સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)ના 76મા સત્ર માટે ચૂંટાયેલા અધ્યક્ષ તેમજ માલદિવના વિદેશમંત્રી માનનીય અબ્દુલ્લા શાહિદે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
7 જુલાઈ, 2021ના રોજ ન્યુયોર્કમાં પોતે ચૂંટાયા પછી માનનીય અબ્દુલ્લા શાહિદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્ર માટે ચૂંટાયેલા અધ્યક્ષ તરીકે ભારતની મુલાકાતે આવ્યા છે.
પ્રધાનમંત્રીએ આ ચૂંટણીમાં માનનીય અબ્દુલ્લા શાહિદની શાનદાર જીત માટે તેમને અભિનંદન આપ્યા, અને તેની સાથે જ એ વાતને રેખાંકિત કરી કે આ વિશ્વસ્તરે માલદિવની વધતી સાખને દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ ‘આશાભરી અધ્યક્ષતા’ માટે ચૂંટાયેલા અધ્યક્ષના વિઝન વક્તવ્ય પર તેમને અભિનંદન આપ્યા અને તેની સાથે જ તેમને તેમની અધ્યક્ષતા દરમિયાન ભારત તરફથી સંપૂર્ણ સમર્થન તેમજ સહયોગનું આશ્વાસન આપ્યું.
પ્રધાનમંત્રીએ સંપૂર્ણ દુનિયાની વર્તમાન વાસ્તવિક્તાઓ અને વિશ્વની વિશાળ એવી મોટાભાગની વસતીની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની વિવિધ સંસ્થાઓ સહિત બહુપક્ષીય પ્રણાલીમાં અપેક્ષિત સુધારા કરવાના મહત્વ પર ખાસ ભાર મૂક્યો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માનનીય અબ્દુલ્લા શાહિદે હાલના વર્ષોમાં ભારત તેમજ માલદિવના દ્વિપક્ષીય સંબંધોમાં ભારે ઝડપથી થયેલી વૃદ્ધિ અંગે પણ ગહન ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ એ વાત પર સંતોષ વ્યક્ત કર્યો હતો કે કોવિડ-19 મહામારીથી ઉત્પન્ન વિવિધ પ્રકારના અવરોધો પછી દ્વિપક્ષીય પરિયોજનાઓ પર કામ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે ભારતની ‘પડોશી પહેલા’ નીતિ અને ‘સાગર વિઝન’ના એક મુખ્ય સ્તંભ તરીકે માલદિવના વિશેષ મહત્વને રેખાંકિત કર્યુ.