પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ ખાંડની સિઝન 2024-25 માટે શેરડીના વાજબી અને વળતરદાયક ભાવ (એફઆરપી)ને 10.25 ટકાના દરે રૂ. 340/ક્વિન્ટલના ભાવે મંજૂરી આપી હતી. શેરડીનો આ ઐતિહાસિક ભાવ છે જે વર્તમાન સીઝન 2023-24 માટે શેરડીના એફઆરપી કરતા લગભગ 8 ટકા વધારે છે. સંશોધિત એફઆરપી 01 ઓક્ટોબર 2024થી લાગુ થશે.
શેરડીના એ2+એફએલ ખર્ચ કરતા 107 ટકા વધારે નવી એફઆરપી શેરડીના ખેડૂતોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે. નોંધનીય છે કે ભારત પહેલેથી જ વિશ્વમાં શેરડીની સૌથી વધુ કિંમત ચૂકવી રહ્યું છે અને તેમ છતાં સરકાર ભારતના ઘરેલુ ગ્રાહકોને વિશ્વની સૌથી સસ્તી ખાંડ સુનિશ્ચિત કરી રહી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી શેરડીના 5 કરોડથી વધુ ખેડૂતો (પરિવારના સભ્યો સહિત) અને ખાંડ ક્ષેત્ર સાથે સંકળાયેલા લાખો અન્ય લોકોને લાભ થશે. તે ખેડૂતોની આવક બમણી કરવા માટે મોદી કી ગેરંટીની પૂર્તિની પુષ્ટિ કરે છે.
આ મંજૂરી સાથે શુગર મિલો 10.25 ટકાની રિકવરી પર શેરડીની એફઆરપી ₹ 340/ક્વિન્ટલ ચૂકવશે. રિકવરીના પ્રત્યેક 0.1 ટકાના વધારા સાથે ખેડૂતોને ₹3.32ના વધારાના ભાવ મળશે જ્યારે રિકવરીમાં 0.1 ટકાનો ઘટાડો થવા પર તેટલી જ રકમ કાપવામાં આવશે. જો કે ₹ 315.10/ક્વિન્ટલ શેરડીનો લઘુત્તમ ભાવ છે જે 9.5%ની રિકવરી પર છે. ખાંડની રિકવરી ઓછી હોય તો પણ ખેડૂતોને ₹ 315.10/ક્વિન્ટલના દરે એફઆરપીની ખાતરી આપવામાં આવે છે.
છેલ્લા 10 વર્ષોમાં, મોદી સરકારે સુનિશ્ચિત કર્યું છે કે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ સમયસર મળે. અગાઉની ખાંડની સિઝન 2022-23ની 99.5 ટકા શેરડીની બાકી નીકળતી રકમ અને ખાંડની અન્ય તમામ સિઝનના 99.9 ટકા ખેડૂતોને પહેલેથી જ ચૂકવવામાં આવે છે, જેના કારણે ખાંડ ક્ષેત્રના ઇતિહાસમાં સૌથી ઓછું શેરડીનું એરિયર્સ બાકી છે. સરકાર દ્વારા સમયસર નીતિગત હસ્તક્ષેપો સાથે, ખાંડ મિલો આત્મનિર્ભર બની ગઈ છે અને એસએસ 2021-22 થી સરકાર દ્વારા તેમને કોઈ નાણાકીય સહાય આપવામાં આવી રહી નથી. તેમ છતાં, કેન્દ્ર સરકારે ખેડૂતોને શેરડીની 'એફઆરપી અને સુનિશ્ચિત ખરીદી' સુનિશ્ચિત કરી છે.