મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રની કોંગ્રેસ સરકારને ગુજરાત વિરોધી અને નકારાત્મક માનસિકતા બદલવા અને ગુજરાત સાથે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરવા આહ્‍વાન આપ્યું હતું. ગુજરાત સરકાર તો રાજ્યના સામાન્ય માનવીના ભલા અને ગુજરાતના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને ગુજરાતના વિકાસના વિરોધીઓને સાંખી લેવાશે નહીં.
નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની ઉપર દરવાજા મૂકીને ડેમની ઊંચાઇ પુરી કરવા માટે પણ કેન્દ્ર સરકાર મંજૂરી આપવા આડોડાઇ કરે છે, એમ તેમણે જણાવ્યું હતું.
નર્મદાની શાખા-પ્રશાખા નહેરોના ૮પ,૦૦૦ કિ.મી. કુલ લંબાઇના ભગીરથ બાંધકામનું નેટવર્ક ગુજરાતમાં હરણફાળ ગતિથી આગળ વધી રહ્યું છે. આજે રાધનપુરમાં કચ્છ શાખા નહેર અને રાધનપુર શાખા નહેર અને તેની વિતરણ વ્યવસ્થાના રૂા. ૭૧ર કરોડના ત્રણ મહત્વાકાંક્ષી પ્રોજેકટનું એકી સાથે મુખ્ય મંત્રીશ્રીએ ખાતમુર્હૂત કર્યું હતું. ત્રણેય પ્રોજેકટ બે વર્ષમાં પૂર્ણ થશે અને પાટણ તથા બનાસકાંઠા જિલ્લા ઉપરાંત કચ્છની રણકાંઠાની સૂકી ધરતીને નર્મદાના નીરથી નવપલ્લવિત કરાશે.
કેન્દ્રની કોંગ્રેસ સરકારના અહીં દિલ્હીના સુબાઓએ ગુજરાતને બરબાદ કરવાની સોપારી લીધી છે એવા ગુજરાતના ગામડાના ખેડૂતોના, વિકાસના વિરોધી દિલ્હીના સુબાઓનો હિસાબ ચુકતે કરવાનું ભૂલશો નહીં એવું જનતાને તેમણે આહ્‍વાન આપ્યું હતું.
નર્મદાના નીરની વર્ષોથી ઝંખના સેવનારા રણકાંઠાના ગામેગામથી વિરાટ જનમેદની આજે રાધનપુરમાં નર્મદા યોજનાની શાખા નહેરોના ત્રણ પ્રોજેકટના ખાતમુર્હૂતમાં ઉમટી હતી. પ૦-પ૦ વર્ષ પછી કચ્છ-કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતની ધરતી માટે રાજ્ય સરકારે સરદાર સરોવર નર્મદા યોજના માટે પેઢીઓનો તલસાટ અને પીડા જોઇને સરકારે નર્મદા યોજના ઝડપથી પૂરી કરવા અને ધરતીને સુજલામ્‍ સુફલામ બનાવવા પુરી તાકાત કામે લગાડી છે, એમ આજે મુખ્ય મંત્રીશ્રીએ વિરાટ ખેડૂત પરિવારોની જનશક્તિને વંદન કરતાં જણાવ્યું હતું.

