આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. તેમાં એફોર્ડેબલ (વાજબી) અને મિડલ-ઇન્કમ (મધ્યમ આવક ધરાવતા જૂથ માટે) હાઉસિંગ ક્ષેત્રમાં અટકી ગયેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા માટે ડેટ ધિરાણને પ્રાથમિકતા આપવા ‘સ્પેશ્યલ વિન્ડો’ ફંડની સ્થાપના કરવાનાં નિર્ણયને મંજૂરી આપી હતી.
ફંડનાં વિવિધ ઉદ્દેશો માટે સરકાર પ્રાયોજક તરીકે કામ કરશે અને સરકાર દ્વારા સંપૂર્ણપણે રૂ. 10,000 કરોડ સુધીનું ફંડ ઊભું કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
ફંડની રચના કેટેગરી-11 એઆઇએફ (વૈકલ્પિક રોકાણ ભંડોળ) દેવારૂપી ભંડોળ તરીકે થશે, જેની નોંધણી સેબીમાં થશે અને એનું સંચાલન વ્યાવસાયિક ધોરણે થશે.
સ્પેશ્યલ વિન્ડો અંતર્ગત પ્રથમ એઆઇએફ માટે એવી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી કે, એસબીઆઈકેપ વેન્ચર્સ લિમિટેડને ઇન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે રોકવામાં આવશે.
આ ફંડ ડેવલપર્સને રાહત પૂરી પાડશે,કેમકે વિવિધ અધૂરાં પ્રોજેક્ટને પૂર્ણ કરવા જરૂરી ફંડ આપવામાં આવશે, પરિણામે ઘર ખરીદનાર ગ્રાહકોને એમના ઘર નિર્ધારિત સમય મર્યાદા માં મળી શકશે.
રિયલ એસ્ટેટ ઉદ્યોગ અન્ય કેટલાંક ઉદ્યોગો સાથે સીધો સંકળાયેલો હોવાથી આ ક્ષેત્રમાં વૃદ્ધિની ભારતીય અર્થતંત્રનાં અન્ય મુખ્ય ક્ષેત્રોમાં તણાવ ઓછો કરી સકારત્મક અસર ઊભી કરશે.
પૃષ્ઠભૂમિ:
આદરણીય નાણાં મંત્રીએ 14 સપ્ટેમ્બર, 2019નાં રોજ જાહેરાત કરી હતી કે, એફોર્ડેબલ અને મિડલ-ઇન્કમ હાઉસિંગ માટે સ્પેશ્યલ વિન્ડો ફંડ ઊભું કરવામાં આવશે. આ સ્પેશ્યલ વિન્ડો ફંડ નાણાકીય ખેંચ અનુભવતા હાઉસિંગ પ્રોજેક્ટ ના વિવિધ ડેવલપર્સને આપશે, જેથી મકાન ખરીદનાર ગ્રાહકોને લાભ મળશે.
પાછળ થી આ ફંડ અંગે મંત્રી મંડળની આંતરિક ચર્ચા વિચારણા થઇ હતી તેમજ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ, બેંકો, એન.બી.એફ.સી, રોકાણકારો અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ સહિત હાઉસિંગ ઉદ્યોગ સાથે સરકારનાં પ્રતિનિધિઓએ ચર્ચા કરી હતી. જેનું સમાધાન સ્પેશ્યલ વિન્ડો દ્વારા થઈ શકે એવા મકાનનાં ગ્રાહકો, ડેવલપર્સ, ધિરાણકારો અને રોકાણકારોની સમસ્યાઓને પણ ધ્યાને લેવામાં આવી હતી.