પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ભરતી એજન્સી (એનઆરએ)ની રચના કરવા માટેની મંજૂરી આપી દીધી છે, જેથી કેન્દ્ર સરકારની નોકરીઓ માટે ભરતી કરવાની પ્રક્રિયામાં પરિવર્તનકારક સુધારો કરવા માટેનો માર્ગ મોકળો થયો છે.
ભરતી પ્રક્રિયામાં સુધારો – યુવાનો માટે આશીર્વાદરૂપ
અત્યારે ઉમેદવારોને સરકારી નોકરીઓ મેળવવા માટે અલગ પરીક્ષાઓ આપવી પડે છે, જેમાં વિવિધ પદો માટે જુદી જુદી ભરતી સંસ્થાઓ પરીક્ષાઓનું આયોજન કરે છે. એમાંથી મોટા ભાગની નોકરીઓ માટે લાયકાત કે પાત્રતાના ધોરણો લગભગ એકસમાન હોય છે.ઉમેદવારોને વિવિધ ભરતી સંસ્થાઓને ફી ચુકવવી પડશે અને વિવિધ પરીક્ષાઓ આપવા માટે લાંબાં અંતરનો પ્રવાસ કરવો પડે છે. આ વિવિધ ભરતી માટેની પરીક્ષાઓ ઉમેદવારો પર ભારરૂપ છે, તેમજ સંબંધિત ભરતી એજન્સીઓ માટેની પણ જવાબદારી છે, જેમાં ટાળી શકાય/પુનરાવર્તિત ખર્ચાઓ, કાયદો અને વ્યવસ્થા/સુરક્ષા સાથે સંબંધિત સમસ્યાઓ અને સ્થળ સાથે સંબંધિત સમસ્યાઓ સંકળાયેલી છે. સરેરાશ 2.5થી 3 કરોડ ઉમેદવારો આ દરેક પરીક્ષાઓમાં બેસે છે. પાત્રતા માટેની સામાન્ય પરીક્ષા આ ઉમેદવારોને એક વાર પરીક્ષા આપવા સક્ષમ બનાવશે અને ઉચ્ચ સ્તરની પરીક્ષા માટે આ તમામ કે કોઈ પણ ભરતી સંસ્થાઓમાં અરજી કરવા સક્ષમ બનાવશે. આ તમામ ઉમેદવારો માટે આશીર્વાદરૂપ બનશે.
રાષ્ટ્રીય ભરતી એજન્સી (એનઆરએ)
રાષ્ટ્રીય ભરતી એજન્સી નામની મલ્ટિ-એજન્સી સંસ્થા કોમન એલિજિબિલિટી ટેસ્ટ (સીઇટી) હાથ ધરશે, જેનો આશય ગ્રૂપ બી અને સી (નોન-ટેકનિકલ) પોસ્ટ માટે ઉમેદવારોની કસોટી/ઉમેદવારોની પસંદગી માટે પરીક્ષાઓ હાથ ધરવાનો રહેશે. એનઆરએ રેલવે મંત્રાલય, નાણાં મંત્રાલય/નાણાકીય સેવાઓ વિભાગ, એસએસસી, આરઆરબી અને આઇબીપીએસનું પ્રતિનિધિત્વ કરશે. એમાં વિચાર કરવામાં આવ્યો છે કે, એનઆરએ અદ્યતન ટેકનોલોજી લાવતી વિશિષ્ટ સંસ્થા હશે અને કેન્દ્ર સરકારની ભરતીના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પદ્ધતિઓ લાવશે.
પરીક્ષા કેન્દ્રોની સુલભતા
દેશના દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો અંતરિયાળ વિસ્તારોમાં સ્થિત ઉમેદવારોની સુલભતામાં વધારો થશે. 117 આકાંક્ષી જિલ્લાઓમાં પરીક્ષાનું માળખું ઊભું કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે, જેનાથી લાંબા ગાળે ઉમેદવારોને તેમના રહેણાક સ્થળોથી નજીકના સ્થાનોમાં પહોંચવાની સુવિધા વધશે. ખર્ચ, સલામતી અને અન્ય ઘણી દ્રષ્ટિએ વિવિધ ફાયદા થશે. આ દરખાસ્તથી ગ્રામીણ ઉમેદવારોને સરળ સુલભતા થવાની સાથે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગ્રામીણ ઉમેદવારોને પણ પરીક્ષા આપવા પ્રોત્સાહન મળશે એટલે કેન્દ્ર સરકારની નોકરીઓમાં તેમનું પ્રતિનિધિત્વ વધશે. લોકો સુધી રોજગારીની તકો પહોંચાડવાનું પરિવર્તનકારક પગલું યુવાનો માટે જીવનની સરળતામાં પણ વધારો કરશે.
