તમે જાગો છો એ મને ખાતરી થઈ ગઈ, દોસ્તો. હવે મહેનત નહીં કરો તો પણ હું માનીશ કે તમે બધા જુવાનિયાઓ જાગો છે. મંચ પર બિરાજમાન સર્વે માન્ય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના આગેવાનો, કૉર્પોરેશનના આગેવાનો અને જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં પધારેલ સૌ નૌજવાન મિત્રો, માતાઓ અને બહેનો...
આ વર્ષ સ્વામી વિવેકાનંદજીની ૧૫૦ મી જયંતીનું વર્ષ છે. આજે પણ આ દેશના નવજવાનને સ્વામી વિવેકાનંદનું ચિત્ર જોતાં જ માથું નમાવવાનું મન થતું હોય છે. આ દેશમાં બે વીરપુરુષો, મહાપુરુષો એવા રહ્યા છે કે જેના પ્રત્યે આજની યુવાન પેઢીને પણ, એ જિન્સનું પેન્ટ પહેરતો હોય કે લાંબા લટિયાં રાખતા હોય તો પણ અગર જો સ્વામી વિવેકાનંદનું ચિત્ર જુએ, અગર વીર ભગતસિંહનું ચિત્ર જુએ તો એના મનમાં સહજ રીતે આદરનો ભાવ પ્રગટતો હોય છે, આ કાશ્મીરથી કન્યાકુમારી સમગ્ર દેશની ભાવના છે. મિત્રો, અહિંયા બહુ ઓછા લોકો એવા હશે કે જેમને ખબર હશે કે ૧૮૯૩ માં સ્વામી વિવેકાનંદ આ જૂનાગઢની ધરતી પર આવ્યા હતા, જૂનાગઢમાં રોકાયા હતા અને અહિંથી પોરબંદર ગયા હતા. લાંબો સમય એ પોરબંદરમાં રોકાયા હતા. આવા મનીષીના ચરણરજથી આ જૂનાગઢ પવિત્ર થયેલું છે, એવી આ નગરીમાં આપણે ૧૫ મી ઓગસ્ટ ઊજવી રહ્યા છીએ.
ભાઈઓ-બહેનો, આપણા માટે ૧૫ ઓગસ્ટ કે ૨૬ જાન્યુઆરી કે ૧ લી મે એ કોઈ સરકારી કાર્યક્રમ નથી. માત્ર ધ્વજવંદનનો એક ચીલાચાલુ કાર્યક્રમ કરવો એ પરંપરા તો કેટલાંય વર્ષોથી ચાલતી હતી. ગાંધીનગરમાં સરકારી સમારંભ થાય, સરકારી અધિકારીઓ હાજર હોય, એકાદ બે નિશાળનાં બાળકો હાજર હોય અને રાષ્ટ્રિય પર્વની ઉજવણી થતી હતી. ભાઈઓ-બહેનો, આપણે રાષ્ટ્રિય પર્વોને ગાંધીનગરથી બહાર કાઢીને જિલ્લામાં લઈ ગયા અને રાષ્ટ્રિય પર્વને વિકાસના પર્વમાં પરિવર્તિત કરી દીધું અને આજે એનો લાભ, આખી ગાંધીનગરની ગુજરાત સરકાર જૂનાગઢના ચરણોમાં આવીને બેસી, મિત્રો. આ ઘટના નાનીસૂની નથી. મને ઘણા લોકોએ ટ્વિટર પર લખ્યું છે, કોઇએ ફેસબુક પર લખ્યું છે, કોઈએ ઈ-મેઇલ મોકલ્યો છે કે સાહેબ, જો અમારા સી.એમ. જૂનાગઢમાં રહેતા હોત તો..? એવું લખ્યું છે અને એણે આગળ લખ્યું છે કે સાહેબ જે રીતે સફાઈ થઈ છે જૂનાગઢની, એટલી બધી સફાઈ થઈ છે કે હવે આપ અહિંયા જ રહી જાઓ. મારે આ જૂનાગઢ જિલ્લાના ભાઈઓ-બહેનોને કહેવું છે કે અમે તો સફાઈ કરી, ચોખ્ખું ચણાક કરી દીધું, હવે જાળવવાનું કામ તો તમે કરો..! જૂનાગઢવાસીઓ નક્કી કરે કે હવે અમે જૂનાગઢને ગંદું નહીં થવા દઈએ. અને પછી આવનારા દિવસોમાં જે સાફ કરવાનું આવે એ કર્યા કરજો, હજુ ઘણા મોકા છે..! આપનું કામ આપ કરજો, અમારું કામ અમે કરીશું, આપણે ગુજરાતને ગૌરવવંતું બનાવતા રહીશું એ સપના લઈને આપણે ચાલી રહ્યા છીએ, એ કામ લઈને આપણે ચાલી રહ્યા છીએ.
