કૃષિ મહોત્સવ - વિડિયો કોન્ફરન્સથી મુખ્યમંત્રીશ્રીનો ખેડૂતો સાથે વાર્તાલાપ
જૈવિક ખાતરના વપરાશ માટે ગુજરાત સરકારની આગવી પહેલ
ખેતીને સશકત બનાવવા જૈવિક ખાતર
કેન્દ્ર સરકારે રાસાયણીક ખાતરની અપાતી સબસીડીમાં આ વર્ષે ટન દીઠ રૂ. છ હજાર કાપ મૂકીને ખેડૂતોને કરોડોનું આર્થિક નુકશાન કર્યું
ગુજરાતના ખેડૂતોને રાસાયણીક ખાતરની ફાળવણીમાં અન્યાયનો સીલસીલો કેન્દ્ર સરકારે ચાલુ જ રાખ્યો છે
ગુજરાત સરકારે ખાતરના સંગ્રહ માટે ખાસ ભંડોળ બનાવ્યું
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ મહોત્સવ અભિયાન અંતર્ગત આજે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી ખેડૂતો સાથે સાન્ધ્ય વાર્તાલાપ કરતા કેન્દ્ર સરકાર ઉપર ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે રાસાયણીક ખાતરની ફાળવણીનો ઘોર અન્યાય કરવાનો અને ગુજરાતની ખેતીને રૂંધવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં, આ વર્ષે તો ખેડૂતોને ખાતરની સબસીડીમાં રૂા. ૬,૦૦૦ ટનદીઠ ઓછી કરી નાંખીને ખેડૂતોને મોંઘવારીમાં વધુ કરોડો રૂપિયાના નુકશાનમાં ધકેલી દીધા છે એમ પણ જણાવ્યું હતું.
કૃષિ મહોત્સવની સફળતાની સૌથી મોટી તાકાત ખેડ-ખાતર અને પાણીમાં છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ આજે ખાતરના વૈજ્ઞાનિક ઉપયોગની મહત્તા પ્રસ્તુત કરી હતી.
હવે દુનિયામાં રાસાયણીક ખાતરથી પેદા થતી ખેતપેદાશોથી દૂર રહેવાની માનસિકતા જન્મી છે અને જૈવિક ખેતપેદાશો-ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતો વળ્યા છે તેવા બદલાયેલા પ્રવાહમાં જૈવિક ખાતર ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને જૈવિક ખેતી અપનાવવા પ્રેરક માર્ગદર્શન મુખ્યમંત્રીશ્રીએ આપ્યું હતું.
પાકની વૃધ્ધિ અને વિકાસ માટે ૧૭ સુક્ષ્મ પોષક તત્વોની જરૂર છે પરંતુ ખાતરની જરૂર સામે સમયસર પુરતું ખાતર ખેડૂતોને મળતું જ નથી એની પાછળના કારણો સ્પષ્ટ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાસાયણીક ખાતરોની ફાળવણી આખો ઇજારો કેન્દ્ર સરકાર પાસે છે. એક કીલો નવુ ખાતર પેદા કરવા કોઇ નવા ખાતરના કારખાના નાંખ્યા નથી. દુનિયાના કેટલાક દેશો છે જેની પાસે રાસાયણીક ખાતરના ઉત્પાદન માટે, રોક ફોસ્ફેટ છે ત્યાંથી દેશમાં પોટાશ લાવવો જોઇએ જેની કોઇ દીર્ઘદ્રષ્ટી ભારત સરકાર પાસે નથી. આંતરરાષ્ટ્રીય દેશોમાં કોર્ટેલ કરનારાને કેન્દ્ર સરકાર અટકાવી શકતી નથી અને મોંઘુ ખાતર ખેડૂતોને માથે પડે છે.
