મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના પદ્નામિત રાજ્યપાલશ્રી દેવેન્દ્રનાથ દ્વિવેદીના અવસાન અંગે ઊંડા દુઃખ અને શોકની લાગણી વ્યકત કરી છે અને સદ્દગતને ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
ગુજરાતની જનતા અને રાજ્ય સરકાર શ્રી દેવેન્દ્રનાથ દ્વિવેદી રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળે તેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા અને ઉષ્માભર્યા આદરસત્કારની ધડી જોવાતી હતી તેનો લાગણીસભર ઉલ્લેખ કરી, મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આવા કાનૂની નિષ્ણાંત વિદ્વદજનની સેવાઓનું ગુજરાતને માર્ગદર્શન મળશે તેવી સંભાવના હતી તેવામાં જ, ગુજરાત આવતા પૂર્વે જ નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે અણધારી તેમણે આપણી વચ્ચેથી ચિરવિદાય લઇ લીધી. આ એક અત્યંત આધાતજનક અને સાર્વજનિક જીવનમાં કદાચ કયારેય ન સર્જાઇ હોય તેવી કમનસિબ ધટના છે અને સમગ્ર ગુજરાત ધેરાશોકની લાગણી અનુભવે છે.
સ્વ. દેવેન્દ્રનાથ દ્વિવેદીજીની સાથેના વ્યકિતગત સંબંધો અંગે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે છેલ્લાં ૧પ વર્ષથી તેમનો સદ્દગત સાથે જાહેરજીવનનો જૂનો સંબંધ રહ્યો હતો. સ્વ. દ્વિવેદીજીની સાલસ સ્વભાવગત વિશેષતાનો પરિચય આપતાં મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે કાનૂની વિદ્વતા છતાં તેમનું વ્યકિતત્વ સાલસ રહ્યું હતું અને તર્કબદ્ધ રીતે પોતાનો પક્ષ અને વિચારો શાંતિપૂર્વકના સંવાદોથી રજૂ કરવાની તેમની વિશેષતા અભિભાવક હતી. સાર્વજનિક જીવનની ગરિમા જાળવનારા આ મહાનુભાવની ચિરવિદાયથી ગુજરાતને પણ ખોટ સાલશે એમ સદ્ગતના પરિવારને સાંત્વના પાઠવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે.
વિધાનસભાઅધ્યક્ષશ્રી અશોક ભટ્ટ અને મંત્રીશ્રી નીતિનભાઇ પટેલસ્વ. દ્વિવેદીજીના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહેશે સ્વ. દેવેન્દ્રનાથ દ્વિવેદીના પાર્થિવ દેહ ઉપર ગુજરાત સરકાર અને જનતા વતી શ્રદ્ધાસુમન અર્પણ કરવા અને અંતિમ સંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહેવા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મંત્રીશ્રી નીતિભાઇ પટેલને સૂચના આપી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અશોકભાઇ ભટ્ટ પણ સદ્દગત પદનામિત રાજ્યપાલના પાર્થિવ દેહના અંતિમ સંસ્કારમાં દિલ્હી ખાતે મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ સાથે રવાના થશે. August 01, 2009