ભાઈઓ-બહેનો, આજે મેં છાપામાં એક બહુ રમૂજી સમાચાર વાંચ્યા, સવારે ગાંધીનગરથી નીકળતો હતો ત્યારે. અહિં આવ્યા પછી મેં જરાક પૂછપરછ કરી તો મને થયું કે આ રમૂજી સમાચારની માહિતી તમને પણ આપવી જોઇએ, આપું ને..? પણ તમે પછી આગળ પહોંચાડશોને..? પાકે પાયે પહોંચાડશો? પછી માહિતી આમ અટકી ન જવી જોઇએ હોં, જવાનિયાઓ, મંજૂર..? મિત્રો, આજે મેં છાપામાં એવું વાંચ્યું કે મુખ્યમંત્રીના જૂનાગઢના મહોત્સવની અંદર આઠસો રૂપિયાની ભોજનની ડિશ પીરસવાની છે. બોલો, વાંચ્યું ને બધાંએ? મેં પૂછ્યું ભાઈ, એકેય ભોજન સમારંભ તો છે જ નહીં આખા કાર્યક્રમમાં, તો આ ડિશ ક્યાંથી આવી ને ખાવાનું ક્યાંથી લાવ્યા? તમારા કલેક્ટરે મને માહિતી આપી, જે બહુ મજેદાર છે. અહિંયા જે અન્ય રાજ્યના અધિકારીઓ અને બધા આવ્યા છે તેમને જમાડવા તો પડે. કોઈ ભોજન સમારંભ નથી. પરંતુ એમણે જે ટેન્ડર મંજૂર કર્યું છે એ ટેન્ડર એવું છે કે બે ટાઈમ ભોજન અને બે ટાઈમ ચા નાસ્તો, એના કુલ ખર્ચનું ટેન્ડર છે એક વ્યક્તિનું એકસો બત્રીસ રૂપિયા, કેટલું..? છાપામાં શું લખ્યું છે..? આઠસો રૂપિયા..! સાહેબ કેવી ચાલાકીઓ ચાલે છે એ જુઓ. પછી મેં કહ્યું કે ના, એવું ના હોય યાર, કંઈક તો હશે, એમનેમ ના છપાય. આઠસો... છાપાંવાળા આવું ધરાર ખોટું લખે એવું બને નહીં, તપાસ કરો. તો પછી તપાસ કરી કે આજે સાંજે માનનીય ગવર્નર સાહેબનો એક કાર્યક્રમ છે, ‘ઍટ હોમ’. એ કાર્યક્રમનું નિમંત્રણ ગવર્નર આપે છે, એ કાર્યક્રમનું આયોજન ગવર્નરની ઓફિસ કરે છે. ન એમાં નરેન્દ્ર મોદીને કંઈ લેવાદેવા હોય છે, ન રાજ્ય સરકારને લેવાદેવા હોય છે, અમારે તો ખાલી બિલ ચૂકવવાનું હોય છે. એમણે ટેન્ડર મંગાવ્યા હતાં, શેના માટે? ભોજન માટે નહીં...! બે ટાઈમનું ભોજન, બે ટાઈમનો નાસ્તો એકસો બત્રીસવાળાં નહીં..! એમણે ટેન્ડર મંગાવ્યું હતું સાંજે સાડા ચાર વાગે જે ‘ઍટ હોમ’ થાય છે, એ ઍટ હોમમાં જે લોકોને બોલાવ્યા હોય એમને નાસ્તો અને ચા આપવા માટેનું. અને એમાં જૂનાગઢના એક મહાશયે ટેન્ડર ભર્યું હતું, સાતસો રૂપિયા. એક ડિશના સાતસો