આપણા દેશમાં પાણી માટેના સંધર્ષ અને ન્યાયની અદાલતોમાં રાજ્યો-રાજ્યો વચ્ચે પાણીની વહેંચણીના વિવાદો ચાલી રહ્યા છે ત્યારે આવા વાતાવરણમાં ગુજરાતે નર્મદાની ૪પ૮ કિ.મી.ની મુખ્ય કેનાલનું નિર્માણ પુરું કરીને માત્ર ગુજરાતને નહીં પણ રાજસ્થાનની સૂકી ધરતીને નર્મદાનું પાણી પહોંચાડીને તેની તરસ છીપાવી છે આવો અભિગમ ગુજરાતે સાકાર કરી બતાવ્યો છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

લોકશાહીમાં પાંચ વર્ષની અવધિમાં રાજકીય પક્ષોએ વિધાનસભા, લોકસભા અને પંચાયતની ચૂંટણીઓ એમ ત્રણ-ત્રણ વાર જનતા સમક્ષ જઇને હિસાબ આપવો પડે પરંતુ કેટલાક લોકો જનતાની સુખ-દુઃખની પરવા કરવા માટેના લોકહિતના આયોજનોની વિચારણા કરવી જોઇએ તેને બદલે માત્ર નિવેદનો કરીને ગુજરાત સરકારે કંઇ નથી કર્યું, જે થયું છે તે કેન્દ્ર સરકારે કર્યું છે એવો અપપ્રચાર કરે છે પણ તેમણે જનતાને હિસાબ આપવો પડશે. ગુજરાત સરકારને બદનામ કરવાના નિવેદનો જનતાને ગળે ઉતારી શકવાના નથી, એમ તેમણે જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાત વિરોધીઓની ચાલ હવે સાંખી નહીં લેવાય. ગુજરાતનો વિરોધ કરનારા સામે સચ્ચાઇથી સરકાર સામાન્ય માનવી અને ગામડાને સુખી કરવાની પ્રતિબદ્ધતા દાખવી છે. બીજા રાજ્યોને કેન્દ્ર સરકાર સિંચાઇના એઆઇબીપી પ્રોજેકટ માટે કેન્દ્રની ૯૦ ટકા સહાય રણ વિસ્તાર વિકાસ માટે સિંચાઇના પ્રોજેકટ માટે આપે છે. પરંતુ નર્મદા યોજનાનો મોટો કમાન્ડ વિસ્તાર, રણ વિસ્તારના વિકાસ પ્રોજેકટમાં આવરી લેવાયો છે છતાં નર્મદા યોજના માટે ૯૦ ટકા ગ્રાન્ટ આપવા તૈયાર નથી. ગુજરાત વિરોધી લોકોને ઓળખી લેવા છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ કેન્દ્ર સરકારને આહ્‍વાન કરતાં જણાવ્યું કે, ગુજરાતને અન્યાય કરવાને બદલે ગુજરાત સાથે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરવા આવો. માત્ર નકારાત્મક માનસિકતાથી ગુજરાતના વિકાસમાં આડોડાઇ કરવાથી ગુજરાતનું કે દેશનું ભલું થવાનું નથી. ગુજરાતની નર્મદા યોજના માટે કેન્દ્ર સરકારની આડોડાઇથી પુરતું પાણી છેવાડાના વિસ્તારોને મળવામાં વિલંબ થવાનો છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતોને અધમૂઆ કરવા કપાસની નિકાસ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે અને (નરેન્દ્ર) મોદીને કપાસ નિકાસ કરાવીને ક્રેડીટ લેવી છે પરંતુ અમારે ક્રેડીટ નથી જોઇતી. કપાસની નિકાસ કરવાનો પરવાનો જોઇએ છે. પરવાનો આપશો તો ભલે ક્રેડીટ કોંગ્રેસ લઇ જાય.
મુખ્ય મંત્રીશ્રીએ નર્મદા યોજના માટે જમીન આપવા માટે ખેડૂતો જે રીતે ઉત્સાહથી જમીન આપવામાં સહયોગ આપી રહ્યા છે અને સરકારને સમર્થન આપી રહ્યા છે તે માટે લાખ-લાખ અભિનંદન આપ્યા હતા અને ટપક સિંચાઇથી ખેતીને જમીનને આબાદ બનાવવા હાર્દિક અનુરોધ કર્યો હતો અને માત્ર વિકાસ આપણી બધી સમસ્યાઓનો ઉકેલ છે, એમ તેમણે જણાવ્યું હતું.
જિલ્લાના પ્રભારી અને મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, રાધનપુરમાં રૂા. ૭૧૧ કરોડના ખર્ચે નહેરોના કામ સંપન્ન થવાનું છે જેનાથી પાટણ-રાધનપુરની કાયાપલટ થશે.
રાજ્યના ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી નર્મદાના નીર પહોંચે તે માટે જમીન સંપાદન અને ટેન્ડરની પ્રક્રિયા સુગ્રથિત રીતે હાથ ધરાઇ છે. રાજ્ય સરકાર દ્વારા રૂા. ૧૩૦૦ કરોડના ખર્ચે બનનાર નહેરનું કચ્છના રાપર ખાતે ખાતમુર્હૂત કરાયું છે.
રાજકોટ જિલ્લામાં મોરબી ખાતે રૂા. ૩ર૦ કરોડ, લીમડી ખાતે રૂા. ૩પ૦ કરોડના ખર્ચે નહેરોના કામ શરૂ કરાયા છે. હવે આગામી સમયમાં વલ્લભીપુરમાં રૂા. ર૦૦ કરોડના ખર્ચે કામ હાથ ધરાશે. ગુજરાત સરકાર અંદાજે રૂા. હજાર કરોડનો ખર્ચ કામો માટે કરનાર છે.
