પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે મહારાષ્ટ્રમાં દહાણુ નજીક વઢવાણમાં એક મુખ્ય બંદરની સ્થાપનાને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટનું નિર્માણ જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (જેએનપીએ) અને મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડ (એમએમબી) દ્વારા રચવામાં આવેલી એસપીવી વઢવાણ પોર્ટ પ્રોજેક્ટ લિમિટેડ (વીપીપીએલ) દ્વારા કરવામાં આવશે, જેમાં અનુક્રમે 74 ટકા અને 26 ટકા હિસ્સો હશે. વઢવાણ બંદરને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વઢવાણમાં ઓલ-વેધર ગ્રીનફિલ્ડ ડીપ ડ્રાફ્ટ મેજર બંદર તરીકે વિકસાવવામાં આવશે.
જમીન સંપાદન ઘટક સહિત પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ.76,220 કરોડ છે. તેમાં સરકારી-ખાનગી ભાગીદારી (પીપીપી) મોડમાં કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટર્મિનલ્સ અને અન્ય વાણિજ્યિક માળખાગત સુવિધાઓના વિકાસનો સમાવેશ થશે. મંત્રીમંડળે બંદર અને રાષ્ટ્રીય રાજમાર્ગો વચ્ચે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા માર્ગ જોડાણ સ્થાપિત કરવા તથા વર્તમાન રેલવે નેટવર્ક સાથે રેલ જોડાણ સ્થાપિત કરવા તથા રેલવે મંત્રાલય દ્વારા આગામી ડેડિકેટેડ રેલ ફ્રેઇટ કોરિડોરને પણ મંજૂરી આપી હતી.
આ પોર્ટમાં નવ કન્ટેનર ટર્મિનલ હશે, જે પ્રત્યેક 1000 મીટર લાંબા હશે, ચાર બહુહેતુક બર્થ હશે, જેમાં કોસ્ટલ બર્થ, ચાર લિક્વિડ કાર્ગો બર્થ, એક રો-રો બર્થ અને કોસ્ટ ગાર્ડ બર્થ સામેલ છે. આ પરિયોજનામાં સમુદ્રમાં 1,448 હેક્ટર વિસ્તારનું પુનઃસ્થાપન અને 10.14 કિલોમીટરના ઓફશોર બ્રેકવોટર અને કન્ટેનર/કાર્ગો સ્ટોરેજ એરિયાનું નિર્માણ સામેલ છે. આ પ્રોજેક્ટ દર વર્ષે 298 મિલિયન મેટ્રિક ટન (એમએમટી)ની સંચિત ક્ષમતા ઊભી કરશે, જેમાં કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતાનાં આશરે 23.2 મિલિયન ટીઇયુ (વીસ ફૂટ સમકક્ષ) સામેલ છે.
ઊભી થયેલી ક્ષમતાઓ આઇએમઇઇસી (ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર) અને આઇએનએસટીસી (ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટેશન કોરિડોર) મારફતે એક્ઝિમ વેપારનાં પ્રવાહને પણ મદદરૂપ થશે. વિશ્વ-સ્તરીય દરિયાઇ ટર્મિનલ સુવિધાઓ જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી)ને પ્રોત્સાહન આપે છે અને ફાર ઇસ્ટ, યુરોપ, મધ્ય પૂર્વ, આફ્રિકા અને અમેરિકા વચ્ચે આંતરરાષ્ટ્રીય શિપિંગ લાઇન પર ચાલતા મેઇનલાઇન મેગા જહાજોને સંભાળવા માટે સક્ષમ અત્યાધુનિક ટર્મિનલ્સ બનાવવા માટે કાર્યક્ષમતા અને આધુનિક ટેકનોલોજીનો લાભ આપે છે. વઢવાણ બંદરનું નિર્માણ પૂર્ણ થયા પછી તે વિશ્વના ટોચના દસ બંદરોમાંનું એક બની જશે.
પ્રધાનમંત્રી ગતિ શક્તિ કાર્યક્રમનાં ઉદ્દેશો સાથે સુસંગત આ પ્રોજેક્ટ વધુ આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો કરશે તથા આશરે 12 લાખ વ્યક્તિઓ માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકો ઊભી કરવાની સંભવિતતા પણ ધરાવે છે, જેથી સ્થાનિક અર્થતંત્રમાં પ્રદાન થશે.
Today’s Cabinet decision on developing a major port at Vadhavan in Maharashtra will boost economic progress and also create employment opportunities at a large scale. https://t.co/njmsVAL0z6
— Narendra Modi (@narendramodi) June 19, 2024