સિંગાપુરનાં નાયબ પ્રધાનમંત્રી અને નાણાં મંત્રી શ્રી હેંગ સ્વિ કિઆતે આજે સવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને વાત કરી હતી.
સિંગાપુરનાં પ્રધાનમંત્રી લિ સિયન લુંગ અને મંત્રી એમિરટસ ગોહ ચોક તોંગ તરફથી નાયબ પ્રધાનમંત્રી કિઆતે શુભેચ્છા પણ પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ તેમની સાથે ફળદાયક બેઠકોને યાદ કરી હતી અને તેમને પોતાની શુભેચ્છા પહોંચાડવા નાયબ પ્રધાનમંત્રી કિઆતને વિનંતી કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ ગયા મહિને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરવા યોજેલા વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી લિ સિયન લુંગની સહભાગીદારી બદલ પોતાની પ્રશંસા પણ વ્યક્ત કરી હતી.
નાયબ પ્રધાનમંત્રી કિઆતે ભારત સરકારે હાથ ધરેલા પરિવર્તનકારી પગલાંઓ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, આ પગલાઓને પરિણામે રોકાણની તકોમાં વધારો થયો છે, ખાસ કરીને ભારતનાં માળખાગત ક્ષેત્રમાં. તેમણે ફિન્ટેક સહિત ટેકનોલોજી ક્ષેત્રમાં ભારત અને સિંગાપુર વચ્ચે સાથસહકારમાં થયેલી વૃદ્ધિ વિશે પણ વાત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ બંને દેશો વચ્ચે રોકાણમાં વૃદ્ધિ અને વેપારી સંબંધો વધારે ગાઢ બનવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સિંગાપુરમાં રુપે કાર્ડ અને ભીમ એપ લોંચ થવાથી નાણાકીય વ્યવહારોની સરળતામાં મોટો વધારો થયો છે. તેમણે સિંગાપુરનાં વિદ્યાર્થીઓની ભાગીદારી સાથે ચેન્નાઈમાં બીજી સંયુક્ત હેકેથોનનાં સફળ આયોજન વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ તમામ બાબતો બંને દેશો વચ્ચે ગાઢ સામુદાયિક સંબંધો, વ્યવસાયિક સંબંધો અને ઇનોવેશન ભાગીદારીનું પ્રતીક છે.