દિલ્હી મુંબઇ કરતાં વધુ મોંધા ભાવે ગેસ આપી કેન્દ્રની સરકાર ગુજરાતને અન્યાય કરી રહી છેઃ કેન્દ્રના
ભેદભાવયુકત વલણના કારણે ગુજરાતની જનતા પીસાય છે -અરૂણ જેટલી
દિલ્હી મુંબઇ કરતાં ગુજરાતને મોંધા ભાવે ગેસ મળે છે તે કેન્દ્રનુ ભેદભાવયુક્ત વલણ છે ધરેલું ગેસ
વપરાશકારોને મોંધા ભાવના ગેસનો પ્રશ્ન સંસદમાં ઉઠાવા અરૂણ જેટલી
દિલ્હી-મુંબઇને જે ભાવે ગેસ અપાય છે તે ભાવે ગુજરાતને મળે તો ગુજરાત સરકાર તાત્કાલિક અસરથી ૩૦
ટકા ઓછા ભાવે ગેસ આપવા તૈયાર - સૌરભભાઇ પટેલ
રાજ્ય સભાના વપિક્ષના નેતા શ્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે કે, કેન્દ્રની સરકાર દિલ્હી અને મુંબઇને જે ભાવે ધરગથ્થુ વપરાશનો ગેસ આપે છે તે ભાવે અમદાવાદને આપતી નથી તે હકીકત છે અને આ પ્રકારે કેન્દ્રની સરકાર અમદાવાદ-ગુજરાતને જે અન્યાય કરી રહી છે તે સમગ્ર પ્રશ્ન સંસદમાં ઉઠાવવામાં આવશે.
આજે અમદાવાદમાં શ્રી અરૂણ જેટલીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર સતત કેન્દ્રમાં આ અંગેની રજૂઆતો કરી રહી છે છતાં કેન્દ્રના ભેદભાવયુકત વલણને કારણે જ ગુજરાતની પ્રજાને ગેસ મોંધો મળે છે અને ગુરાતની પ્રજા પીસાઇ રહી છે.ગઇકાલે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી આર.પી.એન. સિંહે અમદાવાદમાં કરેલા નિવેદનનો ઉલ્લેખ કરી શ્રી જેટલીએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં એમ્પાવર ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ નીતિ ધડે છે અને તેના આધારે કેન્દ્ર સરકારના સાહસો-રિફાઇનરીઓ-ઉઘોગોને ગેસની ફાળવણી થતી હોય છે. આ બાબતે તો અમે ક્યારેય વાંધો નથી ઉઠાવ્યો જ નથી, પરંતુ ધરેલુ વપરાશકારોને જે ભાવે અને જે ફોર્મ્યુલાથી દિલ્હી-મુંબઇમાં ગેસ મળે છે તે આધારે અમદાવાદને કેમ નહી ? એ અન્યાયનો અમે વિરોધ કરી રહ્યા છીએ. ખરેખર તો કેન્દ્રીય મંત્રીશ્રીએ અમદાવાદ આવીને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનું પાપ જ કર્યું છે અને ગુજરાતને ગેસના પ્રશ્ને થઇ રહેલા આ અન્યાયની બાબત સંસદમાં પણ ઉઠાવાશે એવો સ્પષ્ટ નિર્દેશ શ્રી અરૂણ જેટલીએ આપ્યો હતો. કેન્દ્ર સરકારના સાહસો-રિફાઇનરીઓને અપાતો ગેસ પણ કેન્દ્ર સરકાર ગુજરાતના કવોટામાં ગણી લે છે. રાજ્ય સરકારની આ અંગેની વારંવારની રજૂઆતોને કેન્દ્ર સરકાર ધ્યાનમાં લેતી જ નથી આના પરિણામે ગુજરાત સરકારના સાહસ GSPC ને મોંધા ભાવનો આયાતી ગેસ મંગાવવો પડે છે. ગુજરાત હાઇકોર્ટે પણ મુંબઇ-દિલ્હીને અપાતી ફોર્મ્યુલા અને ભાવે અમદાવાદને ગેસ આપવાનો ફેંસલો આપેલો છે એ હકીકત જ પુરવાર કરે છે કે કેન્દ્ર સરકાર અમદાવાદને મુંબઇ-દિલ્હીના ભાવે ગેસ આપતી નથી અને ગેસ એ જ ભાવે મળે તેનો સત્વરે અમલ થવો જોઇએ તેમ પણ શ્રી જેટલીજીએ જણાવ્યું હતું.