ગરીબ ઉમેદવારો માટે મોટી રાહત
અત્યારે ઉમેદવારોને વિવિધ સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવતી જુદી જુદી પરીક્ષાઓમાં બેસવું પડશે. આ માટે પરીક્ષાની ફી ઉપરાંત ઉમેદવારોને પ્રવાસ, રહેવા, જમવાનો અને અન્ય વિવિધ ખર્ચાઓનો બોજ ઉઠાવવો પડે છે. એક પરીક્ષાથી ઉમેદવારો પર આ પ્રકારના નાણાકીય ભારણમાં મોટા પાયે ઘટાડો થશે.
મહિલા ઉમેદવારોને મોટો લાભ
મહિલા ઉમેદવારો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની મહિલા ઉમેદવારોને વિવિધ પરીક્ષાઓમાં બેસવામાં મુશ્કેલી પડતી હતી, કારણ કે તેમને દૂરના સ્થળો સુધી પ્રવાસ કરવાની અને રહેવાની વ્યવસ્થા કરવી પડે છે. કેટલીક વાર તેમને દૂરના સ્થળોએ સ્થિત આ કેન્દ્રો સુધી પહોંચવા ઉચિત વ્યક્તિઓનો સાથ લેવો પડે છે. દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ઊભા કરવાથી ગ્રામીણ વિસ્તારોના ઉમેદવારોનો મોટો લાભ થશે, ખાસ કરીને મહિલા ઉમેદવારોને.
ગ્રામીણ વિસ્તારોમાંથી ઉમેદવારોને અનેક ફાયદા
નાણાકીય અને અન્ય મર્યાદાઓને ધ્યાનમાં રાખીને ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને કઈ પરીક્ષામાં બેસવું છે એનો વિકલ્પ મળશે. એનઆરએ અંતર્ગત ઉમેદવારો ઘણા પદ માટે સ્પર્ધા કરવાની તક આપતી એક પરીક્ષામાં બેસી શકશે. એનઆરએ ફર્સ્ટ-લેવલ/ટિઅર I પરીક્ષા હાથ ધરશે, જે અન્ય ઘણા વિભાગો માટે પાયારૂપી પત્થર બનશે.
CET સ્કોર ત્રણ વર્ષ માટે માન્ય ગણાશે, ગમે એટલા પ્રયાસો આપી શકાશે
ઉમેદવારોનો CET સ્કોર પરિણામ જાહેર થયાની તારીખથી ત્રણ વર્ષ માટે માન્ય રહેશે. શ્રેષ્ઠ વેલિડ સ્કોરને ઉમેદવારોને વર્તમાન સ્કોર ગણવામાં આવશે. CET વિષયમાં પરીક્ષા આપવા માટે ઉમેદવારો ગમે એટલા પ્રયાસ કરી શકશે, જે મહત્તમ વયમર્યાદાને આધિન છે. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/અન્ય પછાત વર્ગો તથા સરકારની નીતિ મુજબ અન્ય વર્ગોને મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. આ લાંબા ગાળે ઉમેદવારોની હાડમારીમાં ઘટાડો કરશે, જેમને નોંધપાત્ર સમય આપવો પડે છે અને ખર્ચ કરવો પડે છે, તેમજ દર વર્ષે આ પરીક્ષાઓ આપવા તૈયારી કરવી પડે છે.
