પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે આંધ્રપ્રદેશમાં અનંતપુર જિલ્લા સ્થિત જનથાલુરૂ ગામમાં ‘આંધ્રપ્રદેશના કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ યુનિવર્સિટીની સ્થાપના માટે પ્રથમ તબક્કાના ખર્ચ પેટે રૂ. 450 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
મંત્રીમંડળે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અધિનિયમ 2009માં સુધારો ન થાય ત્યાં સુધી, તેને કાયદાકીય દરજ્જો આપવા માટે પ્રારંભિક રૂપે સોસાયટી નોંધણી અધિનિયમ, 1860 અંતર્ગત એક સમિતિની રચના કરી અસ્થાયી કેમ્પસમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના સંચાલનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. શૈક્ષણિક વર્ષ 2018-19થી શૈક્ષણિક પ્રવૃત્તિઓના પ્રારંભને સક્ષમ કરવા માટે કેન્દ્રીય વિશ્વવિદ્યાલયને જ્યાં સુધી તેનું સંચાલિત માળખું તૈયાર ન થાય ત્યાં સુધી હાલના કેન્દ્રીય વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત કરવામાં આવશે.
આ મંજૂરીથી ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા અને વ્યાપમાં વધારો થશે તેમજ શૈક્ષણિક સુવિધાઓમાં પ્રાદેશિક અસંતુલનને ઘટાડવામાં મદદ મળશે અને આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ, 2014ને પ્રભાવી બનાવવામાં મદદ મળશે.