રૂપિયા..! એ મહાશયનું નામ જાહેરમાં મારે બોલવું નથી એટલે બોલતો નથી. અને ગવર્નરે નક્કી કર્યું કે ઊભા રહો, એને થયું કે આ સાતસોવાળું કરવા જઈશું તો ક્યાંક આબરૂનું લિલામ થઈ જશે. જો મોદીના ડિપાર્ટમેન્ટમાં ગુજરાત ભાજપની સરકાર એકસો બત્રીસ રૂપિયામાં બે ભોજન અને બે ચા-નાસ્તા કરાવી શકતી હોય, તો આ એક ડિશના સાતસો દેવા કઈ રીતે? પછી એમણે કંઈ બીજા ટેન્ડરવાળાને બોલાવ્યા, વાટાઘાટો કરી, પણ આઠસોનું બિલ નથી. એક ભાઈએ સાતસો ભર્યા હતા એ વાત સાચી અને ભર્યા હતા એના કારણે કદાચ છાપાંવાળાએ છાપ્યું હોય, પણ ગવર્નર સાહેબે જે નાસ્તો નક્કી કર્યો છે એનું બિલ ચૂકવવાના છે એક ડિશનું અઢીસો રૂપિયા. ભાઈઓ-બહેનો, ગુજરાતનું રાજભવન એ કૉંગ્રેસ ભવન બની ગયું છે એનું આ પરિણામ છે અને છાપાના મિત્રોને પણ મારે કહેવું છે કે આંખ મીંચીને મોદીને બદનામ કરવાની જે પેરવી આદરી છે એમાં આવી રીતે ક્યારેકને ક્યારેક તમે સપડાઈ જશો. તમને હતું કે મોદી મરશે આનાથી, કે દુષ્કાળમાં આઠસો રૂપિયાની ડિશ ખાય છે, મોદી બદનામ થશે એવા ઇરાદાથી જેમણે મોદી સરકારને ખતમ કરવાની સોપારીઓ લીધી છે, એવા જૂઠાણાઓ ચલાવનારાઓને... સારું થયું કે આ વાત બહાર પડી એટલે મને કહેવાનો મોકો મળ્યો. આ નિર્ણય ગવર્નર સાહેબનો હોય છે. કમનસીબી છે મિત્રો, કમનસીબી છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે. આ એવી સરકાર છે કે જેણે ભૂતકાળની સરકારો કરતાં ખર્ચા ઘટાડ્યા છે, આ એવી સરકાર છે કે જેણે વિકાસના કામોની અંદર બજેટ ખર્ચ્યાં છે અને એનું પરિણામ છે કે આજે ગુજરાતમાં વિકાસ દેખાય છે.આપ વિચાર કરો, એક જમાનો હતો, આઈ.ટી.આઈ.ના કેવા હાલ હતા? આઈ.ટી.આઈ.માં ભણે એ વિદ્યાર્થીની સામે ય કોઈ ન જુએ એવી દશા હતી. અમે આઈ.ટી.આઈ. જેવી સંસ્થાઓની આબરૂ એટલી વધારી કે અહિંયા છ જુવાનિયા એવા મળ્યા કે જે આઈ.ટી.