મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘ઇસરો'માં કલાઇમેટ ચેંજ વિષયક રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવતાં પર્યાવરણ અને વિકાસ સુસંગત એવી નવી ફોર્મ્યુલા SAVE EAST-WEST પ્રસ્તુત કરી હતી.
કલાઇમેટ ચેંજના પડકારો માટેની મુખ્યમંત્રીશ્રીની આ FORMULA આ પ્રમાણે છેઃ
SAVE EAST-WEST | |
EAST | WEST |
ENERGY | WATER |
AIR | ENVIRONMENT |
STEAM | SOCIETY |
TRANSPORT | TIME |
ઇન્ડિઅન સોસાયટી ઓફ જીઓમેટીકસ (ISG) અને ઇસરોના ઉપક્રમે અમદાવાદ ઇસરોમાં- ‘‘કલાઇમેટ ચેંજઃ કોસ્ટલ ઇકોસિસ્ટમ'' વિષયક ત્રણ દિવસની નેશનલ કોન્ફરન્સ આજથી શરૂ થઇ છે જેમાં સ્પેસ કોમ્યુનિકેશન ટેકનોલોજીના રપ૦ જેટલા વૈજ્ઞાનિકો-તજ્જ્ઞો ભાગ લઇ રહ્યા છે. મુખ્ય મંત્રીશ્રીના હસ્તે ISG- એવોર્ડઝ સ્પેસ સાયન્ટીસ્ટને એનાયત થયા હતા. તેમણે કોસ્ટલ ઝોન મેપીંગ એટલાસનું વિમોચન પણ કર્યું હતું.
ડો. વિક્રમ સારાભાઇની અંતરિક્ષ વિજ્ઞાન સંશોધનની ધરતી ઉપર ભારતભરના વૈજ્ઞાનિકોનું સ્વાગત કરતાં મુખ્યમંત્રીશ્રીએ સમસ્યાઓના સમાધાન માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવાની હિમાયત કરતાં જણાવ્યું કે કોસ્મેટીક ચેંજ, કલાઇમેટ ચેંજના પડકારો માટે કારગત નહીં નીવડે.
ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ભારતનો સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી. સમૂદ્રકાંઠો છે તેની કલાઇમેટ ચેંજની અસરોનું અધ્યયન ઇકોસીસ્ટમને સંવર્ધિત કરશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે માનવ સામાજીક સંસ્કૃતિના વિકાસની ધારા પુરાતન કાળમાં નદી-જળશકિત હતી. વિકાસના આધુનિકરણની યાત્રામાં હાઇવે-સોશ્યલ કલ્ચર વિકસ્યું અને હવે ઓપ્ટીકલ ફાઇબર નેટવર્કના કિનારે માનવસંસ્કૃતિના વિકાસની ક્ષિતિજો આકાર લેવાની છે.
સમૂદ્રમાં દ્વારિકાનગરી વસાવવા ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા તેની ભૂમિકા આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આ દ્વારિકાની સંસ્કૃતિનું નિર્માણ કરવા માટે શ્રીકૃષ્ણ જેવા યુગપુરૂષ પાસે પર્યાવરણ સંસ્કૃતિની સોચ હશે જ.
સમૂદ્ર વિશ્વને જોડે છે અને માનવજાતના દૂષણો બૂરાઇઓને પોતાનામાં સમાવીને પ્રકૃતિ સાથે સંવાદનો સૌથી વિરાટ સ્ત્રોત છે. સમૂદ્ર દ્વારા આપત્તિઓના સંકટોની દહેશત, માનવજાતે જાતે જ પ્રકૃતિ સાથે સંઘર્ષ કરીને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઉભી કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સ્પેસ સાયન્સનો વિનિયોગ વિકાસલક્ષી સમસ્યાઓ અને સમાજની સમસ્યાઓના સમાધાન માટે કરવામાં ગુજરાત સરકારે પહેલ કરી છે.
ગુજરાતની બે વિશિષ્ઠ કુદરતી સંપદા-સમૂદ્ર અને રણ માટે સ્પેસ સાયન્સ અને બાયોટેકનોલોજીના ઉયોગની રૂપરેખા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સમુદ્રકિનારાના વિકાસ અને પર્યાવરણની સુરક્ષા માટે બાયોટેકનોલોજી રિસર્ચ અને રણને આગળ વધતું રોકવા સ્પેસ ટેકનોલોજીથી મેપીંગ શરૂ કર્યું છે. એક સમયે બન્ની ગ્રાસલેન્ડ કચ્છમાં પશુપાલનનો સમૃદ્ધ પ્રદેશ હતો એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતે વિકાસ અને પર્યાવરણ માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેન્દ્રસ્થાને રાખ્યો છે અને વિશ્વનું સૌથી વિશાળ મીઠા પાણીનું સરોવર સમૂદ્રકાંઠે બનાવવાનો કલ્પસર પ્રોજેકટ સાકાર કરવાનું સપનું છે એમ તેમણે જણાવ્યું હતું.
