'કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ' હેઠળ નાણાં વ્યવસ્થાની સુવિધાની કેન્દ્રીય ક્ષેત્રની યોજનામાં નીચે મુજબના સુધારા વધારાને આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે:
-
- પાત્રતા હવે રાજ્ય એજન્સીઓ/એપીએમસીઓ, રાષ્ટ્રીય અને રાજ્ય સહકારી ફેડરેશનો, ફેડરેશન્સ ઑફ ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઑર્ગેનાઇઝેશન્સ (એફપીઓ) અને ફેડરેશન ઑફ સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સ(એસએચજી) સુધી લંબાવાઈ છે.
-
- અત્યારે આ યોજના હેઠળ એક સ્થળે રૂ. 2 કરોડ સુધીની લોન માટે સરકાર તરફથી વ્યાજ મદદ પાત્ર છે. એવા કિસ્સામાં, જ્યાં એક પાત્ર સંસ્થા વિવિધ સ્થળોએ પરિયોજનાઓ મૂકે તો હવેથી આવા તમામ પ્રોજેક્ટ્સ રૂ. 2 કરોડ સુધીની લોન માટે વ્યાજ મદદ મેળવવા પાત્ર રહેશે. જો કે ખાનગી ક્ષેત્રની સંસ્થા માટે, આવા મહત્તમ 25 પ્રોજેક્ટ્સની મર્યાદા રહેશે. 25 પ્રોજેક્ટ્સની આ મર્યાદા રાજ્યની એજન્સીઓ, રાજ્ય અને કેન્દ્રના સહકારી ફેડરેશનો, ફેડરેશન ઑફ એફપીઓ અને ફેડરેશન ઑફ એસએચજીને લાગુ પડશે નહીં. સ્થળનો અર્થ વિશેષ એલજીડી (લોકલ ગવર્નમેન્ટ ડિરેક્ટરી) કૉડ ધરાવતા ગામ કે નગરની ભૌતિક હદ રહેશે. આવા પ્રોજેક્ટ્સમાંના દરેક અલગ એલજીડી કૉડ હોય એવા સ્થળમાં હોવા જોઇએ.
-
- એપીએમસીઓ માટે, વિવિધ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ જેવા કે કૉલ્ડ સ્ટૉરેજ, સોર્ટિંગ, ગ્રેડિંગ અને એસેઈંગ યુનિટ્સ, સિલોઝ (લીલો ચારો સંગ્રહી રાખવાનો ખાડો) ઇત્યાદિ દરેક પ્રોજેક્ટ્સ માટે રૂ. બે કરોડ સુધીની લોન માટે વ્યાજ મદદ પૂરી પડાશે.
-
- લાભાર્થી ઉમેરવા કે રદ કરવા સંબંધી જરૂરી ફેરફારો કરવાની સત્તા આદરણીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીને સોંપવામાં આવી છે અને એ એવી રીતે કરવાનું રહેશે જેનાથી આ યોજનાની મૂળ ભાવના બદલાય નહીં.
-
- નાણાંકીય સુવિધાનો ગાળો 4 વર્ષથી લંબાવીને છ વર્ષ, 2025-26 સુધી કરવામાં આવ્યો છે અને આ યોજનાનો એકંદર ગાળો 10થી 13 કરીને 2032-33 કરવામાં આવ્યો છે.
આ યોજનામાં આ સુધારા વધારાથી એના લાભો નાના અને સીમાંત ખેડૂતો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવાની સાથે રોકાણ પેદા કરવામાં બહુગુણક અસર હાંસલ કરવામાં મદદ મળશે. એપીએમસી બજારો બજાર કડીઓ પૂરી પાડવા માટે અને તમામ ખેડૂતો માટે ખુલ્લી એવી કાપણી પછીની જાહેર માળખાગત સુવિધાની ઈકો સિસ્ટમ સર્જવા સ્થપાઇ છે.