આઝાદી પછી 50 વર્ષોમાં વોટ બેન્કના રાજકારણ માટે સમાજને લઘુમતી-બહુમતીની ભાષામાં વેરણછેરણ કરી નાંખનારા શાસકોની ઢોંગી બિનસાંપ્રદાયિકતાની માર્મિક આલોચના કરતાં મુખ્યમંત્રીશ્રી
‘‘તમે છેતરાતા રહ્યા, હવે કયાં સુધી છેતરાશો ?'' વોટના પતાકડા તરીકે ઉપયોગ કરનારાથી સાવધ રહેવા મુસ્લીમ સમાજને અનુરોધ
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત અજમેરી મુસ્લીમ સમાજ આયોજિત સમારોહમાં આઝાદી પછી પચાસ વર્ષો સુધી ઢોંગી બિનસાંપ્રદાયિકતાના બહાને હિન્દુસ્તાનને લઘુમતી-બહુમતીથી ભાષામાં વિભાજિત કરીને સમાજના વિકાસને ટૂકડાઓમાં વેરણ-છેરણ કરનારા શાસકોની વોટબેન્કની રાજનીતિ ઉપર માર્મિક આલોચના કરી હતી.
અજમેરી ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને અજમેરી મુસ્લીમ સમાજ તરફથી અમદાવાદમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવાના આ કાર્યક્રમમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અજમેરી મુસ્લીમ સમાજના અગ્રણીઓ અને પરિવારોએ ખૂબ જ ઉત્સાહથી મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું
મુખ્યમંત્રીશ્રીએ મુસ્લીમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ જેમાં કન્યાઓ સૌથી વધુ હતી તેમને અભિનંદન આપતા જણાવ્યું કે શિક્ષણ જ બધી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે. શિક્ષણથી સમાજની માનસિકતા બદલી શકાય છે. ગુજરાતે શિક્ષણ અને માનવ સંસાધન વિકાસ ક્ષેત્રે જે પ્રયાસો કર્યા છે તેનાથી ગુજરાતનો વિકાસ નવી ઉંચાઇ સર કરતા રહ્યો છે.
ગુજરાતના વિકાસની વિશેષતાના દ્રષ્ટાંતો સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિકાસ સર્વાંગી, સર્વસ્પર્શી અને સર્વ સમાવેશક હોવો જોઇએ. સમાજનું એક અંગ નબળું હોય તો સર્વપોષક અને તંદુરસ્ત વિકાસ ગણાય નહીં પરંતુ કમનસીબે આ દેશના ભૂતકાળમાં શાસકોએ સમાજને વેરણ-છેરણ કરીને, ટૂકડામાં વિકાસ કરીને વોટબેન્કનું રાજકારણ અપનાવ્યું તેના કારણે ભારત જેવો વિરાટ જનશકિત ધરાવતો દેશ શકિતશાળી બન્યો નથી.
દેશમાં મુસ્લીમ સમાજ શિક્ષણ અને વિકાસમાં પાછળ રહી ગયો છે તેના મૂળમાં દેશમાં વોટબેન્કનું રાજકારણ છે તેની ભૂમિકા તેમણે આપી હતી અને જણાવ્યું કે ‘‘હું હિંમતપૂર્વક કહી શકું છું કે તમે છેતરાતા રહ્યા છો, હવે કયાં સુધી છેતરાશો ? આ દેશના વોટબેન્કનું રાજકારણ ખેલનારા શાસકોએ તમને માનવી તરીકે ગૌરવને બદલે ‘‘વોટનું પતાકડુ'' ગણીને ચૂંટણી વખતે જ યાદ કર્યા છે પરંતુ શિક્ષણ અને વિકાસ માટે સર્વપોષક વિકાસને બદલે લઘુમતી-બહુમતીની ભાષામાં સમાજને વેરણ છેરણ કર્યો છે''.
ગુજરાત સરકાર છ કરોડ ગુજરાતીઓની ભાષામાં વિકાસને આગળ વધારે છે અને આ જ સાચો માર્ગ છે એમ જણાવતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં સમાજના બધા જ અંગોના તંદુરસ્ત વિકાસની સિધ્ધિઓની સમજ આપી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે કન્યા કેળવણી અભિયાનમાં આખી સરકાર ગામે ગામ ધોમધખતા ઉનાળાની ગરમીમાં ઘેરે ઘેર માંથી દિકરી અને દિકરાને ભણાવવા માટેની ભીક્ષા માંગે છે કારણેકે સો એ સો ટકા બાળકોને શિક્ષિત બનાવવા છે એમાં કયાંય ભેદભાવ નથી. ગરીબ કલ્યાણ મેળા અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોના શૂન્યથી સોળ ગરીબી રેખાંક ધરાવતા સો એ સો ટકા ઘરવિહોણા કુટુંબો જેમા બધી જ સામાજિક કોમો આવી જાય છે તેને આવાસના પ્લોટો આ જ સરકારે આપી દીધા છે.