ગુજરાતમાં ખાતરની જરૂર માટે રાજ્ય સરકારે ખાતર સલાહકાર સમિતિ બનાવી છે જે દરેક ઋતુમાં ખેતી માટે ખાતરની માંગણી મૂકે છે પણ કયારેય કેન્દ્ર સરકારે સમયસર અને પુરતું ખાતર ગુજરાતને આપ્યું નથી. આ વર્ષે ૬ લાખ ટન સામે માંડ ૪ લાખ ટન ખાતર આપ્યું-આ વર્ષે ૩૦,૦૦૦ ટન યુરિયા અને સવા લાખ ટન ડી.એ.પી. ખાતર ઓછુ આપ્યું છે. અત્યારે સરેરાશ ૯૦,૦૦૦ થી એક લાખ ટન ખાતર ગુજરાતના ખેડૂતોને ઓછું ફાળવે છે પણ ગુજરાતની સરકાર ખેડૂતોને ખાતર માટેની આગવી વ્યવસ્થા કરી છે ગુજરાતની ત્રણ સરકારી કંપનીઓએ ૩૦,૦૦૦ ટન પ્રત્યેક યુરિયા, ડીએપી ખાતરનો સંગ્રહ કરવાનું રૂા. વીસ કરોડનું ભંડોળ ઉભૂ કર્યું છે.
ગુજરાતના ખેડૂતોને પાંચ ટકા ખાતરના વેટને કારણે ખાતર મોંઘુ મળે છે તેવા જૂઠાણાને પડકારતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આન્ધ્ર, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં કોંગ્રેસના રાજ્યો છે પણ ત્યાં પણ પાંચ ટકા વેટ ખાતર ઉપર લેવાય છે.
ભૂતકાળનાં ટન દીઠ રૂા. ૧૯,૮૦૦ની ટન દીઠ સબસીડી ખાતરમાં અપાતી તેમાં આ વર્ષે રૂા. ૬૦૦૦ ટન દીઠ ખાતરની સબસીડી ઘટાડી દીધી છે. આ કાપ કઇ રીતે મૂકયો તેનો જવાબ કેન્દ્ર પાસે ખેડુતો માંગે છે એમ મુખ્યમંત્રીશ્રીએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સોઇલ હેલ્થ કાર્ડના કારણે ખાતરના વપરાશની વૈજ્ઞાનિક સમજ ખેડૂતોમાં આવી છે અને ખાતર પાછળ ખર્ચાતા કરોડો રૂપિયા ખેડૂતોના સરકારે બચાવ્યા છે.
જૈવિક ખાતરની ખેતીના નવા પ્રયોગો આ સોઇલ હેલ્થ કાર્ડના કારણે જમીનના અને પાકના વિશેષ ગૂણથી સમજ લઇને તાલુકાની જમીનના બેકટેરીયા તૈયાર કરી પ્રવાહી જૈવિક ખાતર ગુજરાત સરકારે તૈયાર કર્યું છે જેમાં ડ્રીપ ઇરિગેશન સાથે લિકવીડ જૈવિક ખાતર કંમ્પોસ્ટ ખાતર સાથે જમીનમાં ઉતારી જમીન અને પાકની ફળદ્રુપતા વધારે છે એની સમજ જૈવિક ખાતરની પ્રયોગો બતાવીને મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
તેમણે જણાવ્યું કે યુરિયા ખાતરની બે થેલીના બદલે આ લિકવીડ જૈવિક ખાતરનો વપરાશ વધે તે દિશામાં કૃષિ મહોત્સવમાં સમજ કેળવીને લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો. અઢી ઇંચના કેપ્સુલથી જ એક હેકટરમાં જૈવિક ખાતર જૈવિક ખેતીની દિશાને બદલી નાંખશે એમ જણાવતા તેમણે વર્મિકંપોસ્ટ ખાતર માટે પ્રોત્સાહન આપવાની સરકારની પ્રોત્સાહન નીતિની પણ ભૂમિકા આપી હતી. અને પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાથાના દ્રષ્ટાંતો આપ્યા હતા.