આઈ. ભણ્યા હતા, જર્મનીની કંપનીએ એમને પસંદ કર્યા અને જર્મનીમાં ઉત્તમ દેખાવ કરીને આવ્યા એના પ્રમાણપત્ર આપવાનો મને અવસર મળ્યો. પરિવર્તન કેવી રીતે લવાય છે, મિત્રો? અહિંયા મેં એમ્પાવર, ઇલેક્ટ્રૉનિક મેન પાવર, એના માટેનાં સર્ટિફિકેટ આપ્યાં. દીકરા-દીકરીઓ, જવાનિયાઓ આજના યુગમાં કોમ્પ્યુટર જાણે એ જરૂરી છે. સાતમું ભણેલા માણસને પણ કોમ્પ્યુટર આવડવું જોઇએ. ગુજરાતનો ગરીબ માનવી પાછળ રહી જાય એ આપણને પાલવે નહીં અને એના માટે એમ્પાવરની સ્કીમ બનાવી અને આ એમ્પાવરની અંદર આજની તારીખે મારી માહિતી છે, સમગ્ર ગુજરાતમાં બે લાખ દીકરા-દીકરીઓ આ એમ-કોમ્પ્યુટર ટ્રેનિંગ લઈ રહ્યા છે, બે લાખ દીકરા-દીકરીઓ કોમ્પ્યુટરની ટ્રેનિંગ લઈ રહ્યા છે. ભાઈઓ-બહેનો, વિકાસ કેવી રીતે કરાય, આ ગુજરાતના નવજુવાનોને રોજગાર કેવી રીતે મળે, એના માટેનું અભિયાન ઉપાડ્યું છે. હમણાં ઑલિમ્પિકના ખેલ પૂરા થયા, આપણા દેશમાંથી ઑલિમ્પિકની અંદર આપણે ઝાઝું કરી શકતા નથી. આપણે ખેલ મહાકુંભ દ્વારા એક વાતાવરણ બનાવ્યું છે અને આ વખતે વિવેકાનંદજીની ૧૫૦ મી જયંતી નિમિત્તે ગુજરાતભરમાં યુવકો, યુવતીઓને રમતગમત તરફ વાળવા માટેનો એક પ્રયત્ન આદર્યો છે. અને વિવેકાનંદજીની આ ૧૫૦ મી જયંતીને ‘યુવા વર્ષ’ તરીકે મનાવીને આ જુવાનિયાઓને રમત-ગમતનાં સાધનો આપીને ગામેગામ લોકો રમે, પરસેવો પાડે, ધૂળમાં આળોટે, ભારતમાતાની ધૂળમાં આળોટે એનું વાતાવરણ, સ્વામી વિવેકાનંદજીએ જે સંદેશો આપ્યો હતો એને સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે અને આજે એની પહેલી કિટ જૂનાગઢમાં ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે આજે આપવાનો અવસર મળ્યો છે.
ભાઈઓ-બહેનો, જૂઠાણાની એક સીમા હોય છે. ચૂંટણીઓ આવે ને જાય, સત્તા મેળવવાની લાલચ દરેકને હોય, ભાજપ જાય અને બીજાને સત્તા પર બેસવાની ઇચ્છા હોય, હોય લોકશાહીમાં... પરંતુ એનો અર્થ એ નથી કે ગુજરાતના જાહેરજીવનને ખેદાન-મેદાન કરવાની પ્રવૃત્તિ થાય. હું કલ્પના નથી કરી શકતો, મિત્રો. જે પ્રકારની પ્રવૃત્તિ આદરવામાં આવી છે, જૂઠાણાની કોઈ સીમા નહીં..! અને ગુજરાતની માતાઓ-બહેનો, જે લોકો આ જૂઠાણા ફેલાવે છે, તમને હું ચેતવણી આપવા માગું છું. પેલા એક કા તીનવાળા આવે છે ને એક કા તીન, ઘણીવાર