બંગાળ જેવા રાજ્યમાં કહેવાતી બિનસાંપ્રદાયિક સરકારના શાસનોમાં મુસ્લીમોની વસતિ 25 ટકા હોવાછતાં સરકારી નોકરીઓમાં મુસ્લીમોની ટકાવારી માત્ર બે ટકા જેટલી જ છે જ્યારે ગુજરાત જેવા રાજ્યને જૂઠાણા ફેલાવીને બિનસાંપ્રદાયિકતાના નામે વગોવણી કરાય છે તેવા ગુજરાતની સરકારમાં સરકારી નોકરીઓમાં રાજ્યની મુસ્લીમ જનસંખ્યા નવ ટકા હોવા છતાં નોકરી મેળવનારા મુસ્લીમોની ટકાવારી પાંચ ટકા છે. બિન સાંપ્રદાયિકતાની સાદી સરળ વ્યખ્યા ‘‘હિન્દુસ્તાન પ્રથમ-ઈન્ડિયા ફર્સ્ટ'' જ હોઇ શકે એમ ભારપૂર્વક જણાવતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રજોગ પ્રવચનમાં હિન્દુ-શીખ-ઇસાઇ-પારસીની ભાષાને બદલે ‘‘દેશવાસી'' તરીકેનું સંબોધન જ હોવું જોઇએ તેમ માર્મિક શબ્દોમાં જણાવ્યું હતું.
અજમેરી મુસ્લીમ સમાજ ખ્વાજા અજમેરી સૂફી સંતની પરંપરામાં માને છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સૂફી સંત પરંપરાએ હિન્દુસ્તાનની સાંસ્કૃતિક વિરાસત છે અને કાશ્મીરમાં આઝાદી પછી સૂફી પરંપરા સક્રિય હોત તો કાશ્મીરમાં આતંકવાદ પાંગર્યો જ ના હોત !
21મી સદીમાં દેશની યુવાશકિતને હુન્નર કૌશલ્યમાં પ્રશિક્ષિત કરીને જ ભારત ચીન સાથેની સ્પર્ધામાં શકિતમાન પૂરવાર થઇ શકે એમ ભારપૂર્વક જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં યુવાશકિત અને નારીશકિતને વિકાસમાં નિર્ણાયક ભાગીદાર બનાવવાના આયામોની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં લાખો યુવાનોના કૌશલ્ય અને હુન્નર સંવર્ધનની તાલીમની સુવિધાઓનું ફલક વિસ્તાર્યું છે. માનવીને જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની યાત્રામાં જે અનિવાર્ય સેવાઓની જરૂર પડે છે તેવા 976 જેટલા હુન્નર કૌશલ્યની તાલમીના અભ્યાસક્રમો ગુજરાતે શરૂ કર્યા છે.
મિશન મંગલમ્ હેઠળ ગામડાની લાખો ગરીબ નારીશકિતને આર્થિક પ્રવૃત્તિમાં પ્રેરિત કરીને સખી મંડળના માધ્યમથી રૂા.5000 કરોડની રકમનો કારોબાર બે વર્ષમાં સોંપવાની નેમ તેમણે વ્યકત કરી હતી.
ગુજરાતમાં કચ્છ અને ભરૂચ જેવા મૂસ્લીમોની સૌથી વધુ વસતિવાળા જિલ્લાઓ આજે સૌથી વધારે ઔદ્યોગિક આર્થિક વિકાસથી ધમધમી રહ્યા છે એમ પણ તમેણે જણાવ્યું હતું.
ગુજરાત સરકારે સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર અપનાવ્યો છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
અજમેરી એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ડૉ. હબીબ અજમેરી, સરખેજ રોજા કમિટી ચેરમેન શ્રી અબરારઅલી સૈયદ, ગુજરાત અજમેરી મૂસ્લીમ સમાજ પ્રમુખ શ્રી દાઉદ અજમેરી ડૉ. અહેસાન અજમેરી જેવા મૂસ્મીમ અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીના સર્વાંગી વિકાસના અને ઇન્ડિયા ફર્સ્ટના સંકલ્પમાં સમાજ સંપૂર્ણપણ સાથે રહેશે એવો નિર્ધાર વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં શિક્ષણ અને વિકાસની ભાગીદારીમાં અજમેરી મૂલ્સીમ સમાજનું સંપૂર્ણ સમર્થન અને વિશ્વાસ તમેણે વ્યકત કર્યો હતો.