પ્રમાણભૂત પરીક્ષા
એનઆરએ નોન-ટેકનિકલ પોસ્ટ માટે ગ્રેજ્યુએટ, હાયર સેકન્ડરી (12મું પાસ) અને મેટ્રિક્યુલેટ (10મું પાસ) એમ દરેક માટે અલગ CET હાથ ધરવામાં આવશે, જે અત્યારે સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી), રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (આરઆરબી) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (આઇબીપીએસ) દ્વારા હાથ ધરવામાં આવે છે. CET સ્કોરના સ્તર પર હાથ ધરવામાં આવેલી પરીક્ષાને આધારે ભરતી માટે અંતિમ પસંદગી પરીક્ષાના અલગ સ્પેશ્યલાઇઝ ટાયર્સ (II, III વગેરે) દ્વારા કરવામાં આવશે, જે સંબંધિત ભરતી સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવશે. આ પરીક્ષા માટે અભ્યાસક્રમ કોમન રહેશે, જે તમામ માટે એકસરખો કે પ્રમાણભૂત હશે. તેનાથી ઉમેદવારોનું ભારણ હળવું થશે, જેમને અત્યારે દરેક પરીક્ષા માટે અલગ અભ્યાસક્રમ મુજબ તૈયારી કરવી પડે છે.
પરીક્ષાનું આયોજન અને કેન્દ્રોની પસંદગી
ઉમેદવારોને કોમન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાની સુવિધા મળશે અને પરીક્ષા કેન્દ્રો પસંદ કરવાનો વિકલ્પ મળશે. ઉપલબ્ધતાને આધારે તેમને કેન્દ્રોની ફાળવણી કરવામાં આવશે. આ પ્રક્રિયાનો અંતિમ ઉદ્દેશ એવા તબક્કામાં પહોંચવાનો છે, જેમાં ઉમેદવારો તેમની પસંદગીના કેન્દ્રોમાં તેમની પોતાના અનુકૂળ સમયે પરીક્ષા આપી શકે.
એનઆરએ દ્વારા પહોંચલક્ષી પ્રવૃત્તિઓ
એકથી વધારે ભાષાઓ
CET એકથી વધારે ભાષાઓમાં ઉપલબ્ધ થશે. એનાથી દેશના વિવિધ વિસ્તારોના લોકોને પરીક્ષા આપવામાં મદદ મળશે અને પસંદગી થવાની સમાન તક મળશે.
સ્કોર – વિવિધ ભરતી સંસ્થાઓ પાસેથી મેળવવાની સુલભતા
શરૂઆતમાં સ્કોરનો ઉપયોગ ત્રણ મુખ્ય રિક્રૂટમેન્ટ સંસ્થાઓ દ્વારા થશે. જોકે એવી અપેક્ષા છે કે, સમયની સાથે કેન્દ્ર સરકારમાં અન્ય ભરતી સંસ્થાઓ પણ તેને જ અપનાવશે. ઉપરાંત આ સ્કોર અન્ય સરકારી અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ માટે ઉપયોગી બનશે, જો તેઓ ઇચ્છશે તો. એટલે લાંબા ગાળે CET સ્કોર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશો, સરકારી ક્ષેત્રના સાહસો અને ખાનગી ક્ષેત્રમાં અન્ય ભરતી કરતી સંસ્થાઓ સાથે વહેંચી શકાશે. જેનાથી આ પ્રકારની સંસ્થાઓને ભરતી પર ખર્ચ અને સમય ઘટાડવામાં પણ મદદ મળશે.
ભરતીનો સમયગાળો ઓછો કરવો
લાયકાત કે પાત્રતા માટેની એકમાત્ર કસોટી ભરતીના સમયગાળામાં નોંધપાત્ર ઘટાડો કરશે. કેટલાંક વિભાગોએ કોઈ પણ બીજા સ્તરની પરીક્ષા ન યોજવાનો ઇરાદો જાહેર કર્યો છે અને CET સ્કોર, શારીરિક કસોટી અને તબીબી પરીક્ષણને આધારે જ ભરતીમાં આગળ વધવાનો સંકેત આપ્યો છે. એનાથી ભરતી કરવાનો સમયગાળામાં ઘણો ઘટાડો થશે અને મોટી સંખ્યામાં યુવાનોને લાભ થશે.
નાણાકીય ખર્ચ
સરકારે રાષ્ટ્રીય ભરતી એજન્સી (એનઆરએ) માટે રૂ. 1517.57 કરોડના કુલ ફંડની મંજૂરી આપી છે. આ માટે ખર્ચ ત્રણ વર્ષના સમયગાળામાં કરવામાં આવશે. એનઆરએ સ્થાપિત કરવા ઉપરાંત 117 આકાંક્ષી જિલ્લાઓમાં પરીક્ષાનું માળખું સ્થાપિત કરવા માટે ખર્ચ કરવામાં આવશે.