ઘરોમાં, ગામડામાં, મહોલ્લામાં બહેનો હોય ત્યાં પહોંચી જાય કે તમે આટલા આપશો તો ત્રણ ગણા થઈ જશે, તમે લોઢું આપશો તો સોનું થઈ જશે અને બોલે એવું સરસ કે લાલચમાં આવીને માણસ એકવાર આપી પણ દે અને એમાં તો ઘરેણાં ય ઊતારી લે છે અને એમાં એમાં લૂંટાઈ જતા હોય છે. આજકાલ રાજકારણમાં એવા ખેલ ચાલ્યા છે. એક કા તીન... કાગળ આપીને તમને એમ કહે કે મકાન આપી દઈશું, આ કાગળ આપવાવાળાઓને એમ કહો કે તમે આટલા બધા સાચા છો ને કરવા માગો છો ને, તો આ પાડોશમાં દીવ છે દીવ, દૂર નથી... આ દીવમાં કૉંગ્રેસની સરકાર છે, દિલ્હીમાં કૉંગ્રેસની સરકાર છે, કમ સે કમ દીવમાં તો પાંચ હજાર મકાન બનાવી દો. આટલું તો કરી બતાવો, ભાઈ. ત્યાં ગરીબોને પાંચ હજાર મકાન આપો અને ગુજરાત આખામાં હું કહીશ કે ભાઈ, આ લોકોનો સારો કાર્યક્રમ છે, એમને સત્તા પર લાવવા જોઇએ, જેથી કરીને મકાન મળે. એક તો કરી બતાવો..! અને બીજું આ કાગળિયા વહેંચવાવાળાને તમે કહો કે તમે કાગળ વહેંચોને તો ઉપર ભારત સરકારનો સિક્કો હોય, પ્રધાનમંત્રીની સહી હોય એવો કાગળ તમે આપો તો માનીએ કે તમે કંઈક મકાન આપવાના છો. ભાઈઓ-બહેનો, આ છેતરપિંડી ચાલી રહી છે. જાહેરજીવનમાં આવી છેતરપિંડી ન હોઈ શકે, ચૂંટણી ઢંઢેરા હોઈ શકે, પરંતુ પ્રજાની આ પ્રકારે છેતરપિંડી ચાલી રહી છે. અને આ એક પ્રકારનાં ગુનાહિત કૃત્ય છે અને આવનારા દિવસોમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરવાવાળાઓને આ ગુજરાતમાં સહન કરવાનું આવવાનું છે. ભાઈઓ-બહેનો, આ લોકો વચન આપીને ગયા હતા. માતાઓ-બહેનો, ૨૦૦૯ માં વોટ લઈ ગયા ત્યારે કહ્યું હતું ને તમને કે અમે સો દિવસમાં મોંઘવારી હટાવીશું, મોંઘવારી હટાવવાનું કહ્યું હતું? ખોંખારીને બોલો, મોંઘવારી હટાવવાનું કહ્યું હતું? મોંઘવારી હટી..? આવાં જુઠ્ઠાં વચનો આપનારાઓથી ચેતતા રહેજો. માતાઓ-બહેનો, જાગૃતિની જરૂરિયાત છે અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે નાગરિકોને સાચી વાત કહેવી, જાગૃતિ લાવવી એ મારી જવાબદારીનો ભાગ છે અને એટલા માટે હું કહું છું.
