આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશા એમ પાંચ રાજ્યોના આકાંક્ષી જિલ્લાઓનાં નહીં આવરી લેવાયેલાં ગામોમાં મોબાઇલ સેવાઓની જોગવાઇ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.
આ પરિયોજનામાં આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશાના પાંચેય રાજ્યોના 44 આકાંક્ષી જિલ્લાઓનાં નહીં આવરી લેવાયેલાં 7287 ગામોમાં 5 વર્ષ માટેના કાર્યાન્વિત ખર્ચ સહિત આશરે રૂ. 6466 કરોડના અંદાજિત અમલીકરણ ખર્ચ સાથે 4જી આધારિત મોબાઇલ સેવાઓ પૂરી પાડવાની કલ્પના છે. આ પરિયોજનાને યુનિવર્સલ સર્વિસ ઑબ્લિગેશન ફંડ (યુએસઓએફ) દ્વારા નાણાં પૂરાં પડાશે. સમજૂતી પર સહીસિક્કા થયા બાદ 18 મહિનાની અંદર આ પરિયોજના પરિપૂર્ણ થશે અને 23 નવેમ્બર સુધીમાં સહીસિક્કા થવાની અપેક્ષા છે.
ઓળખી કઢાયેલાં, નહીં આવરી લેવાયેલાં ગામોમાં 4જી મોબાઇલ સેવાઓની જોગવાઇ સંબંધિત કામ યુએસઓએફની વિદ્યમાન પ્રક્રિયાઓ મુજબ ખુલ્લી સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા મારફત આપવામાં આવશે.
આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશાના પાંચેય રાજ્યોમાં આકાંક્ષી જિલ્લાઓનાં દૂરનાં અને દુર્ગમ એવાં, નહીં આવરી લેવાયેલાં વિસ્તારોમાં મોબાઇલ સેવાઓની જોગવાઇ માટેની હાલની દરખાસ્ત આત્મનિર્ભરતા, સુગમ શિક્ષણ, માહિતી પ્રસાર અને જ્ઞાન, કુશળતા વર્ધન અને વિકાસ, આપત્તિ વ્યવસ્થાપન, ઈ-ગવર્નન્સ પહેલ, સાહસો અને ઈ-કોમર્સની સુવિધાઓની સ્થાપના, જ્ઞાન વહેંચણી અને રોજગારની તકો માટે શૈક્ષણિક સંસ્થાઓને પૂરતા ટેકાની જોગવાઇ માટે ઉપયોગી એવી ડિજિટલ કનેક્ટિવિટીને વધારશે અને ઘરેલુ ઉત્પાદનને ઉત્તેજન આપવા અને આત્મનિર્ભર ભારતના હેતુઓને પરિપૂર્ણ કરવા, ડિજિટલ ઇન્ડિયાના સપનાંને સાકાર કરવા ઇત્યાદિને પરિપૂર્ણ કરશે.