ઊર્જા રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, દિલ્હી-મુંબઇને જે ભાવે ગેસ અપાય છે તે ભાવે ગુજરાતને મળે તો ગુજરાત સરકાર તાત્કાલિક અસરથી ૩૦ ટકા ઓછા ભાવે ગેસ આપવા તૈયાર છે. કેન્દ્ર સરકાર મોટી કંપનીઓને ગેસ આપે છે અને દેશમાં ૯૫ ટકા ગેસ મોટા ઉઘોગો વાપરે છે.
ગુજરાતને APM ગેસ ૪.૨૦ US Doller / MMBTU ના ભાવે મળે છે. PPL RLNG ૯.૧૪ US Doller / MMBTU ના ભાવે મળે છે અને ગુજરાત ૧૬.૩૬ US Doller / MMBTU ના ભાવે વધારાની ખરીદી કરે છે. જ્યારે દિલ્હી-મુંબઇને સસ્તા ભાવે ગેસ મળે છે. આમ ગુજરાતને ભારોભાર અન્યાય થાય છે.
રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે એમ પણ જણાવ્યું કે હાઇકોર્ટના ચૂકાદા પ્રમાણે જ દિલ્હી અને મુંબઇના ૪.૨૦ US Doller / MMBTU ઓછા ભાવના ગેસનો પૂરવઠો ગુજરાતને ફાળવવાના આ ન્યાયિક ફેંસલાનુ અક્ષરશઃ પાલન કેન્દ્ર સરકારે કરવું જ જોઇએ અને હાઇકોર્ટના ચૂકાદાનું પાલન કરવાને બદલે સર્વોચ્ચ અદાલતમાં ગુજરાત સામે જવાની પેરવી કરતા હોય તો તે રોકાવી જોઇએ.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશની સૌથી ગણમાન્ય કંપની જી.એસ.પી.સી. ૯.૬ લાખ ધરગથ્થુ વપરાશકારો તથા ૪.૫ લાખ સી.એન.જી. વાહનોને ગેસગ્રીડ દ્વારા ગેસ પુરો પાડવા પ્રતિબધ્ધ છે ત્યારે આ ગેસગ્રીડને રોકવાનો પ્રયાસ પણ કેન્દ્રની સરકાર કરે છે.
કેન્દ્રની ભેદભાવયુકત નીતિની આલોચના કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્રનું એમ્પાવર ગ્રુપ ઓફ મિનીસ્ટર્સના પાંચ સભ્ય મંત્રીઓ નકકી કરે તે પ્રમાણે ગેસની ફાળવણી થાય છે ત્યારે ગઇકાલે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી સિંધ આ બાબતથી અજાણ હોય તેમ માની શકાય તેમ નથી.
દિલ્હી-મુંબઇ કરતાં મોંધા ભાવે અમદાવાદ ગુજરાતને ગેસ આપતી કેન્દ્રી કોંગ્રેસ સરકાર છેલ્લા વર્ષોથી ગુજરાતની પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા ધસડી ગઇ છે. છતાં કોંગ્રેસ પ્રજાના હામી હોવાના ખોટા દેખાડા કરી જુઠ્ઠા નિવેદનો દ્વારા ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે પણ ગુજરાતની પ્રજા આવા તત્વોને બરાબર ઓળખી ગઇ છે એમ તેમણે જણાવ્યું હતું