કેટલાક લોકો એમ કહે છે કે સોરઠના વિકાસનું તમે પેકેજ આપ્યું હતું, શું થયું? તમે સદભાવનામાં આવ્યા ત્યારે પેકેજ આપ્યું હતું, શું થયું? ભાઈઓ-બહેનો, અમે હિસાબ આપવાની તાકાત ધરાવીએ છીએ અને આજે જનતા જનાર્દનની વચ્ચે, નવજુવાનિયાઓની વચ્ચે, માતાઓ-બહેનોની વચ્ચે મારે હિસાબ આપવો છે. હમણાં જ, આ સાત દિવસમાં મારા મંત્રીઓ જે અહિં આવ્યા, ગામોગામ ખાતમુહૂર્તો કર્યાં, ઉદઘાટન કર્યાં. કુલ લગભગ દસ હજાર પ્રોજેક્ટોનાં ઉદઘાટન કર્યાં છે અને એની રકમ થાય છે ૨૧૦૦ કરોડ રૂપિયા, ૨૧૦૦ કરોડ રૂપિયા. ભાઈઓ-બહેનો, કામ કેવી રીતે કરાય એ અમે કરી બતાવ્યું છે અને વિકાસ સિવાય કોઈ આરો નથી, મિત્રો. દુનિયાની સ્પર્ધા કરવી હશે તો વિકાસ કરવો પડશે. હમણાં ભારત સરકારે આંકડા બહાર પાડ્યા. ભારત સરકારના આંકડા છે, એ એમ કહે છે કે સમગ્ર દેશમાં સૌથી વધારે રોજગાર આપવાનો યશ કોઈને જતો હોય તો ગુજરાતને જાય છે. ૭૨% લોકોને રોજગારી મળતી હોય તો ગુજરાતમાં મળે છે અને ૨૮% માં આખું હિંદુસ્તાન આવે છે. કેટલો બધો ફર્ક છે..? અને હમણાં મેં એમને પ્રશ્ન પૂછ્યો. તમે ગુજરાતને બદનામ કરનાર કૉંગ્રેસના મિત્રો, હું તમને સવાલ પૂછું છું. દહેજની અંદર ઓ.એન.જી.સી. નું એક એકમ છે, ભારત સરકારનું એક એકમ છે અને એ એકમમાં બે હજાર જેટલા લોકો કામ કરે છે. મેં એમને પૂછ્યું કે આમાં ગુજરાતના છોકરાઓ કેટલા છે? અરે દિલ્હીના લોકો, મારો હિસાબ માગતા પહેલાં અમને જવાબ આપો. બે હજાર લોકો ઓ.એન.જી.સી. ના એકમમાં કામ કરે છે અને નવજુવાન મિત્રો, માત્ર ને માત્ર પાંચ ગુજરાતના છોકરાઓને એ લોકોએ રોજગારી આપી છે. અને અહિંયાં તમે ઉશ્કેરણીઓ કરો છો, ગુજરાતના નવજુવાનોના ભવિષ્ય પર તાળાં મારવાના ખેલ કરો છો..? એક પછી એક એવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ભાઈઓ. અને આટલી મોટી સંખ્યામાં માતાઓ-બહેનો, નવજુવાનો આવ્યા છે, આઝાદીનું પર્વ મનાવી રહ્યા છીએ ત્યારે આ દેશ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ કેટકેટલા લોકોએ આ ભારતમાતાના કલ્યાણને માટે જીવન ખપાવી દીધાં, બલિદાન આપી દીધાં, અને તમે શું આપ્યું? એક લાખ છોત્તેર હજાર કરોડનો ભ્રષ્ટાચાર, એક મંત્રી કરી ગયો. ભ્રષ્ટાચાર સિવાય દિલ્હીથી કોઈ સમાચાર નથી આવતા, કોઈ સારાં કામના વાવડ નથી આવતા. અરે, ગરીબના પેટનું લૂંટાઈ રહ્યું છે ભાઈઓ, આ પ્રકારની જે પ્રવૃત્તિ ચાલી રહી છે. હમણાં એક છાપામાં એમણે જાહેરાત આપી, ભારત સરકારની ઑફિશિયલ જાહેરાત અને નર્યા જૂઠાણા, એક પછી એક જૂઠાણાની તલવાર. ભાઈઓ-બહેનો, આવનારા દિવસોમાં આ જૂઠાણું વધતું જવાનું છે. આવનારા દિવસોમાં ગુજરાતની આબરૂને બટ્ટો લગાડવા માટે જાતજાતના પ્રયત્નો પણ થવાના છે. આ મેં તમને આઠસોની ડિશની વાત વિસ્તારથી એટલા માટે કરી કે હવે તમે દરેક ચીજ વાંચો ત્યારે સમજી લેજો કે આવું કોઈ ને કોઈ જૂઠાણું હશે..!
