મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજન્ય મૂલાકાતે આવેલા ભારત સરકારે નિયુકત કરેલી યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (U.I.D.A.I) ના અધ્યક્ષ શ્રી નંદન નિલેકાનીએ યુનિક આઇ.ડી. પ્રોજેકટની સફળતા માટે ગુજરાત સરકારે જે આગોતરી પૂર્વતૈયારીઓ સાથે સર્વગ્રાહી મંથન કર્યું છે તેની પ્રસંશા કરી હતી અને ગુજરાત U.I.D.માં મોડેલ બને તે માટે UIDAI અને ગુજરાત સરકાર સંયુકત રીતે સહભાગી બનીને કાર્યયોજના સાથે આગળ વધશે એમ જણાવ્યું હતું.
યુનિક આઇ.ડી. પ્રોજેકટ અને આધાર દ્વારા સામાન્ય નાગરિકોને જે ફાદાઓ થવાના છે તેની રૂપરેખા અને ગુજરાતમાં યુનિક આઇ.ડી. પ્રોજેકટની પ્રક્રિયાની કાર્યપધ્ધતિ અંગે મુખ્યમંત્રીશ્રી સાથે શ્રી નંદન નિલેકાનીએ દોઢ કલાક સુધી પરામર્શ બેઠક યોજી હતી. ગુજરાત સરકાર UNIQUE ID પ્રોજેકટના માધ્યમ દ્વારા તમામ સેવાઓ, યોજનાઓ અને વ્યકિતગત સરકારી કાર્યક્રમોના પારદર્શી અમલીકરણ માટેનું સર્વસમાવેશક આયોજિત મોડેલ તૈયાર કરવા પ્રતિબધ્ધ છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રી નંદન નિલેકાનીને જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના સૂચનને આવકારતાં શ્રી નંદન નિલેકાનીએ ગુજરાત સરકારની ટીમ સાથે UNIQUE આઇ.ડી.ની સર્વગ્રાહી યોજના માટે કાર્યશિબિર યોજવાની તત્પરતા વ્યકત કરી હતી. અન્ય રાજ્યો તથા દેશોમાં UNIQUE ID માટેની ઉત્તમ વ્યવસ્થાનો અભ્યાસ કરવા, ટેકનોલોજીના માધ્યમનો તથા યોગ્ય માનવશકિતનો સુચારૂ ઉપયોગ થાય તેના ઉપર મુખ્યમંત્રીશ્રીએ ખાસ ભાર મૂકયો હતો, અને રાષ્ટ્રીય હિતોને કોઇ પ્રકારે હાની પહોંચે નહીં પરંતુ સામાન્ય અને ગરીબ નાગરિકોને તેના હક્કોનો લાભ મળે, બધી સરકારી યોજનાઓનું અને સેવાઓનું પારદર્શી અમલીકરણ થાય તથા મિલ્કતો અને નાગરિકોના સલામતી અધિકારોનું રક્ષણ થાય તે દિશામાં ગુજરાત UNIQUE ID પ્રોજેકટ હાથ ધરવા આતુર છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શ્રી નંદન નિલેકાનીની મુખ્યમંત્રીશ્રી સાથેની આજની બેઠક UNIQUE ID ના માધ્યમથી સામાન્ય માનવી માટેની સેવાઓ અને અધિકારો માટેની અનેક નવી ક્ષિતિજો ગુજરાતમાં આકાર લેશે જે દેશને પથદર્શક બનશે.
આ બેઠકમા_ UIDAIના અન્ય પદાધિકારીઓ ઉપરાંત આયોજનના અધિક મુખ્ય સચિવશ્રી વી. એન. માયરા અને મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન ઉપસ્થિત હતા.