમંત્રીશ્રીએ DMIC પ્રોજેકટ પાલનપુરથી ઉમરગામ સુધીના ગુજરાતના ઔઘોગિક-આર્થિક વિકાસ માટે સ્વર્ણિમ અવસર બની રહેવાનો છે તેની રૂપરેખા આપી જણાવ્યું કે ગુજરાતના સમૂદ્રકાંઠાના વિકાસની જે ક્ષિતિજો ખૂલી ગઇ છે તેના કારણે વિશ્વવેપાર માટે DMIC ના આખા બેલ્ટની બંને બાજુએ ૧પ૦-૧પ૦ કી.મી.નો વિશાળ વિસ્તાર આર્થિક પ્રવૃત્તિથી ધમધમતો બની જશે. આ સરકારનું ધ્યેય-સપનું "સર્વદેશિક, સર્વસમાવેશક અને સર્વસ્પર્શી વિકાસને સાકાર કરવાનું છે અને પાંચ વર્ષમાં ઉત્તર ગુજરાત-કચ્છ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના વિકાસની અકલ્પનિય આર્થિક શકિત ઉભી થશે.''
ગુજરાત સાથે જાપાનની ભાગીદારીના સંકેતોને દૂરોગામી ગણાવતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ર૧મી સદીમાં ગુજરાતની આર્થિક શકિતની પ્રતીતિ થતાં હવે જાપાન, સિંગાપોર પણ ગુજરાત પ્રત્યે આકર્ષિત બન્યા છે અને જાપાન-સિંગાપોર તથા ગુજરાતની વાણિજ્ય-ઉઘોગની શકિતઓ એકત્ર કરીને સમગ્ર એશિયામાં ગુજરાતના સામર્થ્યની અનુભૂતિ કરાવવાનું તેમનું સપનું છે. ભારતને સામર્થ્યવાન બનાવવાનું સામર્થ્ય ગુજરાતમાં છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સને ર૦૧૦ના વર્ષમાં ગુજરાત સુવર્ણ જ્યંતી વર્ષમાં પ્રવેશે છે અને છેલ્લા પ૦ વર્ષમાં ગુજરાતે જે પ્રગતિ કરી છે તેને નવી ઊંચાઇઓ ઉપર લઇ જવાની નેમ છે. ગુજરાત માત્ર ઉઘોગોના ક્ષેત્રે જ નહીં પરંતુ હવે કૃષિવિકાસનો સુયોજિત વ્યૂહ સફળ બનાવીને હરિયાળી કૃષિક્રાંતિમાં સમગ્ર દેશમાં દશ ટકાનો વિકાસદર વટાવીને પહેલીવાર પ્રથમક્રમનું રાજ્ય બની ગયું છે રાજ્ય સરકાર ઉઘોગ, કૃષિ, સેવાકીય ક્ષેત્રો સાથે આરોગ્ય અને શિક્ષણ તથા રોજગાર નિર્માણ જેવા તમામ ક્ષેત્રોમાં પણ નવી ઊંચાઇ ઉપર પહોંચવાની છે.
સમગ્ર રાજ્યમાં વરસાદની મહેર થતાં ગુજરાત ઉપર ઇશ્વરની કૃપા વરસી છે, તેનો આનંદ વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે પાણી બચાવવું એ ઇશ્વરની કૃપા મેળવવાનું કાર્ય છે અને છેલ્લા એક સપ્તાહથી, ગુજરાત સરકારે જનભાગીદારીથી ગામે-ગામ એક લાખ બોરીબાંધ બનાવીને જળસંચયનું અભિયાન ઉપાડયું છે અને ૪પ૦૦૦ બોરીબાંધ બન્યા છે અને આ વરસાદથી પાણી રોકવાનું મહત્વનું કાર્ય આપણે કરી રહ્યા છીએ. હિટાચી કોર્પોરેશનના મેનેજીંગ ડિરેકટર શ્રીયુત શિનીચી લિઝુકા (Mr. Shinichi Lizuka) એ તેમની કંપનીનો વિકાસ ગુજરાતમાં જે ઝડપથી થઇ રહ્યો છે તેમાં ગુજરાત સરકારના પ્રોત્સાહક અભિગમ અને નીતિઓનો ફાળો નિર્ણાયક ગણાવ્યો હતો.
આ સમારોહમાં શહેરી વિકાસ અને જળસંપત્તિ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવી હતી. એકઝીકયુટિવ ડિરેકટર શ્રી અમીત દોશીએ આભારદર્શન કર્યું હતું.