ભાઈઓ-બહેનો, આઝાદીના પર્વ નિમિત્તે આપણે જ્યારે એકત્ર થયા છીએ ત્યારે ગુજરાતમાં સખીમંડળોનું કામ પૂરવેગથી ચાલી રહ્યું છે. આજે સવા બે લાખ જેટલાં સખીમંડળો બન્યાં છે અને સવા બે લાખ સખીમંડળો લગભગ ૧૬૦૦ કરોડ રૂપિયાનો કારોબાર કરે છે અને આવનારા દિવસોમાં આ સખીમંડળોને મારે ૫૦૦૦ કરોડ રૂપિયાના કારોબાર સુધી લઈ જવા છે. જૂનાગઢ જિલ્લામાં દરિયાકિનારે એક નવું કામ શરૂ કરવું છે, સી-વીડની ખેતી. ગઈકાલે મેં સાગરખેડુ કાર્યક્રમમાં વિસ્તારથી સમજાવ્યું છે. દરિયાના ખારાપાટ પાણીમાં ઉત્તમ પ્રકારની એક વનસ્પતિ પેદા થાય છે, જે વનસ્પતિની માંગ આખી દુનિયામાં છે. દવાઓ બનાવવા માટે ઉત્તમમાં ઉત્તમ વનસ્પતિ છે. આ અમારી દરિયાકિનારે વસતી ગરીબ બહેનો આસાનીથી એની ખેતી કરી શકે એમ છે. અને એ માલ ઉપાડવા માટે દુનિયાની કંપનીઓ તમારા ત્યાં ઘરઆંગણે આવે એ પ્રકારની પરિસ્થિતિ છે. રાજ્ય સરકારે એક મોટું અભિયાન ઉપાડ્યું છે કે દરિયાકિનારે વસતી મારી આ ગરીબ બહેનોને રોજીરોટી મળે, એના માટેનો વિચાર આ સરકારે ઉપાડ્યો છે. અને એનો લાભ મારી આ ગરીબ બહેનોને મળવાનો છે, સખીમંડળો દ્વારા મળવાનો છે અને એમના જીવનમાં ક્યારેય કોઈ દિવસ નિરાશા ન આવે એ કામ આ સરકારે ઉપાડ્યું છે.
ભાઈઓ-બહેનો, બહેનો સામર્થ્યવાન બને, શક્તિશાળી બને એના માટે મેં વિધાનસભામાં નિર્ણય કર્યો. નકારાત્મકતા કેટલી છે..! અમે વિધાનસભામાં નિર્ણય કર્યો કે સમાજમાં પચાસ ટકા ભાઈઓ છે અને પચાસ ટકા બહેનો છે, અડધો અડધ બહેનો છે તો પંચાયતમાં અડધો અડધ બહેનો કેમ ન હોય? નગરપાલિકામાં અડધો અડધ બહેનો કેમ ન હોય? મહાનગરપાલિકામાં અડધો અડધ બહેનો કેમ ન હોય..? હોવી જોઈએ ને..? જોરથી બોલો બહેનો, તમારા માટે લડું છું. અમે વિધાનસભામાં કાયદો કર્યો કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા એમાં બહેનો માટે પચાસ ટકાનું રિઝર્વેશન કરવામાં આવશે. કમનસીબે ગુજરાતના ગવર્નરે એ અમારા ઠરાવ પર સહી ન કરી અને લટકાવી દીધું, એક વર્ષથી પડી રાખ્યું છે. એક બહેન ગવર્નર હોવા છતાંય આ પ્રકારની ગુજરાત વિરોધી પ્રવૃત્તિ ચાલે, માતાઓ-બહેનો વિરોધી પ્રવૃત્તિ ચાલે એ કોઈ કાળે લોકશાહીમાં શોભતું નથી. રાજ્યપાલના પદનું સન્માન કરનારા અમે વ્યક્તિઓ છીએ, એની ગરિમાનું સન્માન કરનારા વ્યક્તિઓ છીએ પરંતુ જો રાજભવન રાજકીય કાવાદાવાનો અડ્ડો બની જાય તો ગુજરાતની જનતા સહન નહીં કરે અને ગુજરાત સરકાર એની સામે લડવા માટે મક્કમ નિર્ધાર કરીને નીકળી છે. ભાઈઓ-બહેનો, જે પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ પ્રવૃત્તિની સામે લાલ આંખ કરવાનો સમય આવી ગયો છે.
નવજુવાન મિત્રો, આ સરકાર આપના ભવિષ્ય માટે કામ કરી રહી છે, આપને રોજીરોટી મળે એના માટે કામ કરી રહી છે, આપની જિંદગી ઓશિયાળી ન રહે એના માટે કામ કરી રહી છે. હિંદુસ્તાનભરની બીજી સરકારો આજે ડૂબી રહી છે, રાજ્ય ડૂબી રહ્યાં છે. એકમાત્ર ગુજરાત..! હમણાં તમે જોયું હશે અંધારપટ, ઓગણીસ જિલ્લા અને સાંઇઠ કરોડ દેશવાસીઓ અડતાલીસ કલાક અંધારાંમાં લપેટાઈ ગયા. હોસ્પિટલો બંધ, ગાડીઓ બંધ, દવાખાનાં બંધ, ઘરની અંદર લાઈટ નહીં, ટીવી નહીં, કંઈ જ નહીં... આ એકવીસમી સદીમાં એકમાત્ર ગુજરાત એવું હતું કે જ્યાં લાઈટ ન ગઈ. ભાઈઓ, આ ગુજરાતે કરી બતાવ્યું છે. અને આ વિષય પર જ્યારે આપણે આગળ વધ્યા છીએ ત્યારે આજના સંમેલનમાં સ્વામી વિવેકાનંદનું સ્મરણ કરીને વિવેકાનંદ યુવા વર્ષની અંદર સ્કિલ ડેવલપમેન્ટના જે કામો ચાલ્યાં છે, મારી જુવાનિયાઓને વિનંતી છે કે આપ બી.એ. ભણતા હોવ, બી.કોમ. ભણતા હોવ, બી.એસ.સી. ભણતા હોવ, કોઈપણ વિષયમાં ભણતા હોવ પણ થોડો સમય કાઢીને અઠવાડિયાંમાં કલાક, બે કલાક કોઈ ને કોઈ સ્કિલ ડેવલપમેન્ટના કોર્સ કરવા જોઇએ, આપના જીવનમાં બહુ ઉપયોગી થશે. અને આ રાજ્ય સરકારે સ્કિલ ડેવલપમેન્ટનું મોટું અભિયાન ચલાવ્યું છે. મારા ગુજરાતના નવજુવાનિયાઓ, દીકરા-દીકરીઓએ સ્કિલ ડેવલપમેન્ટમાં પણ માહેર થવું જોઇએ અને તો જ ચીન સામેની લડાઈ આપણે જીતી શકીએ. ચીન સામે હિંદુસ્તાનને આગળ લઈ જવું હોય તો આપણી યુવાશક્તિમાં સ્કિલ ડેવલપમેન્ટ કરવું પડે, એમનામાં હુન્નર આવવું જોઇએ. માત્ર પરીક્ષા પાસ કરીને સર્ટિફિકેટ લઈને ફરવું પડે એવી સ્થિતિ મારે ગુજરાતના જુવાનિયાઓની જોવી નથી. હું એ જુવાનિયાઓને અવસર આપવા માગું છું અને અવસરનો લાભ જવાનિયાઓ લે એવી મારી વિનંતી છે.
ભાઈઓ-બહેનો, આજે સાંજે દેશની આઝાદી અને જૂનાગઢના ગૌરવને જાહેર કાર્યક્રમમાં આપણે જોવાના છીએ. આવતીકાલે ધ્વજવંદનમાં ગુજરાતની અસ્મિતાનાં, ગુજરાતની શક્તિનાં દર્શન કરવાના છીએ અને હું આપની સાથે છું. અહિં આટલી મોટી સંખ્યામાં આપે મને માન-મરતબો આપીને સન્માન કર્યું એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું.
જય જય ગરવી ગુજરાત...!! વંદે માતરમ...!!
પૂરી તાકાતથી નવજવાનો, વંદે માતરમ...!! વંદે માતરમ...!! વંદે માતરમ...!!