જે ખેડૂતોએ અગાઉના વર્ષે જમીન સંપાદન માટે સહયોગ આપ્યો છે તેમને નવી જંત્રી પ્રમાણે નાણાં આપવા રાજ્યના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નિર્ણય કર્યો છે. જેના પગલે રાજ્ય સરકારને રૂા. પ૦૦ કરોડનો બોજો પડયો છે પરંતુ ખેડૂતોના આર્થિક વિકાસ માટે ગુજરાત સરકાર બોજો ઉપાડીને પણ રાજ્યના ખેડૂતોનો સર્વાંગી વિકાસ કરવા કટીબદ્ધ છે, એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યમાં પીવાના પાણી માટે હાથ ધરાયેલ કામગીરીનો ઉલ્લેખ કરી પાણીના કરકસરપૂર્ણ ઉપયોગ કરવા, સહભાગી સિંચાઇ વ્યવસ્થા અપનાવવા, જળસંરક્ષણના પગલાં અને જળસંચય માટે સંકલ્પ મહેસુલ મંત્રીશ્રીએ લેવડાવ્યા હતા.
આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, સૂકા ભઠ્ઠ એવા પાટણ-રાધનપુર પંથકમાં નર્મદાના નીર આવનાર છે. પાટણ જિલ્લાની ૧૧ લાખ એકર જમીનને નર્મદા નીરથી નવપલ્લવિત થશે. રાજ્યમાં અનેક સ્થળેથી ટેન્કર દ્વારા પાણી આપવાની વાતને સરકારે ભૂતકાળ બનાવી છે. પાટણ-રાધનપુર પંથકને નંદનવન બનાવવાના ધ્યેય સાથે શાખા નહેરનું ખાતમુર્હૂત કરાયું છે. માત્ર ઉત્તર ગુજરાતમાં રૂા. ૧પ કરોડનું દૂધ ઉત્પાદન થાય છે. નર્મદાના પાણી આવતા પશુપાલનના વિકાસ સાથે દૂધ ઉત્પાદન વધશે. સાથે સાથે ખેતીમાં પણ મબલખ ઉત્પાદન થશે, એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યમાં નહેરોનું કામ સંપન્ન કરવા જમીન સંપાદનનું કામ ખૂબ હકારાત્મક અને પ્રોત્સાહક રીતે હાથ ધર્યું હોવાની વિગતો તેમણે આપી હતી.
સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ શ્રી ડી. રાજગોપાલને જણાવ્યું હતું કે, સુકા પ્રદેશમાં પાણીની તંગી નિવારવા અને વિસ્તારને સતત ર૪ કલાક પાણી ઉપલબ્ધ થાય તેવા હેતુથી પ્રોજેકટ કાર્યાન્વિત કરાયો છે. શાખા નહેરથી પીવાના પાણીની સાથે ખેતી માટે પણ પાણી ઉપલબ્ધ થશે. રાજ્યમાં કેનાલની કામગીરી ર૦૧૨ સુધીમાં પૂર્ણ કરવા સરકાર કટીબદ્ધ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રસંગે જમીન સંપાદન પેટે નાણાં મેળવનાર કૃષિકારોએ તથા અન્ય સંસ્થાઓએ મુખ્ય મંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિમાં રૂા. ૩પ લાખથી વધુના ચેકો અર્પણ કર્યા હતા.
મુખ્ય મંત્રીશ્રી દ્વારા ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક તથા કૃષિ-બાગાયત કીટ અને કિસાન ક્રેડીટ કાર્ડ અપાયા હતા.
પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી શ્રી પરબતભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી શંકરભાઈ ચૌધરી, ભાવસિંહભાઈ રાઠોડ, રજનીભાઈ પટેલ, ગોવિંદભાઈ પ્રજાપતિ, મફતભાઈ પુરોહિત, અનિલભાઈ માળી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મોહનભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી શ્રી રણછોડભાઈ રબારી, પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ, દૂધ સાગર ડેરીના ચેરમેન શ્રી વિપુલ ચૌધરી, નર્મદા નિગમના ડિરેકટર શ્રી મુકેશભાઈ ઝવેરી, શ્રી વસંતભાઈ રાવલ, નર્મદા નિગમના વહીવટી સંચાલક શ્રી એસ. જગદીશન, સંયુકત વહીવટી સંચાલક શ્રી કે. શ્રીનિવાસ, જિલ્લા કલેકટર શ્રી જે. જી. હિંગરાજીયા, અધિકારીઓ, પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં જનસમૂદાય ઉપસ્થિત રહ્યો હતો.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
25% of India under forest & tree cover: Government report

Media Coverage

25% of India under forest & tree cover: Government report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi