પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ રેલવે મંત્રાલયની 3 (ત્રણ) પરિયોજનાઓને મંજૂરી આપી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 6,456 કરોડ (અંદાજે) છે.
મંજૂર થયેલા પ્રોજેક્ટ્સ સંપર્ક વિહોણા વિસ્તારોને જોડીને, હાલની લાઇન ક્ષમતા વધારીને અને પરિવહન નેટવર્કમાં વધારો કરીને લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો કરશે, જેના પરિણામે સપ્લાય ચેઇન સુવ્યવસ્થિત થશે અને આર્થિક વૃદ્ધિને વેગ મળશે.
નવી લાઇનની દરખાસ્તો સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને ગતિશીલતામાં સુધારો કરશે, જે ભારતીય રેલવે માટે કાર્યક્ષમતા અને સેવાની વિશ્વસનીયતામાં વધારો કરશે. આ મલ્ટિ-ટ્રેકિંગ દરખાસ્તથી કામગીરી સરળ બનશે અને ગીચતામાં ઘટાડો થશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે. આ વિવિધ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં નવા ભારતનાં વિઝનને અનુરૂપ છે, જે આ વિસ્તારનાં લોકોને વિસ્તૃત વિકાસનાં માધ્યમથી 'સ્વચ્છ' બનાવશે, જે તેમની રોજગારી/સ્વરોજગારીની તકો વધારશે.
આ પ્રોજેક્ટ્સ મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું પરિણામ છે, જે સંકલિત આયોજન મારફતે શક્ય બન્યું છે અને લોકો, ચીજવસ્તુઓ અને સેવાઓની અવરજવર માટે સાતત્યપૂર્ણ કનેક્ટિવિટી પ્રદાન કરશે.
ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ એમ ચાર રાજ્યોના 7 જિલ્લાઓને આવરી લેતી 3 (ત્રણ) યોજનાઓથી ભારતીય રેલવેનું વર્તમાન નેટવર્ક આશરે 300 કિલોમીટર વધશે.
આ યોજનાઓ સાથે 14 નવા સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે, જે 2 (બે) મહત્વાકાંક્ષી જિલ્લાઓ (નુઆપાડા અને પૂર્વ સિંહભૂમ)ને કનેક્ટિવિટીમાં વધારો કરશે. નવી લાઇનનાં વિવિધ પ્રોજેક્ટથી આશરે 1,300 ગામડાઓ અને આશરે 11 લાખની વસતિને જોડાણ મળશે. મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટથી આશરે 1,300 ગામડાઓ અને આશરે 19 લાખ ની વસતિ વચ્ચે કનેક્ટિવિટીમાં વધારો થશે.
કૃષિ પેદાશો, ખાતર, કોલસો, લોખંડની કાચી ધાતુ, સ્ટીલ, સિમેન્ટ, ચૂનાના પત્થર વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટેના આ આવશ્યક માર્ગો છે. ક્ષમતા વધારવાનાં કાર્યોને પરિણામે 45 એમટીપીએ (મિલિયન ટન પ્રતિ વર્ષ)ની તીવ્રતાની વધારાની નૂર હેરફેર થશે. રેલવે પર્યાવરણને અનુકૂળ અને પરિવહનનું ઊર્જાદક્ષ માધ્યમ છે, જે આબોહવાનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં અને દેશનાં લોજિસ્ટિક્સ ખર્ચને લઘુતમ કરવામાં, ઓઇલની આયાત (10 કરોડ લિટર) ઘટાડવામાં અને કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઓછું કરવા (240 કરોડ કિ.ગ્રા.) એમ બંનેમાં મદદ કરશે, જે 9.7 કરોડ વૃક્ષોનાં વાવેતરને સમકક્ષ છે.