પ્રિય મિત્રો,
નવરાત્રિનાં આ પાવન અવસર પર હું આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. નવરાત્રિથી આપણે ત્યાં તહેવારોની મૌસમ જામશે અને આવનાર નવ દિવસો દરમ્યાન ભારતભરનાં લોકો, ખાસ કરીને ગુજરાતનાં લોકો, આ અત્યંત અગત્યનાં તહેવારની ઉજવણીમાં રત રહેશે.
નવરાત્રિ ગુજરાતીઓની સાંસ્કૃતિક ઓળખ સમો તહેવાર છે. રાસગરબાની પ્રથાનો ઉલ્લેખ છેક ભગવાન શ્રીકૃષ્ણનાં સમયથી થતો જોવા મળે છે. નૃત્યની આ પ્રણાલી ગુજરાતીઓનો સાંસ્કૃતિક વારસો છે. આવનારા દિવસોમાં તમે ગુજરાતમાં ગમે ત્યાં જશો, તમને બાળકથી લઈને વૃધ્ધ સુધી સૌ કોઈ લોકસંગીતને તાલે ઝુમતા અને નવરાત્રિની ઉજવણી કરતા જોવા મળશે.
નવરાત્રિમાં આપણે જગત જનની મા સામે શીશ ઝુકાવીને તેના આશિર્વાદ લઈએ છીએ. દુનિયાભરની સંસ્કૃતિઓમાં ઈશ્વરીય શક્તિની કલ્પના પુરુષ સ્વરૂપમાં કરવામાં આવી છે, જ્યારે ભારતીય સંસ્કૃતિ એકમાત્ર એવી સંસ્કૃતિ છે જે ઈશ્વરીય તત્વની પૂજા જગત જનની મા જગદંબા, મા લક્ષ્મી, મા સરસ્વતી એમ જુદા-જુદા નારી સ્વરૂપમાં કરે છે.
૧૧ વર્ષ પહેલા જ્યારે મેં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો, ત્યારે મને આશ્ચર્ય થતું કે આ તહેવારની ઉજવણી માત્ર ગુજરાત પૂરતી સિમિત કેમ છે. આ તહેવારનો ધબકાર અને થનગનાટ માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત ન રહીને દુનિયાભરનાં લોકોને આ રાજ્ય તરફ ખેંચી કેમ ન લાવે? આ વિચારને ધ્યાનમાં રાખીને આપણે પ્રતિવર્ષ વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું. આ નવ દિવસ દરમ્યાન દેશ અને દુનિયાનાં પર્યટકો ગુજરાત આવી રહ્યા છે એ બાબત અત્યંત ઉત્સાહવર્ધક છે. વાસ્તવમાં ગરબાની લોકપ્રિયતા હવે ગુજરાતનાં સીમાડા વટાવી ચૂકી છે. દુનિયાભરમાં એવા ૫૦૦ શહેરો છે જ્યાં આ તહેવારની ઉજવણી જોરશોરથી થાય છે.
નવરાત્રિ જેવા તહેવારો હવે પર્યટનને પ્રબળ વેગ પ્રદાન કરી રહ્યા છે, ખાસ કરીને ગરીબમાં ગરીબ માણસો માટે તેના થકી આજીવિકાના નવા સ્ત્રોત ઉભા થઈ રહ્યા છે. ગુજરાતમાં વધુ પ્રમાણમાં પર્યટકો આવી રહ્યા છે, તેઓ આપણા સાંસ્કૃતિક વારસાથી પ્રભાવિત થઈ રહ્યા છે, અને પરિણામે આપણા કલાકારભાઈઓને સારો પ્રતિસાદ અને આવક મળી રહ્યા છે. હોસ્પિટાલિટિનાં વ્યવસાય સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટ ઓપરેટર સહિતનાં લોકોની આવકમાં વધારો થયો છે, અને તેમનાં ઘરોમાં સમૃધ્ધિનો પ્રકાશ ફેલાયો છે.
તમારામાંથી ઘણા આ નવ દિવસો દરમ્યાન ઉપવાસ રાખશે. મને યાદ છે, બે વર્ષ પહેલા શિક્ષક દિવસની ઉજવણી દરમ્યાન એક નાનકડી બાળકીએ નવરાત્રિ દરમ્યાનનાં મારા ઉપવાસ વિશે મને પૂછ્યું હતું. હા, હું છેલ્લા ૩૫ વર્ષથી નવરાત્રિ દરમ્યાન ઉપવાસ રાખી રહ્યો છું. આ ઉપવાસનો હેતુ કાંઈક મેળવવાનો નહિ, પણ આત્મશુધ્ધિનો છે. આ બાબત કેટલાય વર્ષોથી મને બળ, સામર્થ્ય અને પ્રેરણાનો સ્ત્રોત પૂરો પાડતી આવી છે.
માં જગદંબાને વંદન કરતો મેં લખેલો એક નાનકડો ગરબો અને કવિતા હું અહીં મૂકી રહ્યો છું. આશા છે આપને ગમશે.
ફરી એક વાર આપ સૌને નવરાત્રિની શુભેચ્છાઓ.
નરેન્દ્ર મોદી