પ્રધાનમંત્રીએ આજે એ હકીકતની ટીકા કરી હતી કે, ચૌરી-ચૌરા પ્રકરણમાં શહીદ થયેલા સ્વતંત્રતા સેનાનીઓને ઇતિહાસના પાનાંઓમાં ઉચિત મહત્વ મળ્યું નથી. તેમણે જણાવ્યું હતું કે, અમારા પ્રયાસો દેશ સામે ઓછા જાણીતા શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓની શૌર્યગાથાઓને લાવવાનાં છે, જેથી તેમને ઉચિત શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકાશે. જ્યારે ભારતે આઝાદી મળ્યાનાં 75મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે આ બાબત વધારે પ્રસ્તુત બની ગઈ છે. શ્રી મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ચૌરી-ચૌરામાં ચૌરી-ચૌરા શતાબ્દી સમારંભનું ઉદ્ઘાટન કર્યા પછી સંબોધન કર્યું હતું, જેમાં આ વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ચૌરી-ચૌરાના શહીદોની ચર્ચા જેટલી થવી જોઈએ એટલી થતી નથી, તેમને જેટલું મહત્ત્વ મળવું જોઈએ એટલું મળતું નથી એ કમનસીબ બાબત છે. ચૌરી-ચૌરા સામાન્ય લોકોનો સ્વપ્રેરિત સંઘર્ષ હતો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, “આ સંગ્રામના ક્રાંતિકારીઓને ઇતિહાસના પાનાઓમાં ઉચિત સ્થાન મળ્યું નથી છતાં તેમનું લોહી, તેમની ભાવના આ દેશની માટીમાં ભળી ગઈ છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા સંગ્રામમાં આ પ્રકારની ઘટના ભાગ્યે જ જોવા મળે છે, જેમાં 19 સ્વતંત્રતા સેનાનીઓ એક સંઘર્ષ માટે ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યાં હતાં. શ્રી મોદીએ બાબા રાઘવદાસ અને પંડિત મદનમોહન માલવિયાના પ્રયાસોને યાદ કર્યા હતા, જેમણે ફાંસીની સજામાંથી આશરે 150 લોકોને બચાવ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ એ વાત પર ખુશી વ્યક્ત કરી હતી કે, સંપૂર્ણ અભિયાન સાથે વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાયા છે, જેઓ સ્વતંત્રતા સંગ્રામના બહુ ઓછા જાણીતા પાસાઓને શોધવા પ્રયાસો કરી રહ્યાં છે. તેમણે સ્વતંત્રતા સેનાનીઓ પર પુસ્તકો લખવા માટે યુવાન લેખકોને આમંત્રણ આપવાની શિક્ષણ મંત્રાલયની પહેલનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, ચૌરી-ચૌરાના ઘણા સ્વતંત્રતા સેનાનીઓની જાણકારી દેશને મળશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ચૌરી-ચૌરા શતાબ્દી સમારંભને સ્થાનિક કળા અને સંસ્કૃતિ તથા આત્મનિર્ભરતા સાથે જોડવામાં આવ્યો છે, જે આપણા સ્વતંત્રતા સેનાનીઓને ખરાં અર્થમાં શ્રદ્ધાંજલિ છે. તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને ઉત્તરપ્રદેશ સરકારની આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ પ્રશંસા કરી હતી.