આગામી વીસ વર્ષમાં ગુજરાતનો સમૂદ્રકાંઠો ભારતના વિશ્વવેપાર જ નહીં પણ ‘ન્યુ ગુજરાત'ની વિકાસ-સંસ્કૃતિનું વિશ્વને દર્શન કરાવશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
ગુજરાતના સમૂદ્રકાંઠા ઉપર, રાજ્યની સ્થાપના પછી અત્યાર સુધી જેટલી વીજ ક્ષમતાનું ઉત્પાદન થયું છે એનાથી બમણી વીજળી આગામી બે-ત્રણ વર્ષમાં જ ઉત્પાદન કરવાનું આયોજન તેમણે રજૂ કર્યું હતું.
વિનાશક ભૂકંપ પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સ્પેસ ટેકનોલોજીનો વિનિયોગ કરીને સમગ્ર ગુજરાતમાં માઇક્રોમેપીંગ દ્વારા તીવ્ર ભૂકંપની સંભાવના વાળા G/5 ઝોન ગુજરાતે સુનિશ્ચિત કર્યા છે અને જમીનને લગતા તમામ પાસાંઓના વૈજ્ઞાનિક પૃથ્થકરણ સાથે સોઇલ હેલ્થ કાર્ડથી જળ, જમીન, ખેતીની ઉપયોગીતા સંવર્ધિત કરી છે.
સમગ્ર વિશ્વમાં ગુજરાતની સરકાર એવી ચોથી સરકાર છે જેણે કલાઇમેટ ચેંજનો સ્વતંત્ર વિભાગ શરૂ કર્યો છે અને ગુજરાત સરકારના દરેક વિભાગના વિકાસમાં કલાઇમેટ ચેંજના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને કેન્દ્રસ્થાને રાખવામાં આવે છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે કાર્બન ક્રેડિટ ઉપાર્જનમાં ગુજરાત દેશનો સૌથી વધુ ૩૯ ટકા હિસ્સો ધરાવે છે જે ભવિષ્યમાં સતત વધતો રહેવાનો છે.
ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવશ્રી શૈલેષ નાયકે ડો. વિક્રમ સારાભાઇના નામ સાથે જોડાયેલા અમદાવાદના સ્પેસ એપ્લીકેશન સેન્ટરમાં ઇન્ડીયન સોસાયટી ઓફ જીયોમેટિકસ દ્વારા યોજાઇ રહેલી આ પરિષદ વૈજ્ઞાનિકો તજ્જ્ઞોને જ્ઞાનવૃદ્ધિ સહિત સમાજોપયોગી વિજ્ઞાન ઉપયોગનું ભાથું પુરૂં પાડશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ગુજરાત જીવસૃષ્ટિ વૈવિધ્ય સાથે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજય છે તેના પુરાતન સંદર્ભોનો ઉલ્લેખ તેમણે કર્યો હતો. ગુજરાતે ચેર વૃક્ષ ઉછેર, દરિયાની ખારાશ વધતી રોકવી જેવા આયામોથી પ્રકૃતિ સાથે સંવાદ સાધતાં વિકાસના જે નવાં પરિમાણો અપનાવ્યા છે તે કલાયમેટ ચેન્જના પડકારને પહોંચી વળવાની તેની ક્ષમતાની વિશ્વને અનુભૂતિ કરાવશે અને આ પરિસંવાદ તેનું માધ્યમ બનશે તેમ તેમણે જણાવ્યું હતું.
અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રના નિયામકશ્રી આર. આર. નવલગુંડે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ટેલિમેડીસીન, જેલોમાં વોકેશનલ ટ્રેઇનિંગ તથા દરિયામાં માછીમારી માટે જતા મછવારાઓને સ્પેસ ટેકનોલોજીના વિનિયોગથી સતત માર્ગદર્શન મળતું રહે તેવી ફૂલપૂફ વ્યવસ્થા ગુજરાતે સ્પેસ ટેકનોલોજીના જનસેવા-સુખાકારીમાં ઉપયોગથી વિકસાવી છે તેનો હર્ષ વ્યકત કરી તેને એક દિશાદર્શક પહેલ ગણાવી હતી.
આ પ્રસંગે સેપ્ટના ડાયરેકટરશ્રી વકીલ, વૈજ્ઞાનિકો તથા